કરોડોના ખર્ચે ગુજરાતના દરિયાકિનારે બની રહી છે ચોપાટી, હશે ‘હાઈક્લાસ’ સુવિધા

20 Oct, 2016

વેરાવળ: છેલ્લા ઘણા વર્ષોથી વેરાવળના રમણીય અને વિશાળ દરીયા કિનારા પર ચોપાટી બને તેવી માગ વેરાવળવાસીઓ દ્વારા ઉઠી રહી હતી. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લો કાર્યરત થતા રાજ્ય સરકાર અને ટુરીઝમ વિભાગ દ્વારા વેરાવળના 3 કિલોમીટર જેટલા દરિયા કિનારા પર તમામ સુવિધા સાથે કરોડો રૂપિયાના ખર્ચે  ચોપાટી બીચના નિર્માણનું પ્રથમ તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેરાવળના દરિયા કિનારે નિર્માણ પામી રહેલો આ ચોપાટી બીચ રાજ્યની સૌથી મોટી ચોપાટી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રશાસન દ્વારા ચોપાટીનો ગ્રાફિક્સ રોડમેપ પણ બનાવવામાં આવ્યો છે. જેનું સીધું મોનિટરિંગ ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર જાતે કરી રહ્યાં છે. વેરાવળના રમણીય દરિયા કિનારા પર 45 કરોડના ખર્ચે બની રહેલા ચોપાટી બીચ આગામી સમયમાં તીર્થધામ સોમનાથમાં આવનારા તમામ પર્યટકોમાં આકર્ષનું કેન્દ્ર બની રહેશે. ત્રણ કિલોમીટરમાં સુવિધાસભર થઈ રહેલા ચોપાટી બીચનું કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કાના ચાલી રહેલા કામમાં સમથળ જમીન ઉપરાંત પાળા અને વિવિધ ડીઝાઈનની કામગીરી ચાલી રહી છે.

કેવા પ્રકારની સુવિધાઓ હશે

- વેરાવળના દરિયા કિનારે નિર્માણ પામી રહેલા ચોપાટી બીચમાં રેસ્ટોરા, વોલીબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, વોકવે, પાથવે જેવી સુવિધાઓ હશે
- ખારાશ યુક્ત વાતાવરણ અને દરીયાઈ હવામાનમાં ટકી શકે તેવા નયનરમ્ય વૃક્ષો
- સીમેન્ટ કોક્રીંટના ખાસ પ્રકારના કાળમીંઢ પથ્થરો મુકાશે
- લોકો પરિવાર સાથે પીકનીક મનાવી શકે તેવી બેઠક વ્યવસ્થા
- બાળકો માટે વિવિધ પ્રકારની રમતનુ અલગ મેદાન
- સનસેટ માણવા માટે ખાસ સુવિધા વિકસાવાશે