શરદી અને કફની તકલીફથી બચવા માટે કરો આ ઉપાય

29 Jan, 2018

 શિયાળો આવે એટલે અનેક બિમારીઓ પણ સાથે લાવે છે. તેમાં સૌથી વધારે સમસ્યા કફ અને ગળામાં ખરાશની થાય છે. આવા સમયે તમારે શું કરવું એ એક મોટી સમસ્યા છે. શિયાળામાં દિવસના ૪-૫ વાર હુંફાળા ગરમ પાણી પીઓ અને સાથે જમ્યા પછી પણ ગરમ પાણી પીવું જોઇએ. તમને ગળામાં વધારે તકલીફ થતી હોય તો ગરમ પાણીની અંદર મીઠું મિકસ કરીને સવારે અને સાંજે કોગળા કરો.

હળદરવાળું દુધ

રાતના સુતી વખતે ગરમ હળદરનું દુધ પીવું જોઇએ તેનાથી શરદી અને કફમાં ઘણી રાહત મળે છે. ધ્યાન રાખો કે તે પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઇએ.

 
 

સરસિયાનું તેલ
એક ચમચી સરસિયાનું તેલ લો અને તેને હૂંફાળું ગરમ કરો. તેમાંથી ચાર ટીપાં તેલ લો અને સૂતી સમયે તેને નાકમાં નાંખો. આમ કરવાથી સવારે ઊઠતી સમયે તમને શરદીમાં રાહત અનુભવાશે. સતત બેથી ત્રણ દિવસ આમ કરવાથી રાહત મળે છે. 

 

આદુ અને લીંબુ
એક કપ પાણીમાં આદુ, બે મરી અને બે લવિંગ લો અને ઉકાળો. તેમાં અડધું લીંબુ મિક્સ કરો. દિવસમાં 2-3 વાર આ પાણીનો ઉપયોગ કરો. આ સિવાય બે ચમચી મધ અને એક લીંબુનો રસ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીઓ. તે પણ તમને રાહત આપે છે. 

 

ફૂદીનો અને તુલસી
તુલસીને ગરમ માનવામાં આવે છે. કફની તકલીફ દૂર કરવા માટે તુલસીના પાનનો રસ કાઢીને તેમાં મધ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. આ સિવાય ફૂદીના અને તુલસીના પાનની ચા પીવાથી પણ ગળા અને નાકની તકલીફ ઓછી થઇ શકે છે. તમે ઇચ્છો તો કાળા મરી અને લવિંગ પણ તેમાં મિક્સ કરી શકો છો.

 

પાનના પાંદડાનું પાણી
નાના બાળકોને કફની તકલીફ રહ્યા કરે છે. તો પાનના પાંદડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. આ પાણીને બાળકોને 2-2 ચમચી દિવસમાં 3-4 વાર આપો. તેનાથી કફ મળમાં બહાર નીકળે છે. તેના સેવનથી કફમાં પણ રાહત મળે છે. 

 

લસણનો સૂપ
લસણને ફોલી લો અને બારીક પીસો. હવે એક કપ પાણીમાં તેને થોડીવાર સુધી ઉકાળો. અડધો કપ જેવું પાણી રહે પછી તેને ગાળીને પીઓ. તેનાથી શરદીમાં રાહત અનુભવાય છે.

 

સ્ટીમ લો
નાક બંધ હોય અને ગળામાં ખરાશ હોય તો સ્ટીમ વેપોરાઇઝરની મદદ લેવી અનિવાર્ય છે. સ્ટીમ તમારા નેઝલ ટ્રેટમાંના કીટાણુઓને ખતમ કરે છે. ધ્યાન રાખો કે સ્ટીમ લેતી સમયે પાણી વધારે ગરમ ન હોય.