ક્રિસમસની મજાની સાથે માણો, પાંચ મિનિટમાં તૈયાર થતી 7 કોફી મગ કેક

25 Dec, 2014

આજે અમે તમારી માટે ક્રિસમસ સ્પેશિયલ મગ કેકની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે કેક બનાવવામાં અડધાથી એક કલાકનો સમય લાગે છે. પરંતુ તમે માત્ર પાંચ મિનિટમાં જ કેકનો આનંદ માણી શકો એવી મગ કેકની રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. જેમાં મગ કેક, વેનિલા મગ કેક, ન્યૂટેલા મગ કેક, બ્લૂ બેરી મગ કેક અને પીનટ બટર મગ કેકની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો ક્રિસમસના દિવસે સરળતાથી કેકની મજા માણવા માટે ચોક્કસથી અજમાવો આ સ્વીટ એન્ડ શોટ મગ કેકની રેસિપી.
 
આજે અમે તમારી માટે ક્રિસમસ સ્પેશિયલ મગ કેકની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે કેક બનાવવામાં અડધાથી એક કલાકનો સમય લાગે છે. પરંતુ તમે માત્ર પાંચ મિનિટમાં જ કેકનો આનંદ માણી શકો એવી મગ કેકની રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. જેમાં મગ કેક, વેનિલા મગ કેક, ન્યૂટેલા મગ કેક, બ્લૂ બેરી મગ કેક અને પીનટ બટર મગ કેકની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો ક્રિસમસના દિવસે સરળતાથી કેકની મજા માણવા માટે ચોક્કસથી અજમાવો આ સ્વીટ એન્ડ શોટ મગ કેકની રેસિપી.

ચોકલેટ મગ કેક-
 
સામગ્રી-
 
-4 ટેબલસ્પૂન મેંદો
-5 ટેબલસ્પૂન ખાંડ
-2 ટેબલસ્પૂન કોકો પાવડર
-1 ટીસ્પૂન બેકિંગ પાવડર
-1 નંગ ઈંડુ
-3 ટેબલસ્પૂન દૂધ
-3 ટેબલસ્પૂન બટર
-1 ચપટી મીઠું
-2 ટીપાં વેનિલા એસેન્સ
 
રીત-
 
સૌપ્રથમ બે માઈક્રોવેવ મગ લઈ લો. જે 250 મીલીના હોય. એના કરતા નાના લેશો તો કેક ફૂલીને બહાર નીકળી જશે. હવે એક મિક્ષિંગ બાઉલમાં મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર, મીઠું અને દળેલી ખાંડ બરાબર ચાળી લો. ત્યાર બાદ તેને બંને મગમાં અડધા અડધા પ્રમાણમાં ઉમેરી દો. ચમચીથી બરાબર મિક્ષ કરી લો. હવે એ જ ખાલી થયેલા મિક્ષિંગ બાઉલમાં દૂધ, બટર અને વેનિલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં ઈંડુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ચમચીથી બરાબર ફેંણી લો. હવે આ મિશ્રણને પણ બંને મગમાં અડધું-અડધું ઉમેરી દો. હવે બંને મગમાંના મિશ્રણને ચમચીની મદદથી બરાબર ફેંટી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, લોટ તળિયે ચોંટેલો ના હોવો જોઈએ. લોટના ગઠ્ઠા ના રહે એ રીતે બરાબર ફેંટી લો. એક સમયે એક જ મગ માઈક્રોવેવમાં મૂકીને બેક કરી લો. મધ્યમ તાપે બે મિનિટ માટે બેક કરો. ત્યાર બાદ ટૂથપીક નાખીને ચેક કરી લો કે, કેક તૈયાર થઈ ગઈ છે કે નહીં. જો થઈ ગઈ હોય તો કાઢીને બીજો મગ મૂકી દો. તૈયાર છે પાંચ મિનિટમાં તૈયાર થતી મગ કેક.

એગલેસ કોકો મગ કેક-

 
સામગ્રી-
 
-4 ટેબલસ્પૂન મેંદો
-1 ટેબલસ્પૂન કોકો પાવડર
-3 ટેબલસ્પૂન દૂધ
-3 ટેબલસ્પૂન તેલ
-1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
-2 ટેબલસ્પૂન ખાંડ
-1/4 ટીસ્પૂન વેનિલા એસેન્સ
 
રીત-
 
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, કોકો પાવડર અને બેકિંગ પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ, વેનિલા એસેન્સ, તેલ અને દૂધ ઉમેરીને ફરીથી બરાબર ફેંટી લો. હવે ગ્રીસ કરેલા માઈક્રોવેવ મગમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો. 250 મીલીનો મગ લેવો. અને તેને પા ભાગનો જ ભરવો, જેથી કેક ફૂલે તો બહુ ઉભરાય નહીં. હવે માઈક્રોવેવમાં બે મિનિટ માટે મધ્યમ તાપે મગને મૂકી દો. ત્યાર બાદ ટૂથપીક નાખીને ચેક કરી લો, જો તૈયાર હોય તો તૈયારીમાં કાઢીને તેને ગરમા-ગરમ સર્વ કરો. તમે તેને ચોકલેટના છીણથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
 
વેનિલા મગ કેક-
 
સામગ્રી-
 
-1/4 કપ મેંદો
-1 ચપટી મીઠું
-2 ટેબલસ્પૂન ખાંડ
-1 ચપટી બેકિંગ સોડા
-1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
-2 ટેબલસ્પૂન દૂધ
-2 ટેબલસ્પૂન દહીં
-1 ટેબલસ્પૂન તેલ
-1/4 ટીસ્પૂન વેનિલા એસટ્રેક્ટ
 
રીત-

સૌપ્રથમ માઈક્રોવેવ સેફ મગમાં બધી જ સામગ્રી ઉમેરીને સરસ રીતે ફેંટી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બની જાય એટલે માઈક્રોવેવમાં બે મિનિટ માટે બેક કરી લો. ત્યાર બાદ ચેક કરી લેવું. તૈયાર હોય તો ગરમા-ગરમ સર્વ કરો.
 
બ્લૂબેરી મગ કેક-
 
સામગ્રી-
 
-4 ટેબલસ્પૂન મેંદો
-1 નંગ ઈંડુ
-1/8 ટીસ્પૂન બેકિંગ પાવડર
-1/8 ટીસ્પૂન બેકિંગ સોડા
-21/2 ટીસ્પૂન ખાંડ
-3 ટેબલસ્પૂન ફેટ ફ્રી દૂધ
-1/2 ટેબલસ્પૂન વેજિટેબલ તેલ
-1/4 ટીસ્પૂન વેનિલા એસ્ટ્રેક્ટ
-15 થી 16 નંગ બ્લૂબેરી
 
રીત-
 
સૌપ્રથમ એક બાઉલમાં બ્લૂબેરી સિવાયની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થાય એ રીતે ફેંટી લો. ત્યાર બાદ તેમાં બ્લૂબેરી ઉમેરીને ધીમેથી મિક્ષ કરો. હવે માઈક્રોવેવ સેફ મગને બટરથી ગ્રીસ કરી લો. તેમાં તૈયાર કરેલું મિશ્રણ પા ભાગનો મગ ભરાય એ રીતે ઉમેરો. ત્યાર બાદ આ મગને બે મિનિટ માટે માઈક્રોવેવમાં બેક કરી લો. સ્વાદિષ્ટ બ્લૂબેરી મગ કેક તૈયાર છે. સર્વ કરો.
 
વેનિલા ચોકલેટ ચિપ્સ મગ કેક-
 
સામગ્રી-
 
-1/2 કપ મેંદો
-1/4 કપ દળેલી ખાંડ
-1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર
-1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
-1/4 કપ દૂધ
-1/4 કપ દહીં
-2 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન વેનિલા એસ્ટ્રેક્ટ
-11/2 ટેબલસ્પૂન ચોકલેટ ચિપ્સ
 
રીત-
 
સૌપ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો. હવે એક માઈક્રોવેવ સેફ મગને બટર લગાવીને ગ્રીસ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો. પા કપ ભરી લો. પાંચેક મિનિટ માટે માઈક્રોવેવમાં મૂકીને બેક કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મગ કેક.
 
ન્યૂટેલા મગ કેક-
 
સામગ્રી-
 
-4 ટેબલસ્પૂન મેંદો
-4 ટેબલસ્પૂન દળેલી ખાંડ
-3 ટેબલસ્પૂન કોકો પાવડર
-3 ટેબલસ્પૂન ન્યૂટેલા
-3 ટેબલસ્પૂન દૂધ
-3 ટેબલસ્પૂન તેલ
-1 નંગ ઈંડુ
-બટર જરૂર મુજબ
 
અન્ય સામગ્રી-
-200 મીલી કોફી મગ
-1 ચમચી
-1 કાંટા ચમચી
-1 મધ્યમ કદની વાટકી
 
રીત-
 
સૌપ્રથમ કોફી મગને બટર લગાવીને ગ્રીસ કરી લો. ત્યાર બાદ તેમાં બધી જ ડ્રાય સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં દૂધ, તેલ અને ન્યૂટેલા ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે ઈંડુ ઉમેરીને એકદમ ફાસ્ટ ફેંટો. કાંટા ચમચી વડે તેને એકદમ સરસ ફેંટી લો. જો તમે ઈચ્છો તો પહેલા એક મિક્ષિંગ બાઉલમાં બધી જ સામગ્રી બરાબર મિક્ષ કરીને પછી તેને મગમાં ઉમેરી શકો છો. હવે આ મગને માઈક્રોવેવમાં બે મિનિટ માટે બેક કરી લો. ત્યાર બાદ ગરમા-ગરમ સર્વ કરો.
 
પીનટ બટર મગ કેક-
 
સામગ્રી-
 
-4 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
-1 ટેબલસ્પૂન ખાંડ
-1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
-5 ટેબલસ્પૂન દૂધ
-1 નંગ ઈંડુ
-1 ટેબલસ્પૂન પીનટ બટર
 
રીત-
 
સૌપ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ એક માઈક્રોવેવ સેફ મગમાં આ મિશ્રણ ઉમેરીને ઓવનમાં બે મિનિટ માટે બેક કરી લો. ત્યાર બાદ ગરમા-ગરમ મગ કેક સર્વ કરો.