સ્તન ને મોટા કરવા માટે કરાતી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે ?

22 Jun, 2018

આજના જમાનામાં અલ્પવિકસિત સ્તન ધરાવતી સ્ત્રી/યુવતી પોતાની મૂંઝવણનો કોઈ સચોટ ઈલાજ ન હોવાનું ધારીને હતાશા અનુભવે છે. ઘણાં કેસમાં તો તેઓ ન્યુઝપેપરમાં આવતી સ્તનની સાઈઝ વધારતી કેપ્સ્યુલ કે તેલ માલિશની સસ્તી જાહેરાતોના પણ અખતરા કરે છે. જો કે અંતે તો નિરાશા જ મળે છે, કારણકે અવિકસિત સ્તનની સાઈઝ વધારવાનો સચોટ ઉપાય પ્લાસ્ટીક સર્જરી પાસે જ છે અને તેને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરી કહેવાય છે. 

 
બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરીમાં પહેલાં તો દર્દી સાથે ચર્ચા કરીને તેની પોતાની અપેક્ષા અને ઈચ્છા વિશે જાણવામાં આવે છે. ત્યારબાદ દર્દીના સ્તનનું ચોક્કસ માપ લઈને વૈજ્ઞાનિક રીતે ઈમ્પ્લાન્ટની પસંદગી કરવામાં આવે છે. લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે અત્યારે સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ (Textured Silicone gel filled implant)ની પસંદગી કરવામાં આવે છે. 
 
ઑપરેશન દ્વારા સ્તનની નીચેના ભાગ (Infra mammary crease) માં બે ઈંચ જેટલો સામાન્ય ચેકો મૂકીને ઇમ્પ્લાન્ટને સ્તનની પાછળના ભાગમાં યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. જેનાથી સ્તનને ‘Push’ મળે છે અને તેના દેખાવ તથા આકારમાં ત્વરીત સુધારો થાય છે. આ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પછી દર્દી થોડા કલાકોમાં જ ઘરે જઈ શકે છે.
 
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કોણ કરાવી શકે?
 
શારીરિક વિકાસ પૂર્ણ થયા બાદ (૧૭ વર્ષ પછી) કોઈ પણ ઉમરની યુવતી કે સ્ત્રી સ્તનની સાઈઝ તથા સુંદરતા વધારવા માટેની આ સર્જરી કરાવી શકે છે. જવલ્લે આ સર્જરી પુરુષમાંથી જાતિ બદલાવીને સ્ત્રી બનાવવાનાં ઑપરેશન (Male to female trans sexual surgery) ની પ્રક્રિયાના ભાગરૂપે પણ કરવામાં આવે છે. તો કોઈવાર કેન્સરના ઑપરેશનમાં સ્તનને સંપૂર્ણ કાઢી નાખ્યા બાદ ફરી સ્તન બનાવવાની પ્લાસ્ટીક સર્જરીમાં પણ આ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે.
 
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પછી શું કાળજી રાખવી પડે છે?
 
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પછી ૫ થી ૬ કલાકમાં હૉસ્પિટલમાંથી રજા મળી જાય છે. આશરે પાંચથી સાત દિવસ સુધી એન્ટીબાયોટીક તથા પેઈનકીલર ટેબ્લેટ લેવાની જરૂર પડે છે. તથા ઘરનું સામાન્ય કામ બે-ત્રણ દિવસ પછી શરૂ કરી શકાય છે. ભારે વજન ઉંચકવું, કસરત કે સ્વીમીંગ જેવા કાર્યો 3 અઠવાડિયા પછી જ થઈ શકે છે.
 
શું વધારે દબાણથી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ ફાટી જાય કે તેનાથી કેન્સર થાય ખરું?
 
સિલિકોન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સંપૂર્ણ સુરક્ષિત છે. બેસ્ટ ક્વૉલિટીના ઇમ્પ્લાન્ટ કદી દબાણની અસર હેઠળ ફાટી શકે નહિ. સંશોધન દ્વારા પ્રમાણિત થયેલ છે કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી કેન્સર થતું નથી તથા સિલિકોન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સલામત પધ્ધતિ છે.
 
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરીથી શું ફાયદો થાય છે? 
 
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરીથી સ્ત્રીના આત્મવિશ્વાસ તથા self esteem માં વધારો થાય છે. ઘણાં ખરાં કેસમાં પરિણિત સ્ત્રીઓમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પછી તેમના પતિ સાથેના પર્સનલ રીલેશનમાં પણ પોઝીટીવ ફેરફાર થાય છે. અપરિણિત સ્ત્રીઓના કેસમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કર્યા પછી ભવિષ્યમાં પ્રેગ્નન્સી સમયે અથવા તો સ્તનપાન ( બ્રેસ્ટ ફીડીંગ) કરાવતી વખતે કોઈ તકલીફ થતી નથી.