ડ્રાયફ્રૂટ્સ ખાવાની રીત, સમય અને કેટલા ખાવાં જાણવું જરૂરી!

24 Aug, 2015

 ડ્રાયફ્રૂટ્સનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. તેમાં રહેલાં પોષક તતવો અનેક રીતે શરીર માટે લાભકારક સિદ્ધ થાય છે અને  જ કારણથી મોટાભાગના ડોક્ટર્સ ડાયટ ડ્રાયફ્રૂટ્સને સામેલ કરવાની સલાહ આપે છે. સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યુનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે મોટા ભાગના બધા જ ડાયટિશ્યન્સ ડ્રાયફ્રૂટ્સને દરરોજના ડાયટમાં સામેલ કરવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ ડ્રાયફ્રૂટ્સ મોંઘાં હોવાને કારણે આજે પણ મધ્યમ વર્ગના પરિવાર માત્ર તહેવારો કે પ્રસંગમાં જ તેનું સેવન કરી શકે છે. જોકે એક સત્ય એ પણ છે કે બહારના ફાસ્ટ-ફૂડ અને જન્ક-ફૂડ પર મહિનાના હજારો રૂપિયા ન વેડફીને એની જગ્યાએ દરરોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાવામાં આવે તો કદાચ બીમારીઓથી દૂર રહીને ડોક્ટરની ફીના પૈસા પણ બચાવી શકાય. જેથી આજે અમે તમને

 
જુદા-જુદા ડ્રાયફ્રૂટ્સના ખાવાના ફાયદા
 
બદામ : બદામ એ લો કેલરી ધરાવતું ડ્રાયફ્રૂટ છે. અન્ય સૂકા મેવાની સરખામણીમાં બદામમાં કેલ્શિયમનો અખૂટ ભંડાર હોય છે. ઉપરાંત ભરપૂર માત્રામાં વિટામિન ઈ, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ રહેલું હોય છે. બદામનું સેવન નવા રક્તકણો બનાવે, એસિડિટીમાં રાહત આપે છે, ફેફસાં અને સ્તનના કેન્સરને રોકવામાં મદદ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખે છે, હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઘટાડે તથા સ્કિન અને વાળને નિખારે છે.
 
કિસમિસ : કાળી અને લાલ બન્ને કિસમિસ કબજિયાતમાં અક્સિર નીવડે છે. પાચનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ અને એસિડિટીમાં, વજન વધારવામાં, તરત એનર્જી‍ મેળવવામાં, એનિમિયાના ઇલાજરૂપે, હાડકાંની મજબૂતી વધારવામાં, આંખોના રક્ષણ અને એના સ્વાસ્થ્ય તથા દાંતના રક્ષણમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
 
કાજુ : શરીરને તાકાત આપવા, પાચનક્રિયા સુધારવા, હાર્ટને જરૂરી ફેટ્સ પૂરા પાડવા, કેન્સર સામે રક્ષણ કરવા, હાડકાં અને દાંતને મજબૂત બનાવવા, શરીરને એનર્જી‍ પૂરી પાડવા તથા વજન નિયંત્રણમાં રાખવા કાજુ ખૂબ ઉપયોગી છે. સ્ત્રીઓના મેનોપોઝ સમયે એ શરીરને સ્ટ્રેસથી મુક્ત રાખવામાં મદદરૂપ થાય છે.
 
પિસ્તા : આંખને સ્વસ્થ રાખવામાં, બ્લડ-શુગર સ્ટેબલ રાખવામાં, પાચનક્રિયા સુદૃઢ બનાવવા, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, હૃદયરોગથી બચવામાં, સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને કબજિયાત દૂર કરવામાં પિસ્તા ખૂબ ઉપયોગી થાય છે.
 
અખરોટ : અસ્થમા, એક્ઝિમા, આર્થારાઈટિસ, એલ્ઝાઇમર જેવા રોગો સામે અખરોટ ખૂબ અસરકારક નીવડે છે. મગજને સતર્ક બનાવવા, ઊંઘની ક્વોલિટી સુધારવા, કાર્ડિયો-વેસ્ક્યુલર હેલ્થ સુધારવા, કબજિયાત દૂર કરવા, સ્નાયુઓને મજબૂત બનાવવા, તૂટેલા કોષોને રિપેર કરવા, કેન્સર સામે લડવા અખરોટ ખૂબ ઉપયોગી છે.
 
અંજીર : કબજિયાત મટાડવા, વજન કંટ્રોલ કરવા માટે, કોલેસ્ટ્રોલ ઘટાડવા, કોરોનરી હાર્ટ-ડિસીઝ સામે રક્ષણ મેળવવા, બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રાખવા, કેન્સર સામે લડવા, બ્લડ-શુગર કન્ટ્રોલ કરવા, હાડકાં મજબૂત બનાવવા અને શ્વાસને લગતા પ્રોબ્લેમ્સ સામે લડવા અંજીર ખૂબ ઉપયોગી છે.
 
ખાવાની યોગ્ય રીત 
 
ઘણા લોકો ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાતા હોય છે. ઘણા લોકો એને શેકીને તો ઘણા એને એના ઓરિજિનલ ફોર્મમાં જ ખાતા હોય છે. આ બધામાંથી એને ખાવાની સાચી રીત કઈ છે ? ડ્રાયફ્રૂટ્સ આમ તો પચવામાં ભારે હોય છે. એને દૂધમાં કે પાણીમાં પલાળીને ખાવામાં આવે તો એ પચવામાં સરળ બની જાય છે અને શરીરમાં એનાં પોષક તત્વો પૂરેપૂરાં એબ્સોર્બ થવાની શક્યતા વધી જાય છે.
 
જે વ્યક્તિને પાચનની સમસ્યા હોય તેમને અથવા નાનાં બાળકો અને વૃદ્ધોને ખાસ આ રીતે જ ડ્રાયફ્રૂટ્સ ખવડાવવાં જોઈએ. બાકી કોઈ પણ વ્યક્તિ પલાળીને ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકે છે. એનાથી ફાયદો જ થાય છે, કોઈ નુકસાન થતું નથી. બાકી ડ્રાયફ્રૂટ્સને એના ઓરિજિનલ ફોર્મમાં ખાઈ શકાય. એને શેકવાથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. બસ, ફક્ત સ્વાદ માટે લોકો એને શેકતા હોય છે.
 
ક્યારે ખાવાં?
 
ડ્રાયફ્રૂટ્સ ખાવાનો યોગ્ય સમય જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘એને સવારમાં બ્રશ કર્યા બાદ તરત કે પછી નાસ્તો કર્યા બાદ લગભગ મિડ-મોર્નિંગમાં એટલે કે ૧૦.૩૦-૧૧ વાગ્યે ખાઈ શકાય અથવા તો સાંજે ૪.૩૦-૫ વાગ્યા આસપાસ પણ ખાઈ શકાય. ડ્રાયફ્રૂટ્સ ક્યારેય જમવાની સાથે ન ખાવાં જોઈએ. ખજૂર રોલ કે શિયાળુ પાકમાં નાખેલાં ડ્રાયફ્રૂટ્સ અત્યંત પોષણયુક્ત છે જેને સવારના બ્રેકફાસ્ટમાં જ ખાવાં જોઈએ. ડ્રાયફ્રૂટ્સવાળું મિલ્ક પણ ક્યારેય રાત્રે ન પીવું જોઈએ. હંમેશાં સવારે ઊઠીને જ પીવું જોઈએ.
 
શાકાહારી લોકો માટે જરૂરી
 
ડ્રાયફ્રૂટ્સને દરરોજના ડાયટમાં સામેલ કરવાં શા માટે જરૂરી છે? ખાસ કરીને જે લોકો વેજિટેરિયન છે તેમણે ડ્રાયફ્રૂટ્સ દરરોજ ખાવાં ખૂબ જરૂરી છે, કારણ કે વેજિટેરિયન ડાયટમાંથી પ્રોટીનની માત્રા ઇચ્છિત પ્રમાણમાં મળતી નથી. ડ્રાયફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં સારી કક્ષાનું પ્રોટીન અને શરીરને જરૂરી એવાં ફેટ્સ છે જે મગજ, હાર્ટ, સ્કિન, બ્લડ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ડ્રાયફ્રૂટ્સ શરીરને એક પાવર-પેક ન્યુટ્રિશન પૂરું પાડે છે જે વેજિટેરિયન્સને બીજા ખોરાકમાંથી સરળતાથી મળતું નથી.
 
પ્રમાણ કેટલું?
 
ઘણા લોકો ડ્રાયફ્રૂટ્સ ખાવા બેસે તો આખો ડબ્બો ખાલી કરી દે અને ન ખાય તો મહિનાઓ સુધી ન ખાય. આમ ન કરવું જોઈએ. દરરોજ ડ્રાયફ્રૂટ્સને ડાયટમાં સામેલ કરવામાં આવે ત્યારે એનું નિશ્ચિત પ્રમાણ જરૂરી છે. જેમ કે બદામ ખાવી હોય તો દિવસમાં ૪-૫ બદામ ખાઈ શકાય. એ જ રીતે ૨-૩ અખરોટ,  ૩-૪ પિસ્તા, ૨-૩ કાજુ, ૭-૮ કિસમિસ ખાય શકાય; જે એનું મિનિમમ પ્રમાણ છે. દરરોજ બધાં ડ્રાયફ્રૂટ્સ ખાવાં જરૂરી નથી. દરરોજ અલગ-અલગ કોમ્બિનેશન ખાઈ શકાય. જેમ કે એક અઠવાડિયું બદામ અને કાજુ ખાધાં તો બીજા અઠવાડિયે અંજીર અને પિસ્તા ખાઈ શકાય.