બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા રોજ સેવન કરો આ 9માંથી કોઈ 1 વસ્તુ

21 Dec, 2015

 વર્તમાન જીવનશૈલીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એકવાર ડાયાબિટીસનો રોગ થાય પછી જીવીએ ત્યાં સુધી આ રોગ પીછો નથી છોડતો. પણ જીવનશૈલીમાં સુધારો અને સ્વસ્થ ખોરાકની મદદથી ડાયાબિટીસના રોગને કંટ્રોલમાં રાખી શકાય છે. આ બીમારીમાં લોહીમાં શુગરની માત્રા વધી જાય છે જેના કારણે શરીરમાં ઈન્સ્યૂલિન ઉત્પાદન કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે અથવા શરીર સંપૂર્ણ રીતે ઈન્સ્યૂલિનનો ઉપયોગ કરી શકતું નથી. જોકે બ્લડ શુગર નિયંત્રિત કરવા માટે અનેક ઉપચાર ઉબલબ્ધ છે, સાથે જ આના માટે કેટલાક અસરકારક ઘરેલૂ ઉપચાર પણ છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.

 
સરગવાના પાન
 
સરગવાના શાકનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે ગુણકારી 
 
માનવામાં આવે છે. આ સિવાય સરગવાના પાનનો ઉપયોગ ઊર્જા વધારવા માટે કરવામાં આવે છે. ડાયાબિટીસમાં સરગવાના પાન બહુ જ ફાયદાકારક સાબિત થાય છે તથા બ્લડ શુગરના સ્તર ઓછું કરે છે અને શુગર લેવલ નિયંત્રણમાં રાખે છે.
 
ઉપયોગ- સરગવાના થોડાક પાન લઈને તેને ધોઈને તેનો રસ કાઢી લો. હવે રોજ ખાલી પેટે પા કપ તેનો રસ લેવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ રોજિંદા ડાયટમાં પણ સરગવાના શાકનું સેવન કરી શકે છે.
 
મેથી દાણા
 
જો તમને ડાયાબિટીસ હોય તો તમારો મેથી દાણાનું સેવન કરવું જોઈએ. મેથી દાણાના પાઉડરનું સેવન કરવાથી બ્લડ શુગર  લેવલ નિયંત્રણમાં રહે છે. કોલેસ્ટ્રોલ વધતું નથી અને ગ્લુકોઝની માત્રા જળવાય છે.
 
ઉપયોગ- આખી રાત 2 ચમચી મેથી દાણાને પાણીમાં પલાળી સવારે ખાલી પેટે તે પાણી પી જવું. શુગર નિયંત્રણમાં રહેશે.
 
આદુ
 
અનેક ઔષધીઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બ્લડ શુગર  લેવલ કંટ્રોલ કરવામાં પણ આદુ મદદરૂપ થાય છે. એક સંશોધનમાં આ વાત જાણવા મળી છે કે રોજિંદી ડાયટમાં માત્ર ત્રણ ગ્રામ આદુ (કેપ્સ્યૂલ) ફોર્મમાં લેવાથી ટાઈપ ટૂ ડાયાબિટીસ દર્દીઓનું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. સાથે જ હેલ્ધી વજન પણ જળવાય છે.
 
ઉપયોગ- જો તમે કેપ્સ્યૂલનું સેવન ન કરવા માગતા હોવ તો તમે દિવસની બે-ત્રણ કપ આદુની ચાનું સેવન શરૂ કરી દો. આ સિવાય તમે ખોરાકમાં પણ આદુનો ઉપયોગ કરી શકો છો.
 
અળસીના બીજ
 
અળસીમાં ફાઈભર ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે ફેટ અને શુગરને એબ્સોર્બ કરવામાં મદદરૂપ થાય છે. અળસીના બીજ ડાયાબિટીસના દર્દીઓની ભોજન બાદ વધતી શુગરને લગભગ 28 ટકા જેટલી ઘટાડવામાં મદદ કરે છે.
 
ઉપયોગ- રોજ સવારે ખાલી પેટે એક ચમચી અળસીનું ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવું.
 
તજ
 
તજ બહુ જ ગુણકારી છે. તે ઈન્સ્યૂલિનની અસરને વધારે છે અને લોહીમાં ગ્લૂકોઝના સ્તરને ઘટાડે છે. દરરોજ અડધી ચમચી તજના પાઉડરનું સેવન કરવાથી ઈન્સ્યૂલિનની અસરમાં વધારો થાય છે અને સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. જેથી હૃદયરોગની સંભાવના પણ દૂર થાય છે. આ સિવાય કેટલાક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે થોડીક માત્રામાં રોજિંદા ડાયટમાં તજને સામેલ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થાય છે.  
 
ઉપયોગ- બ્લડ શુગરને ઓછી કરવા માટે એક મહિના સુધી તમારા દરરોજના ખોરાકમાં 1 ગ્રામ તજને સામેલ કરો.
 
કડવો લીમડો
 
આપણી આસપાસ સરળતાથી મળી રહેતો લીમડો અત્યંત ગુણકારી છે. તેના ઔષધિય ગુણો વિશે મોટાભાગના લોકો જાણતા હશે. લીમડો ઈન્સ્યૂલિનનો સંગ્રહ કરવાની ક્ષમતાને વધારે છે. લોહીના પરિભ્રમણને સુધારે છે. સાથે જ બ્લડ ગ્લૂકોઝના સ્તરને ઓછું કરે છે.
 
ઉપયોગ- શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે લીમડાના કુમળાં પાનનો રસ સવારે ખાલી પેટે પીઓ.
 
તુલસીના પાન
 
તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટ અને જરૂરી તેલથી સમૃદ્ધ હોય છે, જે યૂગેનોલ, મિથાઈલ યૂગેનોલ અને કેરિયોફિલીનનું ઉત્પાદન કરે છે. આ સંયોજકો સ્વાદુપિંડની બીટા કોશિકાઓને (એવી કોશિકાઓ જે ઈન્સ્યૂલિનનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે) યોગ્ય રીતે કાર્ય કરવામાં અને ઈન્સ્યૂલિન પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મદદ કરે છે.
 
ઉપયોગ-તુલસીના બે-ત્રણ પાન અથવા એક ચમચી તુલસીનો રસ ખાલી પેટે લેવાથી બ્લડ શુગલનું સ્તર ઘટે છે.
 
બિલબેરી છોડના પાન (એક પ્રકારની ઔષધી)
 
આયુર્વેદમાં સદીઓથી બિલબેરીના પાનનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. આ પાન ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે. એક જર્નલ ઓફ ન્યૂટ્રિશિયનમાં જણાવ્યા પ્રમાણે બિલબેરીના પાનમાં એન્થોસિયાનીદીન ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. જે ગ્લૂકોઝ પરિવહન અને ફેટના ચયાપચયમાં સામેલ પ્રોટીનની કાર્યક્ષમતાને વધારે છે. આ શ્રેષ્ઠ ગુણને કારણે બિલબેરીના પાન લોહીમાં શુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે.
 
ઉપયોગ-બિલબેરીના પાન વાટીને દરરોજ ખાલી પેટ 100 મિલિગ્રામની માત્રામાં સેવન કરવાથી લાભ થશે.
 
ગ્રીન ટી
 
ગ્રીન ટીમાં પોલિફિનોલ ઘટક હોય છે. જે એન્ટીઓક્સીડેન્ટ અને હાઈપોગ્લાસ્મિકનું સંયોજક હોય છે. જે બ્લડ શુગરના સ્ત્રાવને નિયંત્રિત કરે છે અને શરીરમાં ઈન્સ્યૂલિનનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે.
 
ઉપયોગ- ગરમ પાણીમાં ગ્રીન ટીની એક બેગ 2-3 મિનિટ ડુબાડી રાખો. આમ આ ગ્રીન ટીનું સેવન સવારે એક કપ અથવા ભોજન પહેલાં કરો.