ઓઈલી ત્વચા હોય તો આટલું ધ્યાન રાખજો, ચહેરા પર લગાવો આ વસ્તુઓ

23 Dec, 2015

 આજકાલ છોકરા-છોકરીઓ બન્નેને સતાવતી ઓઈલી સ્કિનની સમસ્યા બહુ ચિંતાજનક લાગે છે. ચહેરો આપણા વ્યક્તિત્વનો અરીસો હોય છે અને આ અરીસાની માવજત કરવી જોઈએ પરંતુ ઓઈલી સ્કિન હોય ત્યારે ચહેરા પણ કોઈપણ પ્રકારના મેકઅપ, ક્રિમ કે કોઈ જ અખતરા થતાં નથી અને ખીલ, ફોડલીઓ જેવી સમસ્યાઓ ઉદભવે છે એ જુદી. તૈલીય ત્વચાની સંભાળ રાખવી બહુ જ જરૂરી હોય છે કારણ કે તેનો કોઇ કાયમી ઇલાજ નથી.

 
આજકાલ માર્કેટમાં ઓઇલ સ્કિન માટે અનેક પ્રકારની ક્રીમ મળે છે પણ તે બધી જોઇએ એવો ઇલાજ કરતી નથી અને મોંઘી પણ ખૂબ હોય છે. ઓઈલી સ્કિનની ખાસિયત એ છે તેના પર કરચલીઓ જલ્દી નથી પડતી અને ચહેરાની ચમક હંમેશા જળવાઈ રહે છે. પણ ઓઈલી ત્વચાની જો યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો ખુલ્લા છિદ્રો, ખીલની સમસ્યા શરૂ 
થતાં વાર નથી લાગતી. આ કારણે જ અમે તમારા માટે લાવ્યા છે કેટલીક ખાસ ટિપ્સ અને ઉપાય જેનાથી ઓઈલી સ્કિનની ચિંતા છોડી દેશો.
 
ચહેરા પરના ઓઇલને આ રીતે કન્ટ્રોલ કરો -
 
- દિવસમાં બે-ત્રણવાર તમારા ચહેરાને સામાન્ય સાબુ કે ફેશવોશથી અચૂક ધુઓ. ચહેરો સાફ કરવા કોઈ હર્બલ સ્ક્રબનો ઉપયોગ કરો.
 
-ચહેરાની સફાઈ કરાવા માટે એસ્ટ્રિન્જેન્ટ લોશનનો ઉપયોગ કરો. રૂને તેમાં ડૂબાડો અને તમારા આખા ચહેરા પર લગાવો.
 
-ચહેરા પર ઓઇલલેસ મોઇશ્ચરાઇઝર લગાવો. નહીં તો ચહેરો બહુ શુષ્ક લાગશે.
 
-કાકડીના રસમાં થોડા ટીપાં લીંબુ મિક્સ કરી ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.
 
-ચહેરા પર ઈંડાનો સફેદ ભાગ પણ લગાવી શકો છો. લગાવ્યા પછી જ્યારે તે સૂકાઇ જાય એટલે ચણાના લોટથી સાફ કરી દો.
 
-ચહેરા પરથી વધારાનું તેલ કાઢવા માટે ગુલાબજળ અને ફુદીનાનો રસ એકદમ પરફેક્ટ છે.
 
-એ જ ક્રીમ કે લોશન લગાવો જે માત્ર ઓઇલી ત્વચા માટે બન્યું હોય.
 
-સફરજન અને લીંબુનો રસ સરખી માત્રામાં મિક્સ કરી પેસ્ટ બનાવી અને તેને 10થી 15 મિનિટ માટે ચહેરા પર લગાવેલું રાખો. તમારી ત્વચા નિખરી ઉઠશે
 
-લીલી પાંદડાવાળી ભાજી અને ભરપૂર માત્રામાં તાજા ફળો ખાવ. વિટામિન બી-2ની ઉણપ ઓઈલી સ્કિન માટે જવાબદાર છે તેથી આખા અનાજ, અંકુરિત અનાજ, શીંગ અને મધ જેવા પદાર્થ લો જેમાંથી વિટામિન બી-2 સરળતાથી મળી રહેશે.
 
-ચિકણી અને ઓઈલી વસ્તુઓથી દૂર જ રહો. ઠંડા પીણા અને ખાંડ, ચોકલેટ વગેરેથી દૂર રહો.
 
ઓઈલી સ્કિન માટે કેટલાક ઘરેલું પેક-
 
-સામગ્રી- તાજું ઓરેન્જ જ્યૂસ, કાજૂ
 
વિધિ- કાજૂના ટુકડા કરી તેને પીસી લેવા. આ પીસેલા કાજૂમાં ઓરેન્જ જ્યૂસ મેળવીને તેની પેસ્ટ બનાવવી.
 
ઉપયોગ - આ કાજૂ અને ઓરેન્જ જ્યૂસની પેસ્ટના પેકને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.
 
ફાયદો - આ પેક ત્વચામાં રહેલાં ઓઈલને દૂર કરે છે અને રોમછિદ્રો ખોલે છે. તેમજ ત્વચામાં તાજગી પણ લાવે છે.
 
-સામગ્રી - ઈંડા, મધ અને બદામ
 
વિધિ - બદામને પીસી લેવી. ઈંડાના પીળા ભાગને દૂર કરી બાકી રહેલી વસ્તુમાં બદામનો પાઉડર અને મધ મેળવીને પેસ્ટ બનાવવી.
 
ઉપયોગ - આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવો. 10 મિનિટ સુધી આ પેકને ચહેરા પર લગાવી રાખો. અને ત્યારબાદ પાણીથી ધોઈ લો.
 
ફાયદો - આ પેકથી ત્વચામાં રહેલું ઓઈલ ધીરે-ધીરે ગાયબ થવા લાગે છે. અને ચહેરા પર ગ્લો આવે છે.
 
 
-સામગ્રી -  કાકડી, નારિયેળ પાણી અને કેળા
 
વિધિ - કાકડીને એકદમ પાતળા-પાતળા નાના-નાના ટુકડામાં કાપી લો. કેળાની છાલ કાઢી તેને મસળી નાખવું. હવે આ ખીરાના ટુકડા અને મસળેલા કેળાને મિક્સ કરી દેવા. પછી તેમાં નારિયેળ પાણી નાખી પેસ્ટ બનાવવી.
 
ઉપયોગ - આ પેસ્ટને ચહેરા પર અને આંખોની નજીક લગાવો. 15 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.
 
ફાયદો - આ પેકથી તૈલીય ત્વચાવાળાની ખીલની સમસ્યામાં ફાયદાકારી રહે છે.
 
-સામગ્રી - માખણ, બેસન, હળદર અને બદામ
 
વિધિ – આખી રાત બદામને પાણીમાં પલાળી રાખો. સવારે પાણી નીતારી બદામને પીસી લો. આ પીસેલી બદામમાં બેસન, હળદર અને માખણ નાખી બરાબર મેળવી પેસ્ટ બનાવવી.
 
ઉપયોગ - આ પેકને તમે ચહેરા પર અને આખા શરીરમાં પણ લગાવી શકો છો.
 
ફાયદો - આ પેકથી ચહેરા પર ગ્લો આવે છે.