ફોટોગ્રાફીના શોખના લીધે છોડી દીધી નોકરી, ફરવાનો મેળવે છે પગાર

21 Dec, 2015

 દુનિયામાં ગણતરીના લોકો જ શોખને પૂરો કરવામાં સફળ થતાં હોય છે. મોટાભાગના લોકો તો જવાબદારીઓને પૂરી કરવા માટે શોખને નેવે મૂકી દેતાં હોય છે. પરંતુ નેધરલેન્ડના એમ્સટર્ડમમાં આઈટી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા એક ભાઈ ઇન્સ્ટાગ્રામ પર એટલા ફેમસ થઈ ગયા કે એમણે પોતાની મોટા પગારની નોકરી છોડી દીધી.

 
એલકો રૂઝ નામના આ ભાઈ છેલ્લાં 10 વર્ષથી જાણીતી કંપની આઈબીએમમાં જોબ કરતા હતા. પરંતુ થોડાં વખત પહેલાં એમણે પોતાના ફોટોગ્રાફીના શોખમાં વધારે રસ લેવાની શરૂઆત કરી અને ક્લિક કરેલા ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા લાગ્યા. જોતજોતામાં તો એમના લાખો ફોલોવર્સ બની ગયા. એનાથી પ્રેરાઈને એલકોએ નોકરી છોડીને ફુલટાઈમ ટ્રાવેલ ફોટોગ્રાફી કરવાનો નિર્ણય કર્યો.
 
આજે એલોમ ઇન્સ્ટાગ્રામ સૌથી વધારે ફોલોવર્સ  ધરાવનારા ગણતરીના ફોટોગ્રાફરમાં શામેલ થઈ ગયા છે. અત્યારે એમના 4 લાખ 33 હજાર ફોલોવર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની આ સફળતા જોઈને ઘણી મોટી કંપનીઓએ તેમને પોતાના પ્રોજેક્ટમાં જોડાવા માટે ઓફર કરી છે.
 
આ વિશે સેલિબ્રટી બનનારા રૂઝ કહે છે કે મારું સપનું સાકાર થઈ ગયું. મેં ક્યારેય આઈટી કંપનીમાં કામ કરવાનુ સપનું નહોતું જોયું. મારા પર તો ફોટોગ્રાફીનું જનુન સવાર હતું.