'સંકટ મોચન મહાબલી હનુમાન'નો 'ઈન્દ્ર' હવે દેખાશે આ ગુજરાત ફિલ્મ

25 Jul, 2016

હિન્દી ટેલિવિઝનની આઠથી વધુ સિરિયલોમાં કામ કર્યા બાદ મૂળ અમદાવાદી માનસ શાહ ગુજરાતી ફિલ્મ  'કમિટમેન્ટ'માં જોવા મળશે.  સોની પર આવતી સિરિયલ  'સંકટ મોચન મહાબલી હનુમાન'માં માનસ શાહ ઇન્દ્રના રોલમાં જોવા મળે છે.  માનસે 2008માં સ્ટાર પ્લસની સિરિયલ 'હમારી દેવરાની'થી શરૂઆત કરી હતી આ પછી માનસે  'ગુલાલ', 'સ્માઈલ પ્લીઝ, સ્માઈલ પ્લીઝ', 'અમીતા કા અમીત',  'દફા 420', 'ઉમ્મીદ નયી સુબહ કી', 'સકટ મોચન મહાબલી હનુમાન', 'યમ હૈ હમ' જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આ સિવાય માનસે ગુજરાતી સિરિયલ '1760-સાસુમા'માં પણ કામ કર્યું છે.
 
'દર્શકો નિરાશ નહીં થાય એ મારું કમિટમેન્ટ છે'
 
પોતાની ફિલ્મ વિશે વાત કરતા માનસ શાહે કહ્યું હતું કે, 'કમિટમેન્ટ' ફિલ્મ જોઈને દર્શકો નિરાશ નહીં થાય એ મારું કમિટમેન્ટ છે. સાચી અને સમાજમાં જાગૃતતા ફેલવનારી આ ફિલ્મની સ્ટોરી છે, જે દર્શકોને ગમશે જ.'
 
ઉલ્લેખનિય છે કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ઉભરતા નવા યુગ સાથે હવે નવા જ વિષય સાથેની ગુજરાતી ફિલ્મ આવી રહી છે. મેડિકલ રીપ્રેઝન્ટેટીવ જેને આપડે એમ.આર તરીકે ઓળખીએ છીએ તેને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવાઈ છે. હિરોઇનના પાત્રમાં ગુજરાતી અભિનેત્રી મૌલિકા પટેલ છે. તે ઉપરાંત ફિલ્મમાં હસમુખ ભાવસાર, જીતેન્દ્ર ઠક્કર અને ભરત ઠક્કર જેવા કલાકારો પણ જોવા મળશે.
'મુંબઈમાં સેટ થઈ  ગયો છું, પણ ગુજરાત મારું હોમ ગ્રાઉન્ડ છે'
 
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ વિશે વાત કરતા માનસે કહ્યું હતું કે, 'છેલ્લા 8 વર્ષથી મુંબઈમાં કામ કરતાં કરતાં હું ત્યાનો થઈને સેટ થઈ ગયું છું પરંતુ ગુજરાત મારું હોમ ગ્રાઉન્ડ છે. પોતાની ભાષા અને પોતાના શહેરમાં કામ કરવાની મજા જ કઈ અગલ હોય છે.
 
ગુજરાતી ફિલ્મનો નવો યુગ
 
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ વિશે વાત કરતા માનસે કહ્યું હતું કે, 'ગુજરાતી ફિલ્મનો નવો યુગ આવ્યો છે ત્યારે વધારે સારું લાગે છે. ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય પણ બહું સારું છે. નવા નવા વિષયો સાથે નવી-નવી ફિલ્મો આવી રહી છે. જેમ ફિલ્મો ચાલશે તેમ કોર્પોરેટ ઈન્ડસ્ટ્રીઝ રોકાણ માટે આવશે તે ગુજરાત ફિલ્મો વધુ નીખરી જશે. આજે પણ ગુજરાતમાં સારા મેકર્સ છે જેમાં કોઈને 'કભી ખુશી કભી ગમ' તો કોઈને 'સુલતાન' જેવી ફિલ્મો બનાવી છે પરંતુ બજેટના કારણે તે શક્ય થઈ શકતું નથી.

અમદાવાદના મનોજ પટેલે તૈયાર કરી છે સ્ક્રીપ્ટ
 
સિદ્ધિવિનાયક ફિલ્મ ક્રિએશન હાઉસ દ્વારા રજૂ થનાર કમિટમેન્ટ ફિલ્મમાં એક નવી જ ક્રાંતીની વાત જોવા મળશે. ફિલ્મની વાર્તા અમદાવાદના મનોજ પટેલે લખી છે, તેઓ પોતે ફિલ્મના ક્રિએટીવ ડિરેક્ટર પણ છે અને પોતે જ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. મનોજ ભાઇ છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મના વિષય પર રીસર્ચ કરી રહ્યાં હતા અને અંતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો વળાંક આવતા તેમણે આ વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો.

પોતાની ફિલ્મ વિશે વાત કરતા મનોજભાઈએ કહ્યું હતું કે, 'હું છેલ્લા કેટલાય સમયથી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર રીચર્ચ કરતો હતો. મેડિકલ રીપ્રેઝન્ટેટીવ જેને આપડે એમ.આર તરીકે ઓળખીએ છીએ, તેના વિષયને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમા ડૉક્ટર અને એમ.આર.ના જે વ્યાવસાયિક  સંબંધો હોય છે, તે અંગેની સચોટતા ફિલ્મની વાર્તામાં વણી લેવામાં આવી છે. આ ઉપરાંત મેડિસીન સાથે જોડાયેલા આ બે વ્યક્તિઓ અને તે દરેકની સાથે જોડાતો સમાજ અને સમાજના લોકોને કેટકેટલીય જગ્યાએ છેતરપીંડીનો ભોગ બનવું પડે છે, તે આ દર્શાવવામાં આવશે.'

મનોજ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં તો ફિલ્મનું શૂટીંગ પૂરું થઇ ગયું છે અને અમે ખાસ કરીને અમદાવાદના જૂદા જૂદા સ્થળો અને ભાવનગર શહેરને શૂટીંગ માટે ખાસ પસંદ કર્યું હતું. હાલમાં ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં છે અને થોડા સમયમાં જ તેની રિલિઝની જાહેરાત પણ કરીશું.'