1 મહિનામાં તમારું વજન ઓછું થતું દેખાશે, અપનાવો 8 સામાન્ય પણ બેસ્ટ ટિપ્સ

10 Oct, 2015

 વજન ઓછું કરવા માટે તમે ભલે ગમે એટલી આકરી કસરત કરી લો, પરંતુ તમારું વજન ત્યાં સુધી ઓછું થશે નહી જ્યાં સુધી તમે યોગ્ય આહાર પ્રત્યે સજાગ નહીં થાઓ. વજન ઓછું કરવા માટે યોગ્ય ખાનપાન અને નિયમિત દિનચર્યાનું હોવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં દિવસભર ભૂખ્યાં રહે છે, પરંતુ તેનાથી ઉલટી અસર પડે છે. આજે અમે તમને જણાવીશું કે વજન ઓછું કરવા માટે સૌથી બેસ્ટ પણ સાવ સામાન્ય ડાયટ ટિપ્સ શું હોવી જોઇએ.

 
તમે આ ડાયટ ટિપ્સને નિયમિત ફોલો કરો અને તમે પોતે જોશો કે તમારું વજન કેવી રીતે ધીરે-ધીરે ઓછું થવા લાગે છે. જો કે આ સાથે તમારે વ્યાયામ કરવાનું પણ ચૂકવાનું નહીં. વધુ નહીં પણ થોડો વ્યાયામ કરશો તો પણ ચાલશે. આવો જાણીએ વજન ઓછી કરવાની 8 રીત વિશે.
 
નાસ્તામાં પ્રોટીન ખાવ
 
વેઈટ લોસ માટે પ્રોટીનનું સેવન અત્યંત જરૂરી હોય છે. તેનાથી ફેટ બર્ન થાય છે અને પાચનક્રિયામાં સુધાર આવે છે. જેથી સવારે નાસ્તામાં તમે ઇંડા, દહીં, ડ્રાય ફ્રૂટ્સ, ચીઝ, બીન્સ, ટોફૂ, ઇંડા, કે સાબૂત અનાજ (જવ, ઓટ્સ, બ્રાઉન રાઈસ, ફાળા, પોપકોર્ન) જેવા પ્રોટીન યુક્ત આહાર ખાઇ શકો છો.
 
વચ્ચે-વચ્ચે જમો
 
આખા દિવસ દરમિયાન થોડું-થોડું ખાવાની ટેવ પાડો. એકસાથે પેટ ભરીને ન ખાવું. દિવસમાં 3ની જગ્યાએ 6 વાર ખાવાનું રાખો. જેથી તમારું પાચનતંત્ર સુધરશે અને ખોરાક પણ સરળતાથી પચી શકશે. કસરતની સાથે પણ વચ્ચે-વચ્ચે કંઇને કંઇ ખાતા રહેવું જોઈએ. દર બે કલાકમાં ખાવ પરંતુ વધુ ન ખાવ. જેમાં બાફેલા શાકભાજી અને તાજા ફળ વગેરે ખાવા જોઇએ
 
કાર્બોહાઇડ્રેટથી અંતર જાળવો
 
કાર્બોહાઇડ્રેટના સેવનથી શરીરમાં ચરબી ભેગી થતી જાય છે. એટલા માટે ખાંડ, બટાકા, કેક અને કુકીઝ, બેકરી આઈટમ્સ અને ચોખાથી દૂર રહો.
 
હેવી ડિનર ન કરો
 
પહેલાં તો રોજ સાંજે 7 વાગ્યા સુધી ડિનર કરી જ લેવું જોઈએ અને ક્યારેય હેવી ડિનર ન કરવું. આ દરમિયાન કાર્બોહાઇડ્રેટનું સેવન પણ ન કરવું જોઇએ. ડિનર માટે બાફેલી શાકભાજીઓ, ખીચડી અને હળવો ખોરાક લેવો એ બેસ્ટ ભોજન છે.
 
મીઠું
 
વધુ પડતાં મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે જ સાથે તેના કારણે શરીરમાં વધારાનો મેદ પણ ભેગો થાય છે. તમે જેટલું વધારે મીઠાનું સેવન કરશો, ઓબેસિટી વધવાની શક્યતા એટલી જ વધી જશે. આ સિવાય વધુ મીઠું ખાવાથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના રહે છે. વધુ મીઠું મેટાબોલિઝ્મ પર અસર કરે છે, જેના કારણે ફેટ એબ્સોર્બ કરવાની ક્ષમતા ખોરવાય છે. જેથી મીઠાનું સેવન ઓછું કરો અથવા તેને બિલકુલ ત્યજી દો. તમે સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરી શકો છો.
 
ફાઇબરવાળા આહાર
 
જાડીયાપણું ઘટાડવા માટે ફાઇબર એટલે કે રેશાવાળા ખોરાક ખાવ. તેને તમારા રોજિંદી ડાઇટમાં સામેલ કરો. લંચના સમયમાં જરૂર ફાઇબર યુક્ત ભોજન કરો. કોર્ન, ફ્લાવર, બ્રોકોલી, કોબીજ, બેરીઝ, સેલરી (કોથમીર જેવો એક છોડ), બીન્સ (રાજમા), મશરૂમ, સંતરા વગેરેમાં ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે. 
 
નાસ્તો
 
જો તમારે વજન ઓછું કરવું છે દિવસની શરૂઆત ભૂખ્યા પેટે ન કરવી, સવારે નાસ્તો પેટ ભરીને કરવાનું રાખો, કારણ કે જો નાસ્તો નહીં કરો તો તમારા શરીરનું મેટાબોલિઝ્મ રેટ ઓછો થઇ જશે, તેનાથી વજન ઓછું થઇ શકશે નહી. તો વજન ઓછું કરવું હોય તો સૌથી પહેલાં સવારે એકદમ હેલ્ધી નાસ્તો લેવાનું રાખો.
 
પાણી
 
પાણી આપણા શરીરમાં રહેલો કચરો બહાર કાઢે છે. તમે જેટલું વધારે પાણી પીશો તમારા શરીરની દરેક કોશિકાઓ એટલી જ હાઇડ્રેટ રહેશે. એટલા માટે દિવસમાં 8થી 10 પાણી જરૂર પીવો. પાણી આપણા શરીરને સુડોળ બનાવે છે અને વજન પણ કંટ્રોલમાં રાખે છે. ડાયટમાં પાણીનું યોગ્ય ધ્યાન રાખો. આ સિવાય હમેશાં બેસીને જ પાણી પીવું. ધીરે-ધીરે પાણી પીવું અને એકસાથે પાણી ગટગટાવી ન જવું.