ડિલીવરી પછી પણ સંભાળ છે જરૂરી

18 Feb, 2015

કોઈ પણ પ્રસૂતા માટે ડિલિવરી કઈ ટાઇપની થઈ છે તેના ઉપર Purperium નિર્ભર છે. જો ડિલિવરી બીજી-ત્રીજી હોય અને કુદરતી થઈ હોય તો પ્રસૂતાને સ્ત્રીને ઊઠવા બેસવાથી માંડી બાકીની બધી જ કાર્યશૈલીમાં કોઈ જ ફરક પડતો નથી. આવી માતાઓ ડિલિવરીને લીધે થયેલા કાર્યભારણને લીધે પેદા થયેલા થાકની અસરમાંથી એક-બે દિવસમાં જ બહાર આવી જાય છે અને વધારે સારસંભાળની જરૂર પડતી નથી

સામાન્ય રીતે ડિલિવરી પછીનાં ૬ અઠવાડિયાંનો ગાળો કે પ્રસૂતિ પશ્ચાતનો ગાળો Purperium તરીકે ઓળખાય છે. આ સમયગાળો એટલે એવો સમય જેમાં ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીના શરીરમાં થયેલા બાહ્ય અને અંતઃ ફેરફારોને ફરીથી પુનઃવસનનો સમયગાળો. આ Purperium ફક્ત માતાની જ નહીં, પરંતુ નવજાત શિશુની પણ કાળજી માગી લે છે અને આથી જ આપણે આ તબક્કાને લગતી જુદી જુદી તકલીફો અને સંભાળનું વિશ્લેષણ કરીશું.

ડિલિવરીનો પ્રકાર

કોઈ પણ પ્રસૂતા સ્ત્રી માટે ડિલિવરી કઈ ટાઇપની થઈ છે તેના ઉપર Purperium નિર્ભર છે. જો ડિલિવરી બીજી-ત્રીજી હોય અને કુદરતી થઈ હોય તો પ્રસૂતા સ્ત્રીને ઊઠવા બેસવાથી માંડી બાકીની બધી જ કાર્યશૈલીમાં કોઈ જ ફરક પડતો નથી. આવી માતાઓ ડિલિવરીને લીધે થયેલા કાર્યભારણને લીધે પેદા થયેલા થાકની અસરમાંથી એક-બે દિવસમાં જ બહાર આવી જાય છે અને વધારે સારસંભાળની જરૂર પડતી નથી, પરંતુ પ્રસૂતિ જો પ્રથમ વારની હોય અને Episiotomy નામે ઓળખાતી નાની શસ્ત્રક્રિયા થઈ હોય અને ટાંકા આવ્યા હોય તો આવા કિસ્સામાં દર્દીને બેસવા ઊઠવામાં વધારે તકલીફ થાય છે. તેમાં પણ ઝાડા-પેશાબ વખતે દુખાવો અને બળતરા વધે છે. જો ટાંકા સરસ રીતે લેવાયા હોય તો એક-બે દિવસમાં રાહત થવા લાગે છે. આવે વખતે એન્ટિબાયોટિક દવા, દર્દશામક ગોળીઓ, ટાંકા ઉપર લગાવાનો મલમ અને સીડ્ઝ બાથ (દવાવાળા નવશેકા પાણીમાં બેસવું) આવું બધું કરવાથી રાહત રહે છે. દર્દીએ શક્ય હોય ત્યાં સુધી પલાંઠીવાળીને બેસવું જોઈએ નહીં. અઠવાડિયામાં તો ટાંકા સંપૂર્ણ રુઝાઈ જાય છે.

આ ઉપરાંત દર્દીને જો વેક્યૂમ ડિલિવરી કે ફોર્સેપ(ચીપિયાથી) ડિલિવરી કરાવવામાં આવી હોય તો Episiotomy સિવાય પણ યોનિમાર્ગનું મુખદ્વાર અને અંદરની દીવાલો વધારે આડી થાય છે અને દુખાવો પેદા કરે છે. કેટલીક વાર ડિલિવરી દરમિયાન થતી ઈજા ગુદાદ્વાર સુધી વિસ્તરે છે અને આવી તકલીફના લીધે દર્દી મળઉત્સર્ગની પ્રક્રિયા ઉપર કાબૂ ગુમાવી બેસે છે. કેટલાંક સમય પછી Complete Perineal Tear(CTP) તરીકે ઓળખાતી આ ઈજા માટે ફરીથી ઓપરેશન કરવું પડે છે. જો દર્દીની ડિલિવરી સિઝેરિયન ઓપરેશનથી કરવી પડી હોય તો પેટ પર આવેલા ટાંકા, શીશીની અસરના લીધે હેરાનગતિ થોડી વધે છે, પરંતુ આજના જમાનામાં સારી પદ્ધતિ, કુશળ સર્જ્યન, ટાંકા માટેના સારા દોરા, ઉચ્ચતમ એન્ટિબાયોટિક અને પ્રસૂતિ પૂર્વેની સારસંભાળના લીધે દર્દીની સાજા થવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે અને કેટલીક વાર તો લાંબા પ્રયત્ન પછી થયેલી કુદરતી સુવાવડ અને ત્યારબાદ હેરાનગતિની સરખામણીએ સિઝેરિયન ઓપરેશન દર્દી માટે સુખદ અનુભવ બની રહે છે.