આવતીકાલે રિલીઝ થાય છે ફિલ્મ એક્શન-જેક્શન, આજે જ જાણી લો તેનો પ્રીવ્યુ એક ક્લિકે

04 Dec, 2014

કોરિયો ગ્રાફર પ્રભુ દેવાની વધુ એક ફિલ્મ એક્શન-જેક્શન શુક્રવારે રિલીઝ થઈ રહી છે. સામાન્ય રીતે ફિલ્મોના પ્રિવ્યુ ફિલ્મ રિલીઝના આગલા દિવસે આવતો હયો છે પરંતુ ફિલ્મ એક્શન-જેક્શનની સ્ટોરી થોડી વહેલા જ લીક થઈ ગઈ છે. આ પહેલા પણ પ્રભુ દેવાની 'ર.. રાજકુમાર', 'રાઉડી રાઠોડ' જેવી ફિલ્મો પણ આપી ચૂક્યો છે. એક્શન-જેક્શન પણ એજ પ્રમાણેની મ્યુઝિક અને એક્શનથી ભરપુર ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરીમાં પ્રભુ દેવાની જ ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ની છાંટ જોવા મળે છે. વિશુ (અજય દેવગન) અને મૂસા (કુણાલ રૉય કપૂર) બંને ફ્રેન્ડ છે. નાનું મોટું, ખોટું કામ કરીને જિંદગી પસાર કરે છે. વિશુની ઇચ્છા છે કે એક દિવસ તે ડાન્સર બને. એક દિવસ વિશુને ખુશી (સોનાક્ષી સિન્હા) મળે છે. ખુશી અનલકી છોકરી હોય છે. તે કંઈ પણ કામ હાથમાં લે તો તેનું કામ બગડે જ છે, પણ વિશુને મળ્ટ્યા પછી તેનું લક ખૂલી જાય છે. પહેલી, બીજી અને ત્રીજી વખતની મુલાકાત પછી તો ખુશીને પણ આ વાત સમજાઈ જાય છે અને બંને એકબીજાની નજીક આવે છે.

દરમ્યાન એક ઘટના એવી બને છે કે જેમાં વિશુ પર હુમલો થાય છે. વિશુને એ વાતથી બહુ નવાઈ લાગે છે આવું કેમ બન્યું. વિશુ કંઈ સમજે એ પહેલાં તો તેના પર હુમલાની ભરમાર વધી જાય છે. આ હુમલો કરાવવાનું કામ બીજું કોઈ નહીં પણ ઇન્ટરનેશનલ ડોન ઝેવિયર (આંનદ રાજ) કરાવી રહ્યો છે. પોતે કયા કારણે ઝેવિયરને ખૂંચે છે એ જાણવાની કોશિશ કરતાં વિશુ સામે એક એવું મોટું રહસ્ય ખૂલે છે અને તે હેબતાઈ જાય છે. પરિણામે જેક્સન બનવા માગતા વિશુએ એક્શન પર ઊતરવું પડે છે.

ફિલ્મની વાર્તા લીક ન થાય એ માટે ભરપૂર કોશિશ કરવામાં આવી છે, પણ કહેવાતું રહ્યું છે કે ‘એક્શન જેક્સન’ એ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ ‘દૂકડુ’ની અનઓફિશ્યલ રીમેક છે. ફિલ્મમાં બહુ લાંબા સમય પછી એક્શનમાં તલવારબાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માટે અજય દેવગને એકવીસ દિવસનો ચીની સમુરાઈ એક્સપર્ટ પાસે તલવારબાજીનો ર્કોસ પણ કર્યો હતો.

મ્યુઝિકના બીટ્સ પર અજય દેવગનના એક્શન

અજય દેવગનની ફિલ્મ ‘એક્શન જેક્સન’માં ડિરેક્ટર પ્રભુ દેવાએ એક નવતર પ્રયોગ કર્યો છે. આ ફિલ્મમાં જ્યારે અજય દેવગન સ્વૉર્ડ ફાઇટિંગ સીન કરતો હશે કે સોફસ્ટિકેટેડ માર્શલ આર્ટ્સના સીન કરતો હશે ત્યારે એ સમયે ખાસ પ્રકારનું મ્યુઝિક વાગતું હશે. આવા તમામ સીન માટે ખાસ મ્યુઝિક કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. બોલીવુડની કોઈ પણ ફિલ્મમાં ખાસ ફાઇટ-સીન માટે મ્યુઝિક તૈયાર કરવામાં આવ્યું હોય એવો આ પહેલો પ્રયોગ છે. આ મ્યુઝિક હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે. આ મ્યુઝિક પ્રભુ દેવા અને અજય દેવગનને પણ એટલું જ ગમ્યું છે. એ વિશે બોલતાં પ્રભુ દેવાએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ફિલ્મોમાં એક્શન-સીન માટેનું મ્યુઝિક ફિલ્મનું શૂટિંગ થટ્યા બાદ તૈયાર થાય છે પણ અમારા એનાથી ઊલટું કર્યું હતું. અજય દેવગન મ્યુઝિકના બીટ્સ પર ફાઇટ સીન કરે છે એથી આ સીનમાં પણ એક પ્રકારની નવીનતા જોવા મળશે.’