અ'વાદ: આજથી 9 કલાક રન-વે બંધ રહેશે, 35 ફ્લાઇટ ઓપરેટ નહીં થાય

01 Mar, 2018

હવાઇ મુસાફરી કરતાં અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે. આજે 1 માર્ચથી અમદાવાદ એરપોર્ટ પર રન-વે રિસર્ફેસની કામગીરી શરૂ થઇ છે. જેના ભાગરૂપે આજથી સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી ફ્લાઇટ મુવમેન્ટ બંધ કરવામાં આવશે. એટલે કે, આ સમયગાળા દરમિયાન કોઇપણ ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઇ શકશે નહીં. જેના કારણે ઇમરન્સી અને ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. રન-વે રિસર્ફેસની કામગીરી આગામી 15મી એપ્રિલ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, 2016માં રન-વે રિસર્ફેસ કર્યા બાદ વરસાદમાં રન-વે ધોવાઇ ગયો હતો.

 
રન-વેના રિસર્ફેસની કામગીરીને લીધે પેસેન્જર્સની સાથે એરપોર્ટ તંત્રને પણ હેરાનગતિનો સામનો કરવો પડશે. કારણ કે, લગભગ 9 કલાક ફ્લાઇટ ઓપરેશનની કામગીરી બંધ રહેવાને લીધે બાકીના સમયગાળા દરમિયાન પેસેન્જર્સનો ઘસારો વધુ પડતો રહેશે. જે માટે એરપોર્ટ એથોરિટી દ્વારા કેટલાક પગલાં પણ લેવાયા છે. ખાસ કરીને પેસેન્જર્સ માટે સિટીંગ એરેન્જમેન્ટ વધારાઇ છે, સેલ્ફ ચેકઇન અને વધુ એક્સ-રે મશીન પણ મુકાયા છે. સિક્યોરિટી હોલ્ડ એરિયા 500 સ્કે.મીટરથી વધારીને 900 સ્કે.મીટર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સવારે 10થી સાંજના 7 સુધીના સમયગાળા દરમિયાન લગભગ 35 ફ્લાઇટ ઓપરેટ થાય છે.