ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો ભાઇ : ૯ વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજારી કરી હત્યા

14 Feb, 2018

 ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો જામનગર ખાતે બનવા પામ્યો છે. જેમાં નરાધમ ભાઇએ ૯ વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી.

જામનગરના જનતા ફાટક નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની નવ વર્ષની માસૂમ બાળકીને બેભાન અવસ્થામાં લઇ સાવકો ભાઇ હોસ્પિટલે પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની શરીરના આંતર અને બાહ્ય ભાગ પર સંખ્યાબંધ ઇજાના નિશાન મળી આવતા થયેલા પેનલ પોસ્ટમોર્ટમમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ગળાટૂંપો દઇ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

છોટીકાશી જામનગર સહિત હાલારભરમાં ભારે અરેરાટી જગાવનારા અતિ ઘૃણાસ્પદ બનાવની મળતી વિગત અનુસાર જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.4માં રહેતા ચેતનભાઈ મુકુંદભાઈ કલ્યાણીની માસૂમ પુત્રી ઈશુ (ઉ.વ.9)ને બેભાન અવસ્થામાં તેનો સાવકો સગીર ભાઈ અને સંબંધી ભરતભાઈ મથ્થર બંને જી.જી.હોસ્પિટલ લઈ ગયા હતા. જેના પગલે હોસ્પિટલ ચોકીના નારણભાઈ લૈયા અને મગનભાઈ ચનિયારા દોડી આવ્યા હતાં.

આ દરમિયાન બાળકીને તપાસીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જેના પગલે પોલીસે મૃતક બાળકીના શરીરની ચકાસણી કરતાં તેણીના હાથ-પગ ઉપરાંત કપાળ, આંખ, દાઢી વગેરે ભાગે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે સાથે આવેલા સાવકાભાઈની પૂછપરછ કરતા ભોગ બનનાર માસૂમ બાળકી ગત તા.16 જાન્યુઆરીના રોજ ઘરે પડી જવાથી ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં પ્લાસ્ટર પણ લગાડવામાં આવ્યાનું ઉમેર્યું હતું.

સોમવારે રાતે ભાઈ-બહેન સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા. મંગળવારે સવારે ઈશુ જે પલંગ પર સૂતી હતી તેના પરથી નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળતા સાવકા ભાઈએ સંબંધી ભરતભાઈને બેન બેશુદ્ધ હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. આથી ભરતભાઈ તાકીદે કૃષ્ણનગર દોડી આવ્યા હતા અને બાદમાં બંને ઈશુને રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈ આવ્યાની કેફિયત આપી હતી.

આ બનાવના પગલે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત મૃતકના ઘરે પણ પોલીસ કાફલાએ દોડી જઈને તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર બાળકીના શરીરના આંતર અને બાહ્ય ભાગો પર સંખ્યાબંધ ઈજાના નિશાન હોવાથી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ બહાર આવ્યું હતું.

જેના મોડી સાંજે આવેલા રિપોર્ટમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

જામનગરમાં હૈયુ હચમચાવી દેનાર નવ વર્ષની માસુમ ફુલ જેવી બાળકી પર સાવકા સગીર ભાઈએ દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારવાના બનાવની પોલીસ તપાસમાં બાળકી પર અગાઉ પણ સાવકા ભાઈએ અનેક વખત અત્યાચાર ગુજાર્યો હોવાનું ખુલતા સાવકા ભાઈ પ્રત્યે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

ભોગ બનનારના પિતા ચેતનભાઈના પ્રથમ પત્નીનું અવસાન થતાં થોડા વર્ષો પૂર્વે તેમણે પરપ્રાંતીય એવા શહેનાજબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા જે લગ્ન થકી બે પુત્રીનો જન્મ થયો હતો જેમાં ભોગ બનનાર નવ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.