સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો આજે જ બદલી નાખો આ સાત આદતો

11 Jul, 2015

તમારૂં સ્વાસ્થ્ય સારૂં રાખવા માટે તમે ઘણું ધ્યાન રાખતા હશો, પરંતુ શું આપ જાણો છો કે તમારી કેટલીક રોજિંદી આદતને કારણે પણ તમારા સ્વાસ્થ્યને અસર પડી શકે છે? અને તેમાંય તમારી પર્સનલ યૂઝની વસ્તુઓને જો સમયાંતરે ચેન્જ ન કરાય તો તેના તમારે ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. ચાલો આજે જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જેની ચોખ્ખાઈને લઈને તમારે ખાસ સાવચેત રહેવું જોઈએ.

1. ટૂથબ્રશ: ટૂથબ્રશ વાપરવા લાયક રહ્યું છે કે કેમ તે જાણવું ખૂબ જ સરળ છે. જો તેના બ્રિસ્ટલ્સ (રેસા) ડેમેજ થઈ ગયા હોય તો સમજી લેવું કે બ્રશ બદલવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલીક ટૂથબ્રશમાં તો બિલ્ટ-ઈન ઈન્ડિકેટર પણ આવે છે. ડેન્ટિસ્ટ ડૉ. સમીરા અલીનું માનીએ તો,'જો તમે ડેમેજ ટૂથબ્રશ પણ વાપરવાનું ચાલુ રાખશો તો તે યોગ્ય રીતે તમારા દાંતની સફાઈ નહીં કરી શકે. તેના કારણે દાંતમાં બેક્ટેરિયા અને ટાર્ટારનું પ્રમાણ વધશે. તમને આવું બ્રશ વાપરતી વખતે એમ જ લાગશે કે તમે બ્રસ કરી રહ્યા છો, પરંતુ ખરેખર તો તેનાથી કોઈ ફરક જ નથી પડતો હોતો.' એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, તમે વાયરલ ઈન્ફેક્શનમાંથી સાજા થયા હો ત્યારે તુરંત જ તમારે તમારૂં બ્રશ બદલી નાખવું જોઈએ. કારણકે, તેનાથી તમને ફરી બીજું કોઈ ઈન્ફેક્શન લાગવાનો ખતરો વધી જાય છે.

2. ટોવેલ: જો તમે તમારો મોંઘો ટર્કિશ ટોવેલ બદલવા રાજી ન હો તો ફરી વિચારી લેજો. તમારો જૂનો ટોવેલ તમને એલર્જી કે ઈન્ફેક્શનના શિકાર બનાવી શકે છે. ટોવેલ યૂઝ કર્યા બાદ તેને કઈ રીતે વોશ કરાયો છે અને તે યોગ્ય રીતે સૂકાયો છે કે નહીં તે પણ ઘણું મહત્વનું છે. આઈડિયલી તમારો ટોવાલ દર બે દિવસે વોશ થવો જોઈએ અને તે તડકામાં બરાબર સૂકાવો જોઈએ. ડ્રાયરની હીટ તેના ફેબ્રિકને ડેમેજ કરી શકે છે, પરંતુ તેનાથી બેક્ટેરિયા પણ દૂર થાય છે. જો ટોવેલ ચોખ્ખો ન હોય તો એલર્જી થવાના ચાન્સ વધી જાય છે.

3. ઓશિકાનું કવર: આપણા શરીર પર હંમેશા બેક્ટેરિયા મોજૂદ હોય છે. તમે તમારા ઓશિકા સાથે આઠેક કલાક વિતાવો છો, તે દરમિયાન બેક્ટેરિયા ઓશિકાને પણ વળગે છે. તમને ભલે તમારૂં ઓશિકું ચોખ્ખું લાગે, પરંતુ તમારા વાળની ડસ્ટ તેમજ બેક્ટેરિયા તેના પર બાજેલા હોય છે. તેના કારણે તમને એલર્જી, ચકમા થવા તેમજ ખીલ અને ફોલ્લી થઈ શકે છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ઓશિકાનું કવર દર બે દિવસે વોશ થવું જોઈએ અને એક વર્ષમાં તેને ચેન્જ કરી દેવું જોઈએ. તેમાં પણ જો તમે ભેજવાળા વાતાવરણમાં રહેતા હો તો ઓશિકું દર બે વર્ષે ચેન્જ કરવું જોઈએ અને ગાદલું દર પાંચ વર્ષે બદલી નાખવું હિતાવહ છે.

4. મસ્કારા: મસકારાનો અમુક સમય કરતાં વધુ ઉપયોગ અનેક પ્રોબલેમનું કારણ બની શકે છે. તેના કારણે તમારા પોપચા પર નાની-નાની ફોલ્લી થઈ શકે છે, આંખો સૂજી શકે છે અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો પણ રહે છે. તેના કારણે સોજા આવવા, ડાર્ક સર્કલ જેવી સમસ્યા થવાની શક્યતા છે. વળી, તેના બ્રશને વારંવાર ઉઘાડ-બંધ કરવાને કારણે અને લગાવવાને કારણે સ્કીનના બેક્ટેરિયા પ્રોડક્ટમાં ભળે છે અને તેમનું પ્રમાણ સતત વધતું રહે છે. જેના લીધે તમારી ત્વચાને નુક્સાન થવાની સંભાવના વધી જાય છે.

5. લિપસ્ટિક: લિપસ્ટિકને એક વર્ષમાં યૂઝ કરી તેને ફેકી દેવી, નહીંતર તમારે તેનું પરિણામ તમારા નાજુક હોઠો પર ભોગવવું પડશે. જૂની લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમારા હોઠ ડ્રાય થઈ શકે છે, તેના પર પિગ્મેન્ટેશન, ફોલ્લી થવી વગેરે સમસ્યા પણ સર્જાઈ શકે છે. તેમાં પણ ડાર્ક કલર અને ફ્લેવરવાળી લિપસ્ટિકથી આ ખતરાની શક્યતા ઘણી વધી જાય છે. ડોક્ટર્સનું માનીએ તો, નોન-મેન્થોલ, નોન-ફ્લેવર્ડ અને પ્લેન લિપસ્ટિક વાપરવી વધુ હિતાવહ છે.

6. કાંસકો: ગંદો કાંસકો વાપરવાથી તમને ડેન્ડ્રફ તેમજ માથામાં ફોલ્લી થવા જેવી સમસ્યા થઈ સકે છે. કાંસકાને કારણે વાળનું સૌંદર્ય અને સ્વાસ્થ્ય ન બગડે તે માટે તેને સપ્તાહમાં એકવાર ગરમ પાણીથી ધોવો અને વર્ષાંતરે તેને ચેન્જ કરતાં રહેવું ખૂબ જરૂરી છે. મોટા દાંતિયાવાળો કાંસકો વાપરવો વધુ હિતાવહ છે, કારણકે તેને વોશ કરવો સરળ હોય છે. તેમાં પણ જો તમે કોઈ એન્ટી ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ લીધી હોય તો તમારે તાત્કાલિક તમારો કાંસકો બદલી નાખવો જોઈએ.

7. લૂફૅઃ જો તમે નિયમિત રીતે લૂફૅ ચેન્જ ન કરો તો તમારી સ્કીનને તેનાથી ઈન્ફેક્શન લાગવાનો ખતરો વધી જાય છે, ભલે તમને સ્કીનની કોઈ બીમારી હોય કે નહીં. તમારા પરસેવાને કારણે લૂફૅમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો તેના કારણે તમને ચામડીના રોગ થઈ શકે છે. જો તમે લૂફૅથી સ્કિનને વધુ ઘસો તો તમને ફંગલ ઈન્ફેક્શનન થવાનો ખતરો રહે છે. તેમાંય જો તમારા શરીરના કોઈ ભાગે ઈન્ફેક્શન થયું હોય તો લૂફૅથી તે ઈન્ફેક્શન અન્ય જગ્યાએ પણ ફેલાઈ શકે છે. ટૉવેલની માફક લૂફૅને પણ સમયાંતરે ચેન્જ કરવો જરૂરી છે.