શિયાળામાં ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 7 હેલ્ધી સૂપ

13 Nov, 2014

શિયાળો શરૂ થાય એટલે બજાર રંગબેરંગી શાકભાજીથી ભરાય જાય છે. આ રંગબેરંગી શાકભાજી જોવામાં જેટલા સુંદર લાગતા હોય છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. આથી જ તમે એક કે બીજી રીતે આ શાકભાજીને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. શિયાળાની ઠંડીમાં આપણે ગરમા-ગરમ વાનગી ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. અને એમાં પણ જો સ્વાદિષ્ટ સૂપ મળી જાય તો સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ કામ બની જાય. આજે અમે આવા જ હેલ્ધી અને ટેસ્ટી 7 પ્રકારના સૂપની રેસિપી તમારા માટે લઈને આવ્યા છીએ. આજે જ નોંધી લો અને ત્યાર બાદ તમારી અનુકૂળતા ચોક્કસથી ટ્રાય કરો તમારા રસોડે.

વિન્ટર સ્પેશિયલ સૂપ-
 
સામગ્રી-
 
-1/2 કપ બાફેલા વટાણા
-1/2 કપ સમારેલા ગાજર
-1/2 કપ મકાઈના દાણા
-1/2 કપ પાલકની પ્યોરી
-1/4 કપ સમારેલી ડુંગળી
-1 કપ બાફીને મેશ કરેલા બટાટા
-1/2 કપ એપ્પલ પ્યોરી
-1/2 કપ પાઈનેપલ પ્યોરી
-2 ટીસ્પૂન ઓલિવ ઓઈલ
-1/2 ટીસ્પૂન જાયફળ પાવડર
-1/2 ટીસ્પૂન તજ પાવડર
-1/2 ટીસ્પૂન જીરૂં
-2 ટીસ્પૂન લીંબુનો રસ
-4 ટીસ્પૂન ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ એક ડિપ પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એઠલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય એઠલે તેમાં બાકીને બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને પાંચેક મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ આ સ્મૂધ ક્રીમી સૂપને પનીરની છીણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
 
------------
 
ગાજર અને બીટનો સૂપ-
 
સામગ્રી-
 
-300 ગ્રામ ગાજર
-300 ગ્રામ બીટરૂટ
-20 ગ્રામ આદું
-1 નંગ તમાલપત્ર
-5 ગ્રામ લીલા મરચાં
-20 ગ્રામ કોથમીર
-20 મીલી તેલ
-1/4 ટીસ્પૂન જીરૂં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
 
ગાર્નિશીંગ માટે-
-બીટરૂટ
-ગાજર
 
રીત-
 
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, જીરૂં અને આદું ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ગાજર, બીટ અને લીલા મરચાં ઉમેરીને પાંચેક મિનિટ માટે સાંતળો. હવે તેમાં પાણી ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. થોડુંક ઠંડુ થાય એટલે તેને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને પ્યોરી બનાવી લો. હવે આ પ્યોરીને ગાળી લો. પ્યોરીને ફરીથી પેનમાં ઉમેરીને ગરમ કરો. ત્યાર બાદ તેને બીટ અને ગાજરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
 
-----
 
ગાજર ટામેટાનો સૂપ-
 
સામગ્રી-
 
-2 નંગ મોટા ગાજર
-2 નંગ ટામેટા
-1 ટીસ્પૂન જીરૂ
-1 ટેબલસ્પૂન બટર
-મીઠું સ્વાદાનુસાર
-મરી પાવડર સ્વાદાનુસાર
-કોથમીર
-ક્રીમ
 
રીત-
 
સૌપ્રથમ ગાજરને છોલીને તેના કટકા કરી લો. ટામેટાને પણ ધોઈને તેના કટકા કરી લો. હવે બંનેને પાણી ઉમેરીને કૂકરમાં અધકચરા બાફી લો. ત્યાર બાદ કૂકરને ઠંડુ થવા દો. ગાજર અને ટામેટાના ઠંડા થવા દો. હવે આ શાકભાજીને સોસ પેનમાં લઈ લો. તેમાં બે કપ પાણી, જીરૂ પાવડર, મીઠું, મરી પાવડર, કોથમીર અને બટર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે બ્લેન્ડરનો ઉપયોગ કરીને આ મિશ્રણને સ્મૂધ પેસ્ટ બને એ રીતે બ્લેન્ડ કરી લો. હવે ફરીથી થોડીક વાર આ સૂપને ઉકળવા દો. ત્યાર બાદ તે સર્વ કરવા માટે તૈયાર છે. ગરમા-ગરમ સૂપને ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો.
 
------------------------------
 
કેરેટ જીંજર સૂપ-
 
સામગ્રી-
 
-3 નંગ ગાજર
-1 કપ સેલેરી
-1/3 કપ આદું સમારેલું
-2 ટેબલસ્પૂન તેલ
-1 ટીસ્પૂન જીરૂં
-1/2 ટીસ્પૂન અજમો
-1/8 ટીસ્પૂન હીંગ
-1 ટીસ્પૂન મીઠું
-2 ટીસ્પૂન ખાંડ
-2 ટીસ્પૂન લીંબુનો રસ
-1/4 ટીસ્પૂન મરી
 
રીત-
 
સૌપ્રથમ ગાજરને છોલીને તેના નાના કટકા કરી લો. તે રીતે જ સેલેરીને ધોઈને તેના પણ નાના કટકા કરી લો. આદુંની પણ છાલ કાઢીને તેના નાના કટકા કરી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ગાજર, સેલેરી અને આદું ઉમેરીને સાંતળો. લગભગ દસથી પંદર મિનિટ માટે સાંતળો. ગાજર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. અને મિશ્રણનું થોડું ઠંડુ થવા દો. હવે તેને બલેન્ડરમાં બે કપ પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લો. જરૂર પૂરતું પાણી ઉમેરો. એકદમ સ્મૂધ સૂપ બની જાય એટલે તેને ફરી પેનમાં લઈ લો. હવે તેમાં મીઠું અને ખાંડ ઉમેરીને ફરીથી ઉકળવા દો. મધ્યમ તાપે તેને દસેક મિનિટ માટે ઉકળવા દો. ગેસ બંધ કરીને ગરમા-ગરમ સૂપને મરી ભૂકા અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરીને તૈયારીમાં સર્વ કરો.
 
----------------
 
ગ્રીન પીસ સૂપ-
 
સામગ્રી-
 
-2 કપ લીલા વટાણા
-1 ટીસ્પૂન આદુંની પેસ્ટ
-11/2 ટેબલસ્પૂન તેલ
-3 ટેબલસ્પૂન ક્રીમ
-2 કપ પાણી
-મીઠું સ્વાદાનુસાર
 
વગાર માટે-
-1/2 ટેબલસ્પૂન તેલ
-1 ટીસ્પૂન જીરૂં
-1/4 ટીસ્પૂન મેથી
-1/4 ટીસ્પૂન હળદર
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-1/4 ટીસ્પૂન ગરમ મસાલો
-1/8 ટીસ્પૂન કાળા મરી
 
રીત-
 
સૌપ્રથમ વટાણાને થોડાક પાણીનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવી લો. હવે એક ફ્રાઈંગ પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા, આદુંની પેસ્ટ અને મીઠું ઉમેરીને સાંતળો. ધીમા તાપે પાંચેક મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેને એકબાજુ પર મૂકી દો. હવે એક સોસપેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં મેથીના દાણા અને હળદર ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં પાણી ઉમેરીને ઉકાળો. હવે તેમાં લીલા વટાણા, ક્રીમ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ સૂપને ધીમા તાપે વીસેક મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે તેમાં લીંબુનો રસ, મરી પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને થોડીક મિનિટો માટે ઢાંકીને રાખો. હવે આ સૂપને ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો.
 
-----
 
 
હોટ એન્ડ શાવર સૂપ-
 
સામગ્રી-
 
-2 ટેબલસ્પૂન ચીલી સોસ
-11/2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
-1 ટેબલસ્પૂન સોયા સોસ
-2 ટેબલસ્પૂન વિનેગર
-2 ટેબલસ્પૂન કેપ્સિકમ સમારેલા
-2 ટેબલસ્પૂન લીલી ડુંગળી સમારેલી
-2 ટેબલસ્પૂન ટોમેટો સોસ
-2 ટેબલસ્પૂન ગાજર સમારેલા
-1/4 કપ કોબી સમારેલી
-1 નાનો ટુકડો પનીરનો
-1 ટીસ્પૂન મરી પાવડર
-1/2 ટીસ્પૂન ખાંડ
-1 ચપટી આજીનો મોટો
-4 કપ પાણી
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ એક સોસ પેનમાં ચાર કપ પાણી, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, ખાંડ, મીઠું, મરી પાવડર અને આજીનો મોટો ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા માટે મૂકો. ત્યાર બાદ તેમાં સમારેલા શાકભાજી ઉમેરીને ચઢવા દો. ધીમા તાપે એકાદ મિનિટ માટે ચઢવા દો. આ દરમિયાન કોર્ન સ્ટાર્ચને અડધા કપ પાણીમાં ઓગાળી લો. હવે આ મિશ્રણને સૂપમાં ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી ચઢવા દો. એકાદ મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ તેમાં પનીર સ્લાઈસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ગરમા-ગરમ સૂપને સર્વ કરો.
 
-----------
 
પાલક સૂપ-
 
સામગ્રી-
 
-2 ટેબલસ્પૂન બટર
-2 કપ પાલક સમારેલી
-1 નંગ ડુંગળી સમારેલી
-2 કપ દૂધ
-11/2 ટેબલસ્પૂન મેંદો
-1 ટેબલસ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
-મરી પાવડર
 
રીત-
 
સૌપ્રથમ સમારેલી પાલકને પાણીથી બરાબર ધોઈ લો. ગરમ પાણીમાં પણ એકાદ વખત ધોઈ લો. હવે આ પાલકની પ્યોરી બનાવી લો. એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલું લસણ, મીઠું અને મરીનો ભૂક્કો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ બધી જ સામગ્રીને પાલક સાથે મિક્ષરમાં ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મિક્ષ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મેંદો ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. હવે તેમાં દૂધ ઉમેરીને ઝડપથી હલાવો. જેથી મેંદાના ગઠ્ઠા ના રહી જાય. થોડીવાર બાદ તેમાં પાલકની પ્યોરી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. જરૂર લાગે તો તેમાં તમે પાણી ઉમેરી શકો છો. સૂપ બરાબર ઉકળી જાય એટલે તેને ગરમા-ગરમ સર્વ કરો.