ફળોના શ્રેષ્ઠ ફાયદા ને પોષણ મેળવવા, આ પદ્ધતિ અને નિયમ જાણવા જરૂરી

02 Jan, 2016

 હેલ્ધ માટે સજાગ બનતાં લોકો હવે હેલ્ધી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. એમાંય ફળોનું આગવું સ્થાન છે.  ફળો અને તેનો રસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે. ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર્સ, ફાયટોકેમિકલ્સ જેવાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે ફળો બહુ જ ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોનું સેવન કરવાના પણ કેટલાક નિયમ અને પદ્ધતિ હોય છે અને ફળોનું સેવન કરવાના ખરાં લાભ મેળવવા માટે આ નિયમ અને પદ્ધતિને અનુસરવા જરૂરી છે.

 
ફળો ખાવાની પદ્ધતિ અને નિયમ જાણો
 
ફળો ખાવાના જો નિયમો તમે અપનાવશો તો ફળોમાંથી તમે મહત્તમ પોષણ મેળવી શકશો અને જો તમે આ નિયમોને અવગણશો તો તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આમ તો ફળોના જ્યૂસનું સેવન અતિલાભકારી રહે છે અને જ્યૂસ શરીરમાં જઈ શુગરમાં પરિવર્તિત થાય છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ ફળોના પોષક તત્વો મેળવવા માટે આખાં ફળો જ ખાવાં જોઈએ.
 
ફળ ખાવા સારાં કે જ્યૂસ?
 
આજકાલ હેલ્ધી પીણાંમાં જ્યૂસ પીવાનું ચલણ ખૂબ જ વધ્યું છે અને મોટાભાગના લોકો એવું માને છે ફળોનો જ્યૂસ હેલ્ધી હોય છે અને આ વાત સાચી પણ છે. પણ તેનાથી પણ વધારે ગુણકારી અને લાભકારી હોય છે ફળોનું સેવન કરવું. જી હાં, ફળોનો રસ જે બજારમાં તૈયાર મળે છે એ તો કદીએ ન પીવો જોઈએ. તેમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય ઘરે મશીનમાં કાઢેલાં જ્યૂસમાં પણ જ્યૂસ કાઢતી વખતે કેટલાક ફેરફાર આવે છે અને ફળોનો સત્વ પણ સંપૂર્ણ રીતે જ્યૂસમાં મળી શકતો નથી.
 
ફળોને મિક્સર કે જ્યૂસરમાં નાખવામાં આવે કે એમાં પેદા થતી હીટ ફળોના ગુણોને અસર કરે છે. જ્યૂસ કાઢવાની પ્રક્રિયામાં એનાં પોષક તત્વો ખૂબ ઓછાં થઈ જાય છે. સામાન્ય રીતે ફળોમાં અખૂટ પ્રમાણમાં પોષક તત્વો હોય છે, પણ જ્યારે એનો જ્યૂસ કાઢવામાં આવે છે ત્યારે બહુ ઓછા પ્રમાણમાં બચે છે. જેથી ફળો ખાવાના ખરાં લાભ મેળવવા હોય તો ચાવી-ચાવી આખાં ફળો જ ખાવા.
 
ફળો કયા સમયે ખાવા વધુ ગુણકારી?
 
ફળો ખાવાનો સૌથી સારો સમય સવારનો છે. તમે સવારે ઉઠીને પણ ફળ ખાઈ શકો છો. તમને જે ફળ ભાવતું હોય તે ફળ તમે સવારે ખાઈ શકો છો. જો સવારે ફળ ન ખાઈ શક્યા હો તો બપોરે જમતા પહેલાં અથવા સાંજે પણ તમે ફળ ખાઈ શકો છો. ડાયાબિટીસના દર્દીઓ પણ રોજ ફળ ખાઈ શકે છે પરંતુ આ વાતનું પણ ધ્યાન રાખવું કે જે સમયે તમે ફળ ખાઓ ત્યારે બીજું કંઈ ન ખાવું.
 
આ સિવાય આપણે જ્યારે ફળોનો જ્યૂસ કાઢીએ છીએ પછી જ્યૂસ ગાળી લઈએ છીએ અને આ દરમિયાન તેમાં રહેલાં પોષક તત્વો પણ ગળાઈ જાય છે અને ફળોમાંથી મળતું ફાઈબર પણ આપણને મળતું નથી.
 
કોઈપણ વસ્તુનું અતિસેવન હાનિકારક છે
 
કેટલાક લોકો વધુ પોષક તત્વો મેળવવાની લ્હાયમાં વધુને વધુ ફળો ખાય છે અને જ્યૂસ પીધે રાખે છે પરંતુ કોઈપણ વસ્તુ જ્યારે અતિ થાય ત્યારે તે ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે અને ફળોની બાબતમાં પણ આવું જ છે. જો તમે ફ્રૂટ ડાયટ પર હોવ તો તમે આખો દિવસ ફળો ખાઈ શકો છો પરંતુ તમે ભરપેટ ભોજનની સાથે આખો દિવસ ફળો ખાઓ અને જ્યૂસ પીઓ એ સારું નથી. સામાન્ય રીતે તમે દિવસના બે કે ત્રણ ફળ ખાઈ શકો છો. તેનાથી વધુ નહીં અને સૌથી અગત્યની વાત કે દરરોજ કોઈ એક જ ફળ ન ખાવું, તેની જગ્યાએ દરરોજ અલગ-અલગ ફળો ખાવા. જેથી બધાં જ ફળોના પોષક તત્વો તમારા શરીરને મળી રહે.
 
સિઝન પ્રમાણેના ફળો ખાવા
 
આજકાલ બજારમાં બધાં પ્રકારના ફળો બારેમાસ મળે છે પરંતુ આ સિઝન વિનાના ફળો દવાઓ અને કેમિકલ્સ નાખીને ઉગાડવામાં આવે છે. જેથી હમેશાં સિઝનલ ફળો જ ખાવા.