'બાહુબલી'એ તોડ્યા બોક્સઓફિસ રેકોર્ડ, બીજા ભાગની ધમાકેદાર સ્ટોરી વાંચો એડવાન્સમાં

17 Jul, 2015

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી' એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસોમાં 200 કરોડ રૂ.થી વધારે કમાણી કરી લીધી છે. આ ફિલ્મ હકીકતમાં આખી ફિલ્મ નથી પણ આખી ફિલ્મનો માત્ર પહેલો ભાગ છે. આ ફિલ્મના પહેલા ભાગનો અંત મોટા રહસ્ય સાથે થાય છે જેનો તાગ બીજા ભાગમાં મેળવી શકાશે.

'બાહુબલી : ધ બિગનિંગ'ના અંતમાં એક મોટો રહસ્ય છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કાલાકેયા (વિલન)ના સંહાર પછી મહિષમતી સામ્રાજયના રાજા તરીકે બાહુબલીની પસંદગી કરવામાં આવે છે જ્યારે ભલ્લાલ દેવને સેનાપતિનું પદ સોંપવામાં આવે છે. અંતમાં બતાવવામાં આવે છે બાહુબલીની હત્યા તેના જ અત્યંત વિશ્વાસ કટપ્પા દ્વારા કરવામાં આવે છે. કટપ્પા શું કામ તેના ખાસ પ્રિય બાહુબલીની હત્યા કરે છે એ રહસ્ય બીજા ભાગમાં ખોલવામાં આવે છે.

હાલમાં આ ફિલ્મના બીજા ભાગ 'બાહુબલી : ધ કન્કલુઝન'ની સ્ટોરી લિક થઈ છે. આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત બાહુબલી મહિષ્મતીનો રાજા બને છે ત્યારથી થાય છે. આ સમયે તેને દેવસેના નામની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. જોકે રાજા તરીકે દેવસેના સાથે લગ્ન શક્ય ન હોવાના કારણે બાહુબલી રાજાના પદનો ત્યાગ કરીને દેવસેના સાથે ચાલ્યો જાય છે અને રાજ ભલ્લાલ દેવને મળે છે.

ભલ્લાલ દેવની ક્રૂરતાને કારણે લોકો કંટાળી જાય છે જ્યારે બીજી તરફ કાલાકેયાનો ભાઈ ફરીથી મહિષ્મતી પર હુમલો કરવાનું પ્લાનિંગ કરે છે. આ માહિતી મળતા બાહુબલી માહિષ્મતી પરત આવે છે અને ત્યારે જ ભલ્લાદેવ, કટપ્પા તેમજ બિજલાલ દેવ દગો આપીને બાહુબલીને મારી નાખે છે તેમજ પત્ની દેવસેનાને પકડી લે છે. તેઓ બાહુબલીના સંતાનને પણ મારી નાખવા માગતા હોય છે પણ ભલ્લાલની માતા બાળકને બચાવી લે છે. આ બાળક મોટો થઈને શિવા બને છે જે પ્રેમિકા અવંતિકા અને કબીલાના લોકો સાથે મળીને મહિષ્મતીનું રાજ્ય પાછું મેળવે છે.

નોંધનીય છે કે આ બીજા ભાગનું શૂટિંગ સપ્ટેમ્બર મહિના સુધી આટોપી લેવામાં આવશે અને તેને 15 જાન્યુઆરીના દિવસે રિલિઝ કરવાનું પ્લાનિંગ છે.