Ten Brain Herbs: Brain Health, Various Brain Boosting Herbs To Eat Daily

31 Dec, 2015

 મગજ આપણા શરીરનો એ ભાગ છે જેના સંકેત વિના શરીરનું કોઈપણ અંગ કાર્ય કરી શકતું નથી. પરંતુ કેટલીકવાર વધતી ઉંમર, ખોટી આદતો, નશો અને આવશ્યક પોષક તત્વોની ઉણપ વગેરેને કારણે યાદશક્તિ નબળી થતી જાય છે. પરંતુ પોતાના આહારમાં કેટલીક વિશેષ જડી-બુટ્ટીઓને સામેલ કરીને તમે તમારા મગજને તેજ બનાવી શકો છો. જો તમારું મગજ પણ નબળું હોય તો આજે અમે તમને કેટલીક મગજ માટેની જડી-બુટ્ટીઓ વિશે જણાવીશું. જેનું સેવન કરીને તમે તમારા મગજને તેજ અને કાર્યશીલ બનાવી શકો છો. તો જાણી લો.

 
જટામાસી
 
જટામાસી ઔષધિય ગુણોથી ભરપૂર જડી-બુટ્ટી છે. તેની જડમાં જટા વાળ જેવા તંતુ લાગેલા હોય છે જેથી તેને જટામાસી કહેવાય છે. આ મગજ માટે એક રામબાણ ઔષધી છે. આ ધીરે-ધીરે પરંતુ પ્રભાવશાળી રીતે કાર્ય કરે છે. આ સિવાય જટામાસીના નિયમિત સેવનથી મગજથી નબળા લોકો, જેમની યાદશક્તિ નબળી હોય એવા લોકો માટે વરદાન સમાન છે અને અચૂક દવા છે. પ્રયોગ માટે રોજ એક કપ દૂધમાં એક ચમચી જટામાસી પાઉડરને મિક્ષ કરીને પીવાથી મગજ એકદમ તેજ બની શકે છે.
 
કાળા મરી
 
કાળા મરીને 'કિંગ ઓફ સ્પાઇસ' કહેવાય છે જે મહત્વના મસાલા પૈકીનો એક મસાલો છે. કાળા મરીમાં વિટામિન સી, એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટેન્સ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે. કાળા મરી શરીરના હાનિકારક તત્વોને તરત શરીરની બહાર કાઢી દે છે અને મગજને તણાવમુક્ત રાખે છે. સાથે કાળા મરીમાં રહેલું પેપરિન નામનું રસાયણ શરીર અને મગજની કોશિકાઓને આરામ આપે છે. આવા જ કેટલાક ગુણોને કારણે આયુર્વેદમાં કાળા મરીને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. જેથી મગજને સ્વસ્થ રાખવા માટે કોઈપણ રીતે તમારા ખોરાકમાં કાળા મરીનો ચોક્કસ ઉપયોગ કરવો.
 
બ્રાહ્મી
 
આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે.  આ મગજને શાંતિ પ્રદાન કરે છે. ગાંડપણ - માનસિક ઉશ્કેરાટ - અતિ ક્રોધ જેવી સમસ્યાઓ માટે બ્રાહ્મીનાં પાનના ૨૦ ગ્રામ રસમાં કોળાનો ૨૫ ગ્રામ રસ ઉમેરી, તેમાં સાકર કે મધ નાંખી રોજ પીવું, આ સિવાય નબળી યાદશક્તિવાળા લોકોએ રોજ અડધી ચમચી બ્રાહ્મી પાઉડર અને અડધી ચમચી મધને ગરમ પાણીમાં મિક્ષ કરીને પીવાથી મગજ તેજ બને છે.
 
શંખ પુષ્પી
 
સ્મૃતિવર્ધક ઔષધોમાં શંખપુષ્પી ઉત્તમ ગણાવાય છે. શંખપુષ્પીને ગુજરાતીમાં શંખાવળી પણ કહેવાય છે. શુંખપુષ્પી એ માત્ર મગજ કે માનસિક રોગોનું જ ઔષધ નથી. એ કેટલાક શારીરિક રોગોમાં પણ ઉપયોગી છે. મગજની સાથે મગજમાં લોહીના પરિભ્રમણની ક્ષમતાને પણ શંખપુષ્પી વધારે છે. આ બુટ્ટી યાદશક્તિ અને કંઈક નવું શીખવાની ક્ષમતાને ઝડપથી વધારે છે. તેના નિયમિત સેવન માટે રોજ અડધી ચમચી શંખપુષ્પીને અડધા કપ ગરમ પાણીમાં મિક્ષ કરીને લેવું. 
 
તજ
 
ગરમ મસાલા અને મુખવાસ ઉપરાંત ઔષધ તરીકે પણ તજનો ઘણો ઉપયોગ થાય છે.  પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ તજ માત્ર એક તેજાનો મસાલો જ નથી પરંતુ તે એક ઉત્તમ જડીબુટ્ટી પણ છે.  તજ મગજને સતેજ બનાવવા માટેની એક શ્રેષ્ઠ દવા પણ માનવામાં આવે છે. રાતે સૂતી વખતે નિયમિત રીતે ચપટી તજના પાઉડરને મધ સાથે મિક્ષ કરીને લેવાથી માનસિક તાણમાં રાહત મળે છે અને મગજની કાર્યક્ષમતા વધે છે સાથે જ મગજ એકદમ તેજ બને છે.
 
હળદર
 
એન્ટિસેપ્ટિક ગણાતી હળદરમાં મગજની ક્ષમતા વધારવાની તાકાત છે. આમ તો હળદર એક બહુગુણી ઔષધી છે આ વાત તો મોટાભાગના લોકો જાણતા જ હશે. આ સાથે હળદર એક ઉત્તમ જડીબુટ્ટી પણ છે. હળદર માત્ર ભોજનના સ્વાદ અને ચહેરાનો રંગ નિખારવા માટે જ ઉપયોગી નથી પરંતુ મગજને સ્વસ્થ રાખવા માટે પણ હળદર બહુ જ ફાયદાકારક હોય છે. એક સંશોધન મુજબ હળદરમાંથી મળતા રસાયણ તત્વ કુર્કુમિન મગજની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રિપેર કરવામાં મદદ કરે છે અને તેના નિયમિત સેવનથી એલ્ઝાઈમર જેવા રોગો સામે રક્ષણ મળે છે. 
 
જાયફળ
 
જાયફળનો ઉપયોગ એક ઔષધી તરીકે અનેક દવાઓમાં કરવામાં આવે છે. જાયફળ તીક્ષ્ણ અને ગરમ પ્રકૃતિનું હોવાને કારણે તે કફ તથા વાયુને દૂર કરે છે. સાથે મગજને તેજ કરનાર જડીબુટ્ટીઓમાં પણ જાયફળ એક શ્રેષ્ઠ બુટ્ટી છે. ગરમ તાસીરવાળા જાયફળનું થોડી માત્રામાં જ સેવન કરવાથી મગજ તેજ બને છે. જાયફળને કોઈપણ રીતે તમારા ખોરાકમાં સામેલ કરવું. જાયફળનું નિયમિત સેવન કરવાથી અલ્ઝાઈમર જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.
 
અજમાના પાન
 
અજમો એક સર્વોપયોગી વસ્તુ છે. જેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. અજમાના બીજ તો અનેક સમસ્યાઓમાં ઉપયોગી છે જ પણ સાથે અજમાના પાન પણ બહુ જ લાભકારક હોય છે. અજમાના પાન ભોજનમાં સુંગધની સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ મગજ માટે ઔષધીનું કાર્ય કરે છે. જેથી તમારા ખોરાકમાં રોજ અજમાના પાનનો ઉપયોગ કરો. નબળું મગજ પણ બનશે ધારદાર.
 
તુલસી
 
તુલસીના ગુણો વિશે તો શું કહેવું. તુલસીને માતા કહેવાય છે અને જેમ આપણી માતા આપણું ધ્યાન રાખે છે તેમ જ તુલસીનું સેવન આપણને અનેક રોગો સામે રક્ષણ આપે છે. તુલસી અનેક પ્રકારના રોગોના ઈલાજ માટે એક જાણીતી જડીબુટ્ટી છે. તુલસીમાં રહેલું એન્ટીએઓક્સીડેન્ટ હૃદય અને મગજમાં લોહીના પ્રવાહને સુધારે છે. સાથે જ તેમાં મળી આવતાં એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ અલ્ઝાઈમર જેવી બીમારી સામે રક્ષણ પ્રદાન કરે છે. જેથી રોજ સવારે તુલસીના પાંચ પાન ચાવીને ખાઈ જવા અથવા તમે ચામાં નાખીને પણ તુલસીનો ઉપયોગ કરી શકો છો.
 
કેસર
 
કેસર એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ અનિદ્રા અને ડિપ્રેશન જેવી અનેક મગજની બીમારીઓ માટે પણ કરવામાં આવે છે. રોજ કેસરવાળું દૂધ પીવાથી મગજ તેજ બને છે અને મગજની બીમારી જેમ કે તણાવ વગેરેથી બચી શકાય છે. જો મગજ તંદુરસ્ત રાખવું હોય તો કેસરનો ઉપયોગ અવશ્ય કરો અને હવે તો ઠંડી માથે છે.