નોકરી ગમે તેવી હોય, આ નીતિ પ્રમાણે ચાલશો તો જરૂર મળશે પ્રમોશન

26 Aug, 2015

 વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ગ્રંથમાં આપવામાં આવેલ સૂત્ર અને પ્રસંગ આજે પણ શ્રેષ્ઠ જીવન માટે પ્રેરણા આપે છે. મહાભારતમાં અનેક મહાન પાત્ર છે, આ મહાન પાત્રમાં એક એવું પાત્ર છે જે દાસીનો પુત્ર હતો. દાસીપુત્ર હોવા છતાં પણ મહાભારતમાં આ પાત્રનું મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ દાસી પુત્ર છે કૌરવોના મહામંત્રી વિદૂર.

 
વિદૂર એક દાસીના પુત્ર હતા, પરંતુ તેમને પોતાની નીતિઓના બળે જ ઈતિહાસમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મહામત્રી વિદૂરે વિદૂરનીતિ નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં આપવામાં આવેલ નીતો આજે પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં જાણો વિદૂર નીતિની કેટલીક ખાસ નીતિઓ...વિદૂર કહે છે કે....
 
भूयांसं लभते क्लेशं गौर्भवति दुर्दहा।
अथ या सुदुहा राजन् नैव ता वितुदन्यापि।।
 
આ શ્લોકમાં વિદૂર કહે છે કે જે ગાય પોતાના માલિકને પરેશાન કરીને દૂધ આપે છે, તેને ખૂબ જ કષ્ટ સહન કરવા પડે છે. માલિક તેને મારે પણ છે, સમય આવ્યે તેને ઘાસ પણ નથી આપતો, જ્યારે જે ગાય આસાનીથી માલિકને દૂધ પ્રદાન કરે છે, તેને કોઈપણ પ્રકારની પરેશાનીઓ આવતી નથી.
 
આ નીતિનો એ અર્થ છે કે જે વ્યક્તિ પોતાના માલિક કે સ્વામી કે પ્રબંધક કે વરિષ્ઠજનોના આદેશનું પાલન તરત જ કરી લે છે, તેને કોઈપણ પ્રકારની સમસ્યા સહન નથી કરવી પડતી. સમય-સમયે યોગ્ય પ્રમોશન અને પ્રોત્સાહન પણ મળતું રહે છે. જ્યારે જે લોકો પોતાના પ્રબંધકના આદેશોની અવગણના કરતા રહે છે, સારી રીતે કામ નથી કરતા, તેમને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
 
સંતાપ વ્યક્તિને સમાપ્ત કરી દે છેઃ-
 
संतापाद् भ्रश्यते रूपं, संतापाद् भ्रश्यते बलम्।
संतापाद् भ्रश्यते ज्ञानं, संतापाद् व्याधिमृच्छति।।
 
આ શ્લોકમાં વિદૂર કહે છ કે જો કોઈ વ્યક્તિને કોઈ સંતાપ અર્થાત્ પીડા કે દુઃખ હોય અને તેનું નિવારણ ન કરવામાં આવે તો તે સંતાપ વ્યક્તિના રૂપ-રંગનો નાશ કરી દે છે. વ્યક્તિ ગમે એટલો સુંદર હોય, પરંતુ સંતાપ સુંદરતાનું હરણ કરી લે છે. સંતાપથી વ્યક્તિની શક્તિ ક્ષીણ થઈ જાય છે, તે નિર્બળ થઈ જાય છે.
 
જો કોઈ જ્ઞાની વ્યક્તિને કોઈ સંતાપ હોય તો તેનું જ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે. સંતાપનું ઉચિત નિરાકરણ નથી લાવવામાં આવતું તો વ્યક્તિ રોગી બની જાય છે. આથી, જો આપણને કોઈ પ્રકારની માનસિક કે શારીરિક પીડા હોય તો તેનું નિરાકરણ કરી લેવું જોઈએ.
 
અમીર અને ગરીબ વચ્ચેનો ભેદઃ-
 
प्रायेण श्रीमतां लोके भोक्तुं शक्तिर्न विद्यते।
जीर्यन्त्यपि हि काष्ठानि दरिद्राणां महीपते।।
 
આ શ્લોકનો અર્થ એ છે કે ધની લોકોની પાસે બધા પ્રકારની સુખ-સુવિધાઓ હોય છે, પરંતુ તેમની પાચન શક્તિ વધુ સારી નથી હોતી, આ પ્રકારે તેમને સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન પચાવવા માટે પણ અનેક પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. પાચન શક્તિ સારી ન હોવાને લીધે તેમને મેદસ્વીતા, કબજિયાત, ગેસ જેવી પરેશાનીઓ કાયમ માટે ચાલતી રહે છે.
 
જ્યારે જે લોકો ગરીબ હોય છે, તેમને પેટમાં તો લાકડાં પણ પચી જાય છે. ગરીબ વ્યક્તિ પછી ગમે એવું ભોજન કરે, તે પોતાની મહેનતથી તેને પચાવી લે છે, ગરીબ વ્યક્તિની પાચન શક્તિ ખૂબ જ સારી હોય છે.