આ પણ છે સ્ટાર્સના સંતાનો,બચ્ચન કે ખાનના કિડ્સ જેટલાં નથી લોકપ્રિય

26 Aug, 2015

 બોલિવૂડ સ્ટાર્સના સંતાનો અંગે ચાહકોને જાણવામાં રસ હોય તે સમજી શકાય તેવી વાત છે. બોલિવૂડ સ્ટાર કિડ્સ શું કરે છે, ક્યા જાય છે તે જાણવામાં ચાહકો ઉત્સુક હોય છે. તો સ્ટાર કિડ્સ પણ પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવામાં વ્યસ્ત હોય છે.

 
બચ્ચન, ખાન પરિવારના કિડ્સ અંગે તો તમામ ચાહકો જાણતા હોય છે. જોકે, એવા પણ કેટલાંક સ્ટાર કિડ્સ છે, જેને ચાહકો જાણતા નથી.
 
આજે આપણે એવા જ કેટલાંક સ્ટાર કિડ્સની વાત કરીશું, જેઓ હાલમાં બોલિવૂડ અને ટેલિવૂડમાં કામ કરી રહ્યાં છે.
 
મોહન ભંડારી અને ધ્રુવઃ
મોહન ભંડારી ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં જાણીતું નામ છે. મોહન ભંડારીએ અનેક ટીવી સીરિયલ્સ અને ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેનો પુત્ર ધ્રુવ પણ પિતાની જેમ જ ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં આગળ વધવા માંગે છે. મોહન ભંડારીનો પુત્ર 'તેરે શહેર મે'માં મોન્ટુની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સીરિયલમાં ધ્રુવના અભિનયના વખાણ કરવામાં આવી રહ્યાં છે. આટલું જ નહીં છોકરીઓમાં ધ્રુવ ઘણો જ હોટ ફેવરિટ છે. 
 
જ્હોની લિવર-જેમીઃ
બોલિવૂડના જાણીતા હાસ્ય અભિનેતા જ્હોની લિવરની પુત્રી જેમીએ લંડનની યુનિર્વસિટી ઓફ વેસ્ટમિનિસ્ટરમાંથી માર્કેટિંગ કમ્યુનિકેશન કર્યું છે. તેણે લંડનમાં માર્કેટિંગ રિસર્ચ એજન્સીમાં નોકરી કરી હતી અને ત્યારબાદ તે ભારત પરત ફરી હતી. ભારત પરત આવ્યા બાદ જેમીએ 'કોમેડી સર્કસ કે માહબલી'માં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કામ કર્યું હતું. જેમી કોમેડીયન તરીકે ઘણી જ લોકપ્રિય થઈ છે. હાલમાં તેની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' રીલિઝ થવાની છે.
 
રામ કેલકર-મનિષા કેલકરઃ
'ખલનાયક', 'રામ લખન', 'હિરો' જેવી ફિલ્મ્સના લેખક રામ કેલકરની પુત્રી મનિષા કેલકરે સિનેમા ઈન્ડસ્ટ્રિઝમાં પર્દાપણ કર્યું છે. મનિષાએ અભિનેત્રી તરીકે મરાઠીમાં છ ફિલ્મ્સ કરી છે. હવે, તે લેખક, અભિનેતા અને ડિરેક્ટર આદિત્ય ઓમની ફિલ્મ 'બંદૂક'માં આવવાની છે. મનિષાની આ બીજી ફિલ્મ છે. મનિષાએ પોતાની માતા અને અભિનેત્રી પાસેથી કથ્થકની તાલીમ લીધી છે. 
 
મેક મોહન અને મંજરીઃ
'શોલે'માં સાંભાના નામથી જાણીતો બનેલો બોલિવૂડનો વિલન મેક મોહનની પુત્રી મંજરી રાઈટર અને ડિરેક્ટર છે. મંજરીએ થોડાં સમય પહેલાં જ પોતાની ફિલ્મ 'ધ કોર્નર ટેબલ' પુરી કરી છે. મેક મોહનનું 2010માં 72 વર્ષની વયે નિધન થયું હતું.
 
શ્યામ કૌશલ-વિક્કી કૌશલઃ
એક્શન ડિરેક્ટર શ્યામ કૌશલના પુત્ર વિકી કૌશલની પહેલી ફિલ્મ 'મસાન' તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં વિકીએ રિચા ચઢ્ઢા સાથે કામ કર્યું હતું. 'મસાન' ફિલ્મ વિવેચકોએ ઘણી જ વખાણી હતી. શ્યામ કૌશલ 'સ્લમડોગ મિલિયોનર', '3 ઈડિયટ્સ' જેવી ફિલ્મ્સને કારણે લોકપ્રિય થયા છે.