કચ્છના સફેદરણમાં ચમકશે સની લિયોન, અરબાઝના સાથે કરશે ગીતનું શુટિંગ

22 Jul, 2016

બોલીવુડની અનેક ફિલ્મોમાં ચમકી ચૂકેલા કચ્છમાં, મૂળ કચ્છના જ નિર્માતાઓની બીગ બજેટ ફિલ્મ ‘તેરા ઇન્તઝાર’નું શૂટિંગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે, જેમાં ભાગ લેવા સની લિયોન અને અરબાઝ ખાન સંભવત 7 મી ઓગસ્ટે ભુજ આવશે તથા સળંગ 14 દિવસ કચ્છમાં શૂટિંગ કરશે.આ ફિલ્મના સહ નિર્માતા, મૂળ ગાંધીધામના હનીફ નોઇડાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રોડ્યુસર પણ ગાંધીધામના દંપતી અમન મહેતા અને બીજલ મહેતા છે.
 
સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઇમાં પણ તેનું શૂટિંગ થશે
 
‘બાગેશ્રી ફિલ્મ્સ’ના નેજા તળે બનનારી ‘તેરા ઇન્તઝાર’ના એક મહત્ત્વના ગીતનું શૂટિંગ સફેદરણમાં સની અને અરબાઝની સાથે થશે. 10 જેટલી ગુજરાતી ફિલ્મ તથા 180થી વધુ હિન્દી-ગુજરાતી આલ્બમ બહાર પાડનારા હનીફભાઇના જણાવ્યા પ્રમાણે બીગ આર્ટિસ્ટ અને બીગ બજેટની ફિલ્મ બનાવનારા સંભવત: ગુજરાતના તેઓ પ્રથમ પ્રોડ્યુસર છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જૂનાગઢના મલ્ટીપ્લેક્સવાળા નરેન્દ્રભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘તેરા ઇન્તઝાર’ ફિલ્મનું 28 જુલાઇએ મુંબઇમાં મુહૂર્ત યોજાયું છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઇમાં પણ તેનું શૂટિંગ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજીવ વાલિયા સંભાળશે, જ્યારે મુંબઇના હનીફ છત્રીવાલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.
 
કચ્છના રિસોર્ટ-હોટેલો ચમકશે

કચ્છના વિખ્યાત સફેદરણ ઉપરાંત માંડવીના સેરેના બીચ રિસોર્ટ, ગાંધીધામની રેડિસન અને હોલીડે વિલેજ રિસોર્ટમાં પણ ‘તેરા ઇન્તઝાર’નું શૂટિંગ થશે. કેટલાક બંગલામાં પણ ફિલ્માંકન થાય તેવી શક્યતા છે.