સ્નાન કર્યા પહેલાં ને પછી આટલું કરવાથી, આખા શરીરની ત્વચાને થશે ફાયદો

29 Aug, 2015

ચહેરા અને શરીરની સુંદરતા માટે બ્યુટી ટ્રીટમેન્ટની જેમ સ્નાનનું પણ એટલું મહત્વ છે. જો ઘરગથ્થુ સૌંદર્યવર્ધક સામગ્રીથી અઠવાડિયામાં એકાદ વાર સ્નાન લેતા પહેલા મસાજ કરવામાં આવે તો સ્કિનની તંદુરસ્તીમાં વૃદ્ધિ થવાની સાથે સ્કિન તરોતાજા બનીને નિખરી ઊઠે છે. સ્નાન પહેલાં કરવામાં આવતું ઓઇલ મસાજ અને સ્ક્રબ ત્વચા માટે બહુ ફાયદાકારક નીવડે છે અને સ્નાન પછી લોશન લગાવવાથી ત્વચા હેલ્ધી રહે છે. જેથી આજે અમે તમને કેટલીક નેચરલ વસ્તુઓ જે ઘરમાં જ ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ કરીને કઈ રીતે આખા શરીરની ત્વચાને હેલ્ધી રાખી શકાય તે વિશે જણાવીશું. તેના માટે કંઈ ઝાઝું કરવાની જરૂર નથી, બસ સ્નાન કરતાં પહેલાં અને પછી કેટલીક સરળ ટિપ્સ અપનાવવી પડશે. તો જાણી લો.

સ્ક્રબ
 
સ્ક્રબ કરવાથી ત્વચા પર રહેલાં ડેડ સેલ્સ દૂર થઈ જાય છે. આજકાલ બજારમાં નિતનવા સ્ક્રબ ઉપલબ્ધ છે. જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં બનાવેલો નેચરલ સ્ક્રબ આખા શરીર પર કરવાથી ત્વચામાં ગજબનો નિખાર અને તેજ આવે છે. તેના માટે માટે ચોખાનો લોટ, ચણાનો લોટ, બદામનો પાઉડર, હળદર દહીંમાં મિક્સ કરીને સ્કિન પર લગાવો. ૧૦થી ૧૫ મિનિટ સુધી મિશ્રણને સ્કિન પર રહેવા દો પછી રાઉન્ડ મૂવમેન્ટમાં હળવે હાથે ઘસો અને પછી તાજા પાણીથી સાફ કરીને સ્નાન કરી લો.
 
બોડી મસાજ ઓઇલ
 

 

બોડી મસાજ એ એક પ્રાચીન અને અસરકારક પદ્ધતિ છે. શરીર પર મસાજ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમાં ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. શરીરની ત્વચા લચીલી બને છે. જેના માટે ૫૦ મિલિ ઓલિવ ઓઇલમાં તલનું તેલ, જાસ્મિન, લોટસ કે લેવેન્ડરનું ઓઇલ ઉમેરો અને આખા શરીરે સારી રીતે મસાજ કરો. ત્યારબાદ હૂંફાળા પાણીથી સ્નાન કરી લો. આ રીતે સપ્તાહમાં એક વાર સ્નાન લેવાથી થાક દૂર થાય છે અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.
 
બોડી અને ફેસ માસ્ક
 
પાકા પપૈયાના પલ્પમાં થોડું મધ, દહીં, સંતરાની છાલ અને લીંબુની છાલનો પાઉડર, ઓટમિલને મિક્સ કરીને ઉબટન બનાવી લો. તેને ફેસ પર અને બોડી પર લગાવો. અડધા કલાક બાદ ધોઈ લો અને પછી સ્નાન કરી લો. બોડીને વીકમાં એક વખત આ રીતે ઉબટન લગાવીને સ્નાન કરવાથી સ્કિન સારી રીતે સ્વચ્છ થાય છે ત્વચા પર ગ્લો આવે છે.
 
હર્બલ વસ્તુઓથી કરો સ્નાન
 
ચણાનો લોટ, ફુદીનાનાં પાનનો પાઉડર, ઓટમિલ, ગુલાબની પાંદડી, બદામનો પાઉડર, હળદર મિક્સ કરીને તેની પાતળા કપડાની એક પોટલી વાળી પાણીમાં બોળીને શરીર પર ઘસો અને પછી સ્નાન કરી લો. આનાથી તમારી ત્વચામાં નિખાર આવશે. સાથે જ ત્વચા સંબંધી સમસ્યાઓમાં ફાયદો થશે.
 
સ્નાન પછી બોડીલોશન
 
કેટલાક લોકો સ્નાન કરી લીધું એટલે હવે કંઈ જ કરવાની જરૂર નથી એવું વિચારી સ્નાન કર્યા બાદ ત્વચા માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરતાં નથી. પણ તમને જણાવી દઈએ કે ત્વચાને પણ પોષણની જરૂર હોય છે જેના માટે સ્નાન કર્યા પછી હર્બલ કે નેચરલ વસ્તુઓમાંથી બનેલા બોડી લોશનનો ઉપયોગ કરવો જોઈએ. નિયમિત રીતે સ્નાન પછી બોડી લોશન લગાવવાથી ત્વચા કોમળ અને સ્વસ્થ રહે છે. તેના માટે તમે ૧૦૦ મિલિ ગુલાબજળમાં એક ટેબલસ્પૂન પ્યોર ગ્લિસરિન મિક્સ કરો અને તેને એક બોટલમાં પેક કરી દો. સ્નાન કર્યા બાદ તરત જ આ લોશનને બોડી પર લગાવી શકો છો. આ સસ્તું અને સરળતાથી ઘરે જ તૈયાર થઈ જાય એવું લોશન છે.