આશ્વર્ય! દોઢ વર્ષનો બાળક વાંચી શકે છે અંગ્રેજી, ઓળખે છે ટ્રાફિક સિગ્નલ

25 Nov, 2015

અજબ ગજબ ડેસ્ક: જો તમારા ઘરમાં બાળક હોય તો તમને ખબર જ હશે કે તેને ભણાવવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે.  પરંતુ અમેરિકાના ઉત્તર કૈરોલિનામાં રહેતી લા ટોયા વ્હાઈટસાઈટ આ કિસ્સામાં ખુબ જ ભાગ્યશાળી છે. તેનો 19 મહિનાનો દીકરો કાર્ટર 300થી પણ વધારે અંગ્રેજી શબ્દોને ફક્ત ઓળખતો નથી, પરંતુ તેને વાંચી પણ શકે છે. કાર્ટરની માતાએ તેના અમુક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્ટરના હાથમાં અમુક પ્લેકાર્ડ છે, જેમાં લખેલા શબ્દોને તે કોઈપણ ભુલ કર્યા વગર વાંચી શકે છે.
લા ટોયાએ જણાવ્યું કે તેનો દીકરો 12 મહિનાનો હતો ત્યારથી જ તે વસ્તુઓને ઓળખીને તેનું નામ લેવા લાગ્યો હતો. તેની આ પ્રતિભા જોઈને લા ટોયાએ તેના દીકરા કાર્ટરને વસ્તુઓની સાથે સાથે અંગ્રેજીમાં લખેલા શબ્દો પ્લેકાર્ડ મારફતે આપવાના શરૂ કર્યા, જેને એક વખત બતાવતા જ તે આ શબ્દોને ઓળખવા લાગ્યો. A થી લઈને Z સુધીના અંગ્રેજી શબ્દો તે ઓળખી શકે છે. આ ઉપરાંત તે 50 સુધીની ગણતરી પણ અટકાયા વગર સડસડાટ બોલી શકે છે.
બહાર જતાં ઓળખી બતાવે છે રસ્તાના પરના નિશાન
કાર્ટર ભણવામાં તો અદભુત છે જ, પરંતુ તે જ્યારે પણ તેની માતા સાથે બહાર જાય છે ત્યારે રસ્તામાં આવતા સાઈનબોર્ડ અને દુકાનોને તે સારી રીતે ઓળખી બતાવે છે. રસ્તાઓ પર બનેલા નિશાનોને જોઈને તે સરળતાથી કહી શકે છે કે આ નિશાનનો શું મતલબ છે. મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે બાળકો 18 મહિનાની ઉંમર સુધી માત્ર છ શબ્દો જ બોલી શકે છે. જ્યારે શબ્દોનું સાચું ઉચ્ચારણ ત્રણ વર્ષ અને એક આખું વાક્ય 5 વર્ષની ઉંમર સુધી વાંચી શકે છે. જે જોતા કાર્ટરની આ પ્રતિભા કોઈ અજુબાથી ઓછી નથી.