ફળોમાં નખાતું પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશી કરે છે આ ગંભીર નુકસાન, જાણો

15 Jun, 2015

 ફળો અને શાકભાજી સ્વસ્થ રહેવા માટે ખૂબ આવશ્યક છે. રોગમુક્ત રહેવા માટે અને લાંબુ જીવન જીવવા માટે ફળો અને શાકભાજીનો પર્યાપ્ત ઉપયોગ જરૂરી છે. ફળો સ્વાદિષ્ટ હોય છે અને આપણા ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. કેલરીની સાથે અનેક વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાયટોન્યૂટ્રિયન્સ ફળો દ્વારા મળી શકતા હોય છે. આ બધા તત્ત્વો વ્યક્તિને તંદુરસ્ત રાખે છે અને બીમારીઓની સામે રોગપ્રતિકારાત્મક શક્તિ આપે છે. એટલું જ નહીં બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, ઓબેસિટી અને હૃદયની તકલીફો થતી અટકાવે છે. આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખતા દરેક વ્યક્તિએ દરરોજના એકથી ત્રણ ફળોના પોર્શન લેવા જોઈએ. આ પોર્શનમાં એક કેળું, એક કેરી, 200 ગ્રામ શક્કરટેટી, 200 ગ્રામ તરબૂચ, 200 ગ્રામ પાઈનેપલ અથવા એક નાની સાઈઝનું દાડમ હોઈ શકે. ઋતુ અને સ્થાનિક ઉત્પાદન પ્રમાણે આ ફળો અને તેમનું પ્રમાણ જુદું-જુદું હોઈ શકે. એકના એક ફળના બદલે દિવસમાં બે કે ત્રણ વિવિધ ફળો લેવાં ફાયદાકારક હોય છે.

 
દરેક સિક્કાની બે બાજુ હોય છે. ફળો ખાવાના અનેક ફાયદાઓ છે. તેની સાથે અમુક તકલીફો પણ સમાયેલી છે. સૌથી વધારે ચિંતાનો વિષય છે ફળો અને શાકભાજીમાં રહેલ પેસ્ટિસાઇડ્સની માત્રા. મનુષ્યની જેમ ફળો અને શાકભાજી પણ રોગગ્રસ્ત થઈ શકે છે. બેક્ટેરિયા, ફંગસ, જીવાત વગેરે ફળોના વૃક્ષને નાશ કરી શકે છે. ફળ પાક્યા પછી પણ તેમાં ઇન્ફેક્શન થઈ શકે છે. જેને સાચવવા માટે અમુક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ તમારા સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે તેના વિશે આજે અમે તમને જણાવીશું
 
પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશી નુકસાન કરી શકે
 
ફળોના વૃક્ષને સાચવવા માટે જમીનમાં અને અમુકવાર વૃક્ષ પર દવા છાંટવામાં આવે છે. આ દવાઓ જમીનમાંથી ફળમાં પ્રવેશી શકે છે અને ફળની ઉપર પણ ચોંટી શકે છે. આવાં ફળ આરોગવાથી પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશી નુકસાન કરી શકે છે. અલબત્ત, આવી આડઅસરો નિવારવા માટે સાવચેતીનાં અનેક પગલાં લેવામાં આવે છે. સૌ પ્રથમ કૃષિ ઉત્પાદક સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી દવાઓનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરે છે. સરકારી ધારાધોરણો અને વિશ્વ આરોગ્ય સંસ્થાના નિયમો ઘડાયેલા છે એ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. પર્યાવરણ અને ખાદ્ય વિભાગ દ્વારા અવારનવાર પરીક્ષણો કરાવીને ઉપભોક્તાને નુકસાન ન થાય તે દરકાર સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવતી હોય છે. આ બધા નિયમો અને દરકાર છતાંય અનેક ફળો અને શાકભાજીમાં પેસ્ટિસાઇડ્સની માત્રા મર્યાદા કરતાં વધારે જોવા મળે છે.
 
પેસ્ટિસાઇડ્સની આડઅસરો:
 
દુનિયાના વિભિન્ન પ્રદેશોમાં ફળો અને શાકભાજીને સાચવવા માટે વિભિન્ન પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકામાં ઉપયોગમાં લેવાતી પેસ્ટિસાઇડ્સમાં મુખ્યત્વે એટ્રાઝિન, માલાથીઓન અને કાર્બબેન્ડાઝિમ છે. અમુક કેમિકલ્સ એકવાર ઉપયોગમાં લીધાં પછી વર્ષો સુધી પાણી કે જમીનમાં રહી શકતાં હોય છે. તે જ પ્રમાણે શરીરમાં પણ તેઓ ખૂબ લાંબા સમય સુધી રહી શકતાં હોય છે. અનેક અભ્યાસ પ્રમાણે સૌથી વધારે લાંબા સમય સુધી રહેનાર અને નુકસાનકારક બાર કેમિકલ્સમાંથી 9 પેસ્ટિસાઇડ્સ છે. બીજી તકલીફની વાત એ છે કે આ બધા જ કેમિકલ્સનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. વિકસિત દેશોમાં કૃષિ ઉત્પાદકોએ તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલાં ફળ અને શાકભાજીમાં નુકસાનકારક કેમિકલ્સ નથી એવું સર્ટિફિકેટ આપવું જરૂરી હોય છે.
 
મર્યાદાની બહાર કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સ શરીરમાં વધારે માત્રામાં અને લાંબા સમય સુધી શરીરમાં રહેવાથી ચેતાતંત્રની અનેક તકલીફો થવાની સંભાવના વધી જાય છે. આ શક્યતાઓમાં ડિપ્રેશન, ડિમેન્શિયા અને પાર્કિન્સોનિઝમ મુખ્યત્વે છે. પેસ્ટિસાઇડ્સના કારણે અંત:સ્ત્રાવી ગ્રંથીઓના કાર્યમાં વિક્ષેપ થઈ શકે છે. પેસ્ટિસાઇડ્સની સૌથી વધારે આડઅસરો પુરુષોના પ્રજનનતંત્ર પર થઈ શકે છે. પેસ્ટિસાઇડ્સના વધારે પ્રમાણને કારણે વીર્યની અને શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થાય છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઈપણ પ્રદેશની પર્યાવરણની સ્વચ્છતાનો માપદંડ ત્યાં વસતા પુરુષોના શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાથી આંકી શકાય છે. વધારે માત્રામાં પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ્સના કારણે ડાયાબિટીસ થવાની શક્યતામાં વધારો થાય છે. પેસ્ટિસાઇડ્સ વધારે માત્રામાં શરીરમાં દાખલ થવાથી કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. લ્યુકેમિયા, લિમ્ફોમા, બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર અને ફેફસાંના કેન્સર ધરાવતી વ્યક્તિઓમાં પેસ્ટિસાઇડ્સની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળે છે.
 
સાવચેતીના પગલાં:
 
પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ્સ જમીન, પાણી, હવા અને ખાદ્ય પદાર્થોમાં મોજુદ હોય  છે. તેમનાથી બચવા માટે સુદૃઢપણે ચિંતન અને આયોજન કરવું જરૂરી છે.
 
સૌ પ્રથમ તો ફળો અને શાકભાજીના ઉત્પાદકોએ પ્રામાણિકપણે નિયમોને આધીન રહીને જ કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે આ વિષયમાં વધારે ચોખવટ અને દરકાર લેવી જરૂરી બને છે. લેબોરેટરીમાં ચકાસણી દ્વારા હાનિકારક માત્રામાં આવા પદાર્થો લોકોના શરીરમાં પ્રવેશતા અટકાવવા જોઈએ. લોકોએ ફળ અને શાકભાજી ખરીદતા પહેલાં તે ક્યાંથી આવે છે તે જાણવું જરૂરી છે. મોટાભાગે આ માહિતી મેળવવી અશક્ય હોય છે. દુકાનવાળા અને શાકભાજી વેચનારાઓની વિશ્વસનિયતા પર આધાર રાખી આ નિર્ણય લેવો જોઈએ. ઓર્ગેનિક ખેતી કરતા લોકો નુકસાનકારક કેમિકલ્સનો ઉપયોગ કરતાં નથી. ઓર્ગેનિક રીતે ઉત્પાદન કરવામાં આવેલાં ફળ અને શાકભાજી કદાચ હાનિકારક કેમિકલમુક્ત હોઈ શકે. સૌથી અગત્યનું પગલું એ છે કે ઉપયોગ કરતાં પહેલાં ફળ હોય કે શાકભાજી, તેને સારી રીતે ધોઈ અને સ્વચ્છ કપડાથી લૂછી લેવા જોઈએ.
 
ઘણા લોકો લીંબુનાં પાણી અથવા વિનેગરથી સાફ કરીને ફળો લેવાની સલાહ આપતા હોય છે. બહારની છાલ કાઢીને ફળો લેવાં સલાહભર્યા છે. વ્યક્તિગત સાવચેતીનાં પગલાં મોટાભાગે હાનિકારક કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સ શરીરમાં પ્રવેશતાં રોકી શકે છે. ફળો સ્વાદિષ્ટ, સુંદર અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. અમર્યાદિત માત્રામાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. સામૂહિક અને વ્યક્તિગત સાવચેતી દ્વારા આ નુકસાન અટકાવી શકાય છે.