Gujarat

બધાં વ્રત અને વિધિવિધાન કેમ સ્ત્રીઓએ જ કરવાનાં?

શા માટે કરવાચૌથ જેવાં વ્રત પુરુષો માટે નથી બન્યા? શું તેઓ નથી ઇચ્છતા કે તેમની પત્ની સો વર્ષ સુધી જીવે?

કુંવારિકાઓનું ગૌરીવ્રત અને જયા પાર્વતી, લગ્ન પછી દિવાસો અને વટસાવિત્રી પૂનમનું વ્રત આ બધાં વ્રત આપણા ગુજરાતી સમાજમાં પ્રચલિત છે. ગૌરીવ્રત કુંવારિકાઓ સારો પતિ મળે એ માટે કરે છે; જ્યારે દિવાસો, જયાપાર્વતી, વટસાવિત્રી પૂનમ જેવાં વ્રત સ્ત્રી લગ્ન પછી કરે છે. શા માટે? પતિ પરમેfવરના ર્દીઘાયુ માટે. પંજાબીઓમાં પણ કરવાચૌથનું આવું વ્રત પ્રચલિત છે જે મહિલાઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે કરતી હોય છે. આવાં વ્રત કરવાથી ખરેખર પતિનું આયુષ્ય વધે છે કે નહીં એ વળી બીજો જ પ્રશ્ન છે. બાકી યુવાન વયે વિધવા થતી સ્ત્રીએ પણ આવું વ્રત તો કર્યું જ હોય છે. ખેર, અહીં અમારે આ પ્રશ્ન વિશે ચર્ચા નથી કરવી. અમારો પ્રશ્ન તો છે - શા માટે સ્ત્રીઓ જ આવાં વ્રત કરે?

દિવાસા વ્રત વિશે

દિવાસા વિશે માહિતી આપવાનો હેતુ. આ કેટલું કઠિન વ્રત છે છતાં સ્ત્રીઓ બિચારી પોતાના પતિના ર્દીઘાયુ માટે હોંશે-હોંશે કરે છે. અષાઢ વદ અમાસનો દિવસ એટલે દિવાસો. આ દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ, પૂજા કરીને તૈયાર થઈને સ્ત્રી દેવદર્શન કરીને સગાં-વહાલાં, વડીલોના આર્શીવાદ લેવા તેમના ઘરે જાય છે. તેણે સવારથી કંઈ જ ખાવાનું નથી. ચા-દૂધ લઈ શકાય. બપોરના સમયે વામકુક્ષિ કરવાની નથી. આખો દિવસ બધાને ઘેર જઈને થાકીને આવીને સાંજના સમયે મીઠા વગરનું ફરાળ એટલે મીઠાઈ કે ફ્રૂટ્સ લઈ શકાય. પછી આખી રાત જાગરણ કરવાનું. બીજો આખો દિવસ પણ જાગવાનું. બીજે દિવસે રાત્રે સાત વાગ્યા પછી સૂઈ શકાય. આ વ્રત લગ્ન પછીનાં પાંચ વર્ષ કરવાનું રહેતું, પણ હવે બહેનો એક જ વર્ષમાં આ વ્રતનું ઉજવણું કરી લે છે. પતિ પરમેfવરના ર્દીઘાયુ માટે થતાં બધાં જ વ્રત આવાં કઠિન હોય છે.

વિધિવિધાનનો શું અર્થ?

પ્લીઝ, ક્યારેય પૂર્ણ ન થતાં આવાં વિધિવિધાનોમાં વગર વિચાર્યે કદી ભાગ લેતા નહીં. આવાં વ્રતો કે વિધિવિધાનોથી કોઈ જ અર્થ સરતો નથી. નીતિ મોદી એક ફૅશન-ડિઝાઇનર છે. તાજેતરમાં જ પરણી છે. નીતિ કહે છે, ‘પતિ સો વર્ષનો થાય એ માટે પત્નીએ વ્રત રાખવાં પડે એ મને તો બહુ જ અપમાનજનક લાગે છે. શા માટે કરવાચૌથ જેવાં વ્રત પુરુષો માટે નથી? શું તેઓ નથી ઇચ્છતા કે તેમની પત્ની સો વર્ષ સુધી જીવે?’

વ્રત-તપનું મહત્વ

આ બધાં વ્રત, વિધિવિધાન, રિવાજ ભાગ્યે જ પ્રૅક્ટિકલ હોય છે. તેથી જ નવા જમાનાની સ્ત્રીઓ એને સ્વીકારતી નથી. કંઈ વ્રત, તપ, જાપ, પૂજા, વિધિને કારણે લગ્નજીવન લાંબું ટકી રહેવાનું નથી કે નથી પતિની ઉંમર વધી જવાની. પતિ-પત્ની વચ્ચે માન-પ્રેમ હશે, એકમેકને સાચવી લેવાની વૃત્તિ હશે, પતિ માટે યોગ્ય આહારની વ્યવસ્થા એ જ રીતે પતિ તરફથી પત્નીની કાળજી રાખવામાં આવશે તો ફક્ત પતિનું જ નહીં; પત્નીનું પણ આયુષ્ય વધશે.

રિવાજોનું દબાણ

સુનીતિ શર્મા એક ઍડ્ એજન્સીમાં કાર્યરત છે. તે કહે છે, ‘મારાં સાસરિયાં ગામમાં રહે છે. જ્યારે કોઈ વ્રત કે તપ કરવાનું હોય ત્યારે ગામમાંથી ફોન કરીને કહે છે કે જો કાલે વ્રત છે; ભૂલી જતી નહીં. બરાબર કરજે. કામ પર જાય ત્યાં ભૂલેચૂકે કંઈ ખાઈ-પી લેતી નહીં, તારી પાણીની બૉટલ પણ તારી સાથે જ લઈ જજે. બહારનું તો પાણીયે પીવાય નહીં, ઠંડાં પીણાં પણ નહીં. તેમને તો બધું બોલવું છે, તેમને થોડી ખબર છે કે અહીં હું મારી ગૃહસ્થી અને મારા કામ વચ્ચે સમતુલા જાળવતાં કેટલી થાકી જાઉં છું. એમાં ભૂખી-તરસી રહીને તો મરી જ જાઉંને? તે લોકો એમ ઇચ્છે છે કે તેઓ પેઢીઓથી જે કરતા આવ્યા છે એ હું પણ કરું. પણ સમય બદલાયો છે એ વિશે તેઓ કેમ નહીં વિચારતા હોય?’

પતિ પણ વ્રત કરે

આજકાલ હિન્દી ફિલ્મો કે ટીવીસિરિયલ્સમાં એવું બતાવે છે કે પતિ પણ પત્ની સાથે ઉપવાસ કરે છે. જોકે રિયલ લાઇફમાં આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. જોકે નવી પેઢીનો તાજેતરમાં જ પરણેલો અજય શર્મા કહે છે, ‘આમ તો કરવાચૌથ હોય કે નવરાત્રિ ઉપવાસ એ મારી પત્ની જ કરે છે, પણ ક્યારેક તે મને આગ્રહ કરે છે કે હું પણ ઉપવાસ કરું. તેથી તેને ખુશ કરવા હું પણ ઉપવાસ કરી લઉં છું, કારણ કે હું તેને પ્રેમ કરું છું.’

બિટ્વિન ધ લાઇન્સનો અર્થ સમજાય છેને? ભણેલીગણેલી પત્નીનો આગ્રહ છે કે ભાઈ, હું એકલી જ શા માટે આ બધું કરું; તું પણ કરને. તેથી પત્નીને ઓબ્લાઇજ કરવા પતિમહાશય ઉપવાસ કરે છે, બાકી તેને કંઈ આ પસંદ નથી.

Releated News