તુર્કીમાં છે એવું અનોખું સ્થળ જ્યાં લાખો રૂપિયા આપીને લોકો રહે છે ગુફામાં!

23 Dec, 2014

કોમી રમખાણો આજકાલથી નથી થતાં પણ વર્ષોથી થાય છે, તુર્કીમાં પણ કોમી રમખાણો થયાં હતાં,  અહીં મુસ્લિમો અને ક્રિશ્ચિયનો વચ્ચે રમખાણો થયાં હતાં, જોકે ક્રિશ્ચિયનોએ આ રમખાણોથી બચવા માટે એક તરકીબ શોધી કાઢી હતી. તુર્કીમાં આવેલા કેપેડોસિયામાં ધ આર્ગોસ નામનું એક એવું સ્થળ આવેલું છે જ્યાં કોઇ છુપાય તો તેને શોધી કાઢવો મુશ્કેલ છે. રમખાણો સમયે મુસ્લિમોએ ખ્રિસ્તીઓ પર હુમલા કર્યા તે સમયે ખ્રિસ્તીઓએ આ હુમલાથી બચવા આ સ્થળનો સહારો લીધો હતો. અહીં હજારો એવી ગુફા  આવેલી છે કે જે ખ્રિસ્તીઓ માટે એક ઢાલ બની ગઈ હતી. અને હજારો ક્રિશ્ચિયન મુસ્લિમોના હુમલાથી બચી ગયા હતા.

હવે આ ગુફાઓને એક આધુનિક ઓપ આપવામાં આવ્યો છે અને અહીં હોટેલ બનાવાઈ છે. લોકો હવે લાખો રૂપિયા આપીને આ હોટેલની ગુફાઓને બુક કરે છે. એક ફાઇવસ્ટાર હોટેલનો અહેસાસ કરાવતી આ ગુફાઓનો ઇતિહાસ અનેરો છે. લોકો આજે પણ આ સ્થળનો ઉપયોગ ફોટોશૂટ માટે કરે છે. થોડા દિવસ પહેલાં કિંગફિશર દ્વારા બહાર પાડવામાં આવેલાં વર્ષ 2015નાં કેલેન્ડરમાં આ સ્થળને સ્થાન આપવામાં આવ્યું છે, આ કેલેન્ડર્સના અહીં કેટલાક ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે. તુર્કીમાં કેટલીક ગુફા એવી છે કે જેનું તાપમાન 4 ડિગ્રી સુધી જોવા મળે છે, જોકે આવું સામાન્ય રીતે કોઇ ચોક્કસ સિઝન દરમિયાન જ જોવા મળે છે.

તુર્કીના કેપેડોસિયામાં એક સમયે અન્ડરગ્રાઉન્ડ શહેર હતું, અહીં નાની નાની ગુફાઓમાં 20,000 લોકો રહેતાં હતાં જેમાં મોટાભાગનાં ક્રિશ્ચિયન હતાં. નવાઇની વાત તો એ છે કે અહીં અન્ડરગ્રાઉન્ડ ચર્ચ પણ બનાવવામાં આવ્યાં હતાં. આ ગુફાઓને આશરે ચાર કે પાંચમી સદીમાં બનાવવામાં આવી હોવાનો અંદાજ છે. હાલ પણ અહીં 9 કિ.મી.ની ટનલો આવેલી છે જે કેટલાંક શહેરોને જોડે છે જ્યારે ક્રિશ્ચિયન પર મુસ્લિમોએ હુમલો કર્યો ત્યારે આ સ્થળો તેમના માટે ઢાલ બન્યાં હતાં. આજે તુર્કીમાં મુસ્લિમોની સંખ્યા 90 ટકા જેટલી છે અને ક્રિશ્ચિયનની બહુ જ ઓછી. આ સ્થળનો એક ઇતિહાસ એ પણ છે કે અહીં ક્રિશ્ચિયન, યહૂદી તેમજ બૌદ્ધધર્મ પાળનારા પણ હતાં.