Gujarat

પરિવારે દાંડિયાનો કાર્યક્રમ રદ કરી વૃધ્ધાશ્રમના વૃધ્ધોને સામૈયા સાથે આવકાર્યા

લગ્નનો ખોટો ખર્ચ રોકી અનોખી સમાજ સેવાનું ઉદાહરણ
ભાઠા વૃધ્ધાશ્રમના ૮૦ વૃધ્ધોને ભોજન કરાવી કટલરીની કીટ સાથે વિદાયમાન પણ કન્યા પક્ષ

સુરતના પાલ વિસ્તારમા આવેલા એક પરિવારે લગ્નમાં થતાં ખોટા ખર્ચ રોકવા સાથે સમાજ સેવા કરી શકાય તેવું એક ઉદાહરણ પુરૃ પાડયું છે. લગ્નના આગલા દિવસે ડિસ્કો દાંડિયા કે ડી.જે.ના ખર્ચ પર કાપ મુકીને લગ્ન કરનાર કન્યાએ વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાની પુત્રીના આવા ઉમદા વિચાર જોઈ પરિવારે પણ તાત્કાલિક દાડિયાનો કાર્યક્રમ કેન્સલ કરીને વૃધ્ધાશ્રમમાં રહેતાં વૃધ્ધોને સામૈયા સાથે આવકારી તેમની સાથે સમય વિતાવ્યો હતો. પોતાના જ પરિવારના લોકો વૃધ્ધાશ્રમમાં છોડી ગયાં પણ પારકા પરિવારે તેમને લગ્નમાં ખાસ મહેમાન બનાવ્યા તે જોઈને અનેક વૃધ્ધોની આંખ ભીની થઈ ગઈ હતી.
સુરતના પાલ વિસ્તારમાં વેસ્ટન સોમચિંતામણીમાં રહેતા વિરવાડિયા પરિવારની પુત્રી રિધ્ધીના આવતીકાલે લગ્ન છે. લગ્નની આગલી રાતે અન્યની જેમ આ પરિવારમાં પણ દાંડિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ જેમના લગ્ન થઈ રહ્યાં છે તે રિધ્ધિએ દાંડિયાનો કાર્યક્રમ કેન્સલ કરીને વૃધ્ધાશ્રમમાં રહેતાં વૃધ્ધો સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. રિધ્ધિએ પોતાનો વિચાર પિતા ભરતભાઈ સમક્ષ રજુ કર્યો હતો. પુત્રીના આવા વિચાર જોઈને ભરતભાઈ અચંબામાં પડી ગયાં હતા. તેઓએ પણ દાંડિયાનો ખોટો ખર્ચ પર કાપ મુકીને પુત્રીની ઈચ્છા પ્રમાણે વૃધ્ધાશ્રમના વૃધ્ધોને આવકારવાનું નક્કી કર્યું હતું.
પાલ ખાતે આવેલા એક વૃધ્ધાશ્રમમાં ૮૦ જેટલા વૃધ્ધો રહે છે. આ વૃધ્ધોને તેમના પરિવારના સભ્યો એક યા બીજા કારણોથી વૃધ્ધાશ્રમમાં છોડી ગયાં છે. ઘણાં વૃધ્ધો એવા છે કે, જેમના પરિવારમાં શુભ પ્રસંગ હોય તો પણ તેઓ પોતાના ઘરે જતાં રીતસરના વલખા મારતાં હોય છે. પરંતુ પોતાને ઓળખતા ન હોય તેવા વિરવાડિયા પરિવાર તરફથી અચાનક મળેલા આમંત્રણના કારણે વૃધ્ધોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
પરિવાર દ્વારા બસ મોકલીને વૃધ્ધાશ્રમથી વૃધ્ધોને લાવવામાં આવ્યા હતા. વૃધ્ધો મંડપમાં આવે તે પહેલાં સામૈયા કરીને વૃધ્ધોને આવકારવમાં આવ્યા હતા. જેના લગ્ન છે તે રિધ્ધિ તેના પિતા ભરતભાઈ તથા અન્ય લોકોએ આ વૃધ્ધોને ભોજન કરાવ્યું હતું. આ સાથે પોતના સ્વજનને વિદાય આપે તેમ એક કટલરીની કીટ તથા કવર પણ આપવામાં આવ્યા હતા. એક અજાણ્યા પરિવારે તેમને પોતાના સ્વજન કરતાં પણ વધુ ભાવથી આવકારતાં અનેક વૃધ્ધોની આંખો ભીજાઈ ગઈ હતી.

Releated News