નવસારીના વિદ્યાર્થીની નેશનલ બ્રેવરી એવોર્ડ માટે પસંદગી

22 Dec, 2014

નવસારીમાં એક વર્ષ અગાઉ વિરાવળ પૂર્ણા નદીના પુલ ઉપરથી નદીમાં પડી ગયેલા ૪ માસનાં માસુમ બાળકને બચાવવા માટે ૩૦ ફૂટ ઉંચા પુલ પરથી નદીમાં છલાંગ મારનાર વિરાવળ ગામના ધો. ૧૨ના વિદ્યાર્થી હિરલ રાઠોડની ૨૬મી જાન્યુઆરીના રોજ ભારત સરકાર તરફથી આપવામાં આવતા નેશનલ બ્રેવરી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ નવસારીના વિરાવળ ગામે રહેતા શ્રમજીવી પરિવારનો હિરલ જીતુભાઇ રાઠોડ (ઉ.વ. ૧૭) કસ્બાપાર હાઇસ્કૂલમાં હાલ ધો. ૧૨માં અભ્યાસ કરે છે. ગત વર્ષે તા. ૮-૧-૧૩ના રોજ હિરલ સ્કૂલેથી ચાલતો પોતાના ઘરે આવી રહ્યો હતો તે સમયે વિરાવળ પૂર્ણાના પુલ ઉપર નવસારી તરોટા બજારમાં પીંકી એપાર્ટમેન્ટમાં રહેતા રાણા દંપતિનો ચાર માસનો માસુમ પુત્ર પૂજાપો નદીમાં પધરાવતી વખતે મનીષાબેનના હાથમાંથી અકસ્માતે નદીમાં પડી ગયો હતો. નદીનાં પડી ગયેલા માસુમને પાણીમાં તણાતો જોઇ હિરલ રાઠોડે ૩૦ ફૂટ ઉંચા પૂર્ણા નદીના પુલ ઉપરથી નદીમાં છલાંગ લગાવી ડૂબી રહેલા માસુમ બાળક ઉદ્ધવનો જીવ બચાવ્યો હતો. હિરલે બાળકનો જીવ બચાવતા જે ઘટનાસ્થળે હાજર લોકોએ હિરલની પીઠ થાબડી તેના અદમ્ય સાહસ માટે શાબાશી આપી હતી. હિરલના અદમ્ય સાહસ બદલ શાળા પરિવાર, વિરાવળ ગામના આગેવાનો, નવસારી સયાજી લાયબ્રેરી, જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી નગરપાલિકા દ્વારા હિરલનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી હિરલના સાહસની નોંધ લઇ પલસાણા સ્થિત મહિલા વિકાસ સંસ્થા દ્વારા તેના નામની રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ માટે સરકારમાં ભલામણ કરવામાં આવી હતી. જેથી ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ''નેશનલ બ્રેવરી'' એવોર્ડ માટે હિરલ રાઠોડની પસંદગી કરવામાં આવી છે અને આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વના દિવસે તેને એવોર્ડ આપવામાં આવશે.

Loading...

Loading...