Gujarat

સમોસાંની લારી ચલાવતા પિતાનો પુત્ર સીએ બન્યો

પોતાનાં બાળકોના અભ્યાસ અને કારકિર્દી માટે તન, મન અને ધન ખર્ચી નાંખનાર પરિવારો તમે જોયાં હશે. તેમના ભણતરમાં સહેજપણ ખલેલ ન પહોંચે કે તેમને કોઈ અસુવિધા ઊભી ન થાય તે માટે હાંફળાફાંફળાં રહેનારાં એવાં ઘણાં પરિવારોને તમે ઓળખતાં હશો.
પણ, અબ્દુલસમદ તે પૈકીનો એક નથી. ના તો તેમાંનો એક છે. મે મહિનામાં લેવાયેલી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા(આઈસીએઆઈ)ની સીએ ફાઈનલ પરીક્ષામાં તે પાસ થયો છે પણ તેની આ સિધ્ધિની પાછળ સંઘર્ષની એક એવી કારમી પીડા છે જે સુવિધાઓ સાથે ભણતાં કોઈપણ બાળકનાં માતા-પિતાને સહજ ઈર્ષા કરાવે તેવી છે. સમગ્ર ભારતમાંથી સીએની પરીક્ષા માટે બેઠેલાં ૭૭,૯૪૧ વિદ્યાર્થીઓમાંથી પાસ થયેલા ૧૨,૮૯૪માં અબ્દુલ સ્થાન ધરાવે છે અને તેની આ સિધ્ધિ પાછળ તેનો અથાક, સુવિધા વિનાનો કાંટાળો પુરુષાર્થ પડેલો છે.

શાહપુરમાં દસ બાય બારની ખોલી જેવું ઘર તેનો લીવીંગ રૂમ, બેડરૂમ અને સ્ટડી રૂમ છે. ઘરમાં પથારીવશ માતા હમીદાબાનુ છે અને ઘરેલુ કામની તમામ જવાબદારી તેના માથે છે. દિવસે માતાની સેવા અને રાતે પિતા અબ્દુલ કાદિરની સમોસાંની લારી પર સર્વિસ!

અબ્દુલ માટે સીએની પરીક્ષા પાસ કરવી સહેલી નહોતી. ઘરની કપરી આર્થિક સ્થિતિને લીધે તેને એક વખત તો સીએનો અભ્યાસ પણ બંધ કરવો પડ્યો હતો. સાત ધોરણ સુધી મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં અને તે પછી બારમા સુધી ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલો અબ્દુલ કોઈપણ પણ પ્રકારના કોચિંગ ક્લાસીસમાં ગયા વિના મે ૨૦૧૫માં લેવાયેલી સીએની ફાઈનલ એક્ઝામમાં પહેલા ટ્રાયલે ૨૧૨ માર્કસ સાથે પાસ થયો છે. કોચિંગ કે ટ્યુશન વિના જેમાં કોઈ પાસ થતું નથી તે પરીક્ષામાં ગુજરાતી માધ્યમનો છોકરો આ રીતે પાસ થાય તે ચમત્કારથી વિશેષ કંઈ નથી. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે તેને ઘરમાં વાંચવા માટે પણ સમય જોવો પડતો અને ઘણી વખત દરિયાપુરની મસ્જિદમાં વહેલી સવારે જઈને એક બલ્બના પ્રકાશમાં વાંચવું પડતું.

અબ્દુલ કહે છે,'કોઇ પણ મુશ્કેલીમાં મેં અલ્લા પરનો વિશ્વાસ નથી ગુમાવ્યો, અને મહેનત ચાલુ રાખી છે. મારા ઘરનાં કામને પ્રાથમિકતા આપીને જ્યારે પણ સમય મળ્યો ત્યારે મેં સીએની પરીક્ષાનો અભ્યાસ કર્યો છે. પિતાજીની સમોસાની લારી પર આજે પણ કામ કરું છું.'

અબ્દુલનાં મમ્મીને કરોડરજ્જુની તકલીફ છે, વાની સમસ્યા છે અને તેઓ ઘણાં વખતથી પથારીવશ છે. ૨૦૧૨માં તેના પિતાના એક જ દિવસે ત્રણ ઓપરેશન્સ થયાં હતાં. એના બે જ મહિના પછી મમ્મીને એટેક આવ્યો હતો. ઘરની કપરી આર્થિક સ્થિતિ અને માતા પિતાની બીમારીના કારણે સર્જાતી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં પણ અબ્દુલે ભણવા પ્રત્યે જોકે, કોઈ અણગમો કે અલગાવ રાખ્યાં નથી. બારમું પાસ કર્યા પછી બીકોમ અને તે પછી સીએનું ભણવાનું શરૂ કર્યું અને તે પાસ કરીને જ પૂરું કર્યું. જે સીએની પરીક્ષામાં કોચિંગ અને ટ્યુશન હોવા છતાં પાસ થવામાં લોઢાના ચણા ચાવવા પડે છે તેમાં તેણે ગજબ કરી બતાવ્યો છે.

અભ્યાસ વિશે અબ્દુલ કહે છે, ફાઇનલમાં હતો ત્યારે બે કલાક સવારે વાંચતો, પછી બપોરે ચાર કલાક મસ્જિદમાં જઇને વાંચતો. રાત્રે બધાં સૂઇ જાય પછી એક કલાક રીવીઝન કરતો. કારણ કે, ઘરમાં ઓછી જગ્યા અને મમ્મી પપ્પાની બીમારીના કારણે ઘરમાં નહોતો વાંચી શકતો અને જવાબદારી પણ રહેતી.'

૧૬મી જુલાઈએ તેના એક દોસ્તે તેને ફોન કરીને 'માશાલ્લા' કહ્યું અને તે સમજી ગયો.

અબ્દુલસમદ અબ્દુલકાદર પાસ સીએની એક્ઝામમાં ફુલ્લી પાસ થઈ ગયો હતો. જે દિવસે તેને રિઝલ્ટના સમાચાર મળ્યા તે દિવસે પણ તે વહેલો ઉઠ્યો હતો. પથારીવશ મમ્મીની સેવા કરી હતી. અને રાતે પાછો પપ્પાની સમોસાંની લારી પર કામ કરવા ગયો હતો. અબ્દુલ જોબ મળે તેની રાહ જોઈ રહ્યો છે. ત્યાં સુધી તો સમોસાંની લારી પર અબ્દુલસમદ અબ્દુલકાદિર, સીએ. કામ કરવાના જ છે.

Releated News