રાજકોટ પોલીસે શરૂ કરી દેશની પહેલી ફ્રી ડ્રાઇવિંગ સ્કૂલ

08 Jul, 2015

 સૌથી પહેલી વાત તો એ કે પોલીસ-ડિપાર્ટમેન્ટ દ્વારા ક્યારેય કોઈ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવવામાં આવતી નથી અને બીજી વાત એ કે દેશમાં ક્યાંય ફ્રી ડ્રાઇવિંગ સ્કૂલ પણ ચાલતી નથી. આ બન્ને વાતમાં હવે રાજકોટ આગળ છે. રાજકોટ પોલીસે ગઈ કાલથી રાજકોટમાં ફ્રી ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરી છે, જેમાં રાજકોટના યંગસ્ટર્સને ફ્રી કાર ડ્રાઇવિંગ શીખવવામાં આવશે. રાજકોટના પોલીસ-કમિશનર મોહન ઝાના વિચાર પરથી શરૂ કરવામાં આવેલી આ સ્કૂલની અનાઉન્સમેન્ટ પછી ગઈ કાલે પહેલા જ દિવસે ૬૮ યંગસ્ટર્સે ડ્રાઇવિંગ શીખવા માટે ઍપ્લિકેશન કરી હતી. મોહન ઝાએ કહ્યું હતું કે ‘આ સ્કૂલનો એક જ નિયમ છે કે જેવું ડ્રાઇવિંગ શીખી જવાય કે તરત જ સ્ટુડન્ટે લાઇસન્સ કઢાવવાનું રહેશે. સિટીની દરેક વ્યક્તિ પાસે લાઇસન્સ હોય એવા હેતુથી આ સ્કૂલ શરૂ કરવામાં આવી છે.’

 
આમ તો આ ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા જ સ્ટુડન્ટના લાઇસન્સની અડધી પ્રોસેસ પૂરી કરી લેવામાં આવશે, પણ જો કોઈ પોતાની રીતે લાઇસન્સની પ્રોસેસ કરી લેવા માગતું હોય તો એ સ્ટુડન્ટે પંદર દિવસમાં તેણે કઢાવેલા લાઇસન્સની કૉપી સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.
 
રાજકોટની ૧૭ પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલે પોતાની ગાડી અને ટ્યુટર રાજકોટ પોલીસને આપ્યાં છે જે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે માત્ર રાજકોટ પોલીસ પાસેથી ફ્યુઅલના પૈસા લેશે. રાજકોટમાં સામાન્ય રીતે ડ્રાઇવિંગ શીખવવાની ફી ત્રણથી પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે. યંગસ્ટર્સ માટે આ ફી મોટી હોવાથી પણ તેઓ ડ્રાઇવિંગ શીખવાનું ટાળતા હોય છે.