Gujarat

ગર્વ કરો આ ગુજ્જુ ગર્લ પર

૧૪ ફેબ્રુઆરીએ પૂરી થયેલી નૅશનલ ગેમ્સમાં સ્વિમિંગમાં ઓપન કૅટેગરીના પાંચ રેકૉર્ડ બ્રેક કરી પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે કેરળમાં યોજાયેલા આખા રાષ્ટ્રીય રમતોત્સવની બેસ્ટ વુમન ઍથ્લીટનું ટાઇટલ મેળવનારી યંગ ગુજરાતી ગર્લ આકાંક્ષા વોરા હવે વર્લ્ડ ચૅમ્પિયનશિપની તૈયારી કરી રહી છે. બ્રીચ કૅન્ડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની આકાંક્ષાએ જે મેડલ્સ મેળવ્યા છે એ તેની ઉંમર કરતાં ત્રણ ગણા છે જેમાં ૩૦થી વધુ તો ગોલ્ડ મેડલ્સ છે. આજે તે સ્કૂલ્સ નૅશનલ ગેમ્સ માટે રાજકોટમાં છે. આ વખતે સ્કૂલ્સ નૅશનલ ગેમ્સ રાજકોટમાં યોજાઈ છે.

૧૭ વર્ષની મુંબઈ ગર્લ આકાંક્ષા વોરાએ સ્વિમિંગમાં એવું જબરું કાઠું કાઢ્યું કે હવે તેને મળેલા મેડલ્સની ગણતરી તેની પાસે કે તેના પરિવાર પાસે નથી. આકાંક્ષા ત્રણ વર્ષની હતી ત્યારે અમે તેને સ્વિમિંગ શીખવા મૂકી હતી એમ જણાવતાં આકાંક્ષાની મમ્મી નેહા કહે છે, ‘આકાંક્ષા ચાર વર્ષની હતી ત્યારે ળ્MCAની એક કૉમ્પિટિશનમાં તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો જે તેનો પહેલો મેડલ છે. આટલી નાની વયે તે મેડલ જીતીને આવી એથી અમને સારું લાગ્યું અને તેની પ્રૅક્ટિસ ચાલુ રાખી. ત્યારે તો અમે વિચાર્યું પણ નહોતું કે તે આટલું બધું કરશે.’આકાંક્ષાની મમ્મી નેહા હાઉસવાઇફ છે. ફાધર સમીર વોરા કેમિકલ એન્જિનિયર છે અને એક મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરે છે. 

વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી

વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટેની તૈયારીના ભાગરૂપે આકાંક્ષા અત્યારે રોજના ત્રણથી ચાર કલાક સ્વિમિંગની પ્રૅક્ટિસ કરી રહી છે. સવારે એકથી બે કલાક અને સાંજે બે ક્લાક તે પ્રૅક્ટિસ કરે છે. અત્યાર સુધી જુનિયર કૅટેગરીમાં કૉમ્પિટ કરવા છતાં આકાંક્ષાએ નૅશનલ ગેમ્સમાં ઓપન કૅટેગરીમાં પણ પાંચ ગોલ્ડ, એક સિલ્વર મેળવ્યા અને પાંચ રેકૉર્ડ તોડ્યા એ તેનું ગ્રેટ અચીવમેન્ટ છે. પોતાના આ એક્સ્પીરિયન્સની વાત કરતાં આકાંક્ષા કહે છે કે પહેલી વાર મારે મારાથી સિનિયર લોકો સાથે પર્ફોર્મ કરવાનું હતું, પણ અહીં મને તેમની પાસેથી ઘણુંબધું શીખવાની તક મળી.

આકાંક્ષા જ્યારે પણ કાંઈ અચીવ કરે છે ત્યારે બહુ પ્રાઉડ ફીલ કરે છે. તે કહે છે, ‘હું જીતું ત્યારે જીતની ખુશી મને એ રીતે લાગે છે કે મેં મારા બલબૂતા પર કાંઈ કર્યું છે અને એનું મને પ્રાઉડ ફીલ થાય છે. આ ફીલિંગ મને બીજે ક્યાંય નથી મળી!’

બિઝનેસ-વુમન બનવું છે

આકાંક્ષા સ્વિમિંગમાં જ નહીં, ભણવામાં પણ અવ્વલ છે. તે ર્ફોટમાં આવેલી કથીડ્રલ ઍન્ડ જૉન કૉનૉન સ્કૂલમાં ઇલેવન્થમાં ભણે છે. ટેન્થમાં તેણે ICSE ર્બોડમાં ૯૬ પર્સન્ટ મેળવ્યા હતા. તેને ભણવું પણ છે અને સ્વિમિંગ પણ કરવું છે. ઇકૉનૉમિક અને સાઇકોલૉજી તેના પ્રિય સબ્જેક્ટ છે. સ્વિમિંગમાં જ કરીઅર બનાવવા વિશે તો હજી તેણે વિચાર્યું નથી, પણ તેને બનવું છે બિઝનેસ-વુમન! 

સ્કૂલનો સર્પોટ


આકાંક્ષા અને તેના પેરન્ટ્સ આ સફળતા માટે તેની સ્કૂલનો અને તેના કોચ યોગેશ કાગથ્રાનો આભાર માનતાં થાકતાં નથી. તેમનું કહેવું છે કે સ્કૂલ્સ નૅશનલ ગેમ્સમાં પાર્ટ લેવા આકાંક્ષાએ જવાનું છે ત્યારે જ તેની ઍન્યુઅલ એક્ઝામ પણ છે, પરંતુ સ્કૂલે તેને પૂછી લીધું કે તે ત્યાં જઈને આવ્યા પછી એક્ઝામ આપવા માગે છે કે પહેલાં? અને એ રીતે તેના એક પેપરની ટેસ્ટ પહેલાં લેવાઈ ગઈ. કૉમ્પિટિશનમાં પાર્ટ લે ત્યારે સ્કૂલ તેને વહેલી બોલાવીને વહેલી છોડીને ટાઇમ આપે એટલું જ નહીં, તેને ન સમજાતું હોય એ ટીચરો અલગથી સમય આપીને શીખવે છે. નેહા કહે છે, ‘સ્કૂલના આ સર્પોટને કારણે જ આકાંક્ષા રમત પર ફોકસ કરી શકે છે અને બેય બાજુ સારું પર્ફોર્મ કરી શકે છે. સ્કૂલના ટીચર્સ જ નહીં, પ્રિન્સિપાલે પણ તેને બહુ સર્પોટ કર્યો છે.’

એ જ રીતે આકાંક્ષાના કોચ યોગેશ કાગથ્રાએ તેને શરૂઆતથી એક વાત ખાસ કહી હતી કે એક-બે મેડલ જીતીને કોઈ મતલબ નથી, યુ હૅવ ટુ બી હંગ્રી. આકાંક્ષા કહે છે, ‘મારા કોચ ટાઇમ-મૅનેજમેન્ટ કઈ રીતે કરવું એ મને શીખવે છે. એ જ રીતે મારા પેરન્ટ્સ પણ એ શીખવતા રહે છે.’

લગભગ ૧૪ વર્ષથી આકાંક્ષા સ્વિમિંગ માટે જ્યાં પણ જાય ત્યાં તેની મમ્મી તેની સાથે જાય છે. નેહા કહે છે કે એની તો હવે આદત પડી ગઈ છે. કોચિંગ, કૉસ્ચ્યુમ, રમત માટેનું ટ્રાવેલિંગ, રહેવા-ખાવા વગેરે સહિત ઘણો ખર્ચ પણ કરવો પડે છે; પણ તેમના માટે આકાંક્ષાથી વધીને કાંઈ નથી. 

હાર ભી મિલે!

જીતની આદત જેને પડી હોય તે હાર પચાવી ન શકે એવું સામાન્ય રીતે બને. ઇઝરાયલમાં વર્લ્ડ સ્કૂલ ચૅમ્પિયનશિપમાં તેણે પાર્ટિસિપેટ કર્યું હતું, પણ જીતી નહીં તો તે નર્વસ ન થઈ; કારણ કે પેરન્ટ્સે બચપણથી શીખવ્યું છે કે હાર-જીત એ છે પાર્ટ ઑફ લાઇફ! તેના પિતા સમીર હંમેશાં તેને એવું શીખવે છે કે હારે ત્યારે તારે સમજવાનું કે હજી વધુ મહેનત કરવાની છે!

અચીવમેન્ટ

૨૦૧૫માં ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ મીટર ફ્રી-સ્ટાઇલ તથા ૨૦૦ મીટર અને ૧૦૦ મીટર રિલે (ટીમ) સ્વિમિંગમાં પાંચ ગોલ્ડ મેડલ અને આ પાંચેયમાં રેકૉર્ડ બ્રેક કર્યો અને ૪૦૦ મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડ્લી સ્વિમિંગ જેમાં ચારેય સ્ટાઇલનું સ્વિમિંગ હોય છે એમાં સિલ્વર મેડલ મળ્યો.

૨૦૧૪માં ભોપાલમાં જુનિયર નૅશનલ્સમાં ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ મીટર ફ્રી-સ્ટાઇલ અને ૪૦૦ મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડ્લીમાં એમ ચાર ગોલ્ડ મેડલ, એક બ્રૉન્ઝ મેડલ મળ્યો છે. ૨૦૧૩માં હૈદરાબાદમાં જુનિયર નૅશનલ્સમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ મળ્યા.

૨૦૧૨માં ૭ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ તથા ૨૦૧૧માં ૮ ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. ૨૦૦૬થી ૨૦૧૧ સુધીમાં જે કાંઈ મેડલ્સ મળ્યા છે એની આકાંક્ષાએ કે તેના પેરન્ટ્સે પણ ગણતરી નથી કરી!

Releated News