નામનો અનોખો ઇતિહાસ ધરાવે છે ગુજરાતનું આ ગામ

08 Oct, 2015

ગુજરાતમાં એક ગામ એવું છે જેનું નામ માત્ર એક જ અક્ષરનું છે. જાણીને નવાઈ લાગશે, પણ ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આ ગામ આવેલું છે. આ ગામમાં એક હજાર કરતાં વધુ વસ્તી છે. સાવ અનોખા નામનો ઈતિહાસ પણ અનોખો છે. વળી આ નામના એક ગામમાંથી બે ગામ થયા છે.

ગામનું નામ 'પા' કેવી રીતે પડ્યું એની સાચી માહિતી ગામના વડીલો પાસેથી પ્રાપ્ત થઈ શકી. હાલ આ ગામના ૯૦ વર્ષના વડીલ અખુભાઈ કેસરીભાઈ સરવૈયા કહે છે કે, 'મહમંદ બેગડાએ જૂનાગઢ ઉપર વિજય પતાકા લહેરાવ્યા બાદ અમરેલી તરફ પ્રસ્થાન કર્યું ત્યારે અમરેલીના ગરાશિયા જેસાજી અને વેજાજીએ મહંમદ બેગડાના માણસ સુઝાતખાનને બહાદુરીપૂર્વક ભગાડી મૂક્યો હતો. આ જેસાજીએ 'જેસર' અને વેજાજીએ 'વેજલકોટ' ગામ વસાવ્યા હતા. પછીથી બંને ગામોની વહેંચણી કરતાં વેજાજીના ભાગે જેસર અને જેસાજીના ભાગે હાથસણી ગામ આવ્યા હતા. વેજાજીનાં ચાર સંતાનો હતાં. જેસરના ચાર ભાગ થતાં આ ચાર પૈકી મલકજીના ભાગમાં પા ભાગ આવ્યો. આથી લોક બોલીમાં આ ગામનું 'પા' નામ પડી ગયું.

ગામનાં મહિલા સરપંચ શાતુબા ભાવુભા સરવૈયા કહે છે કે, 'વેજાજીએ પોતાની જમીનને ચાર ભાગમાં વહંેચી હતી. જેમાં ૬ હજાર વીઘા જમીન મલકજીના ભાગમાં આવી હતી. એટલે કે વેજાજીની કુલ જમીનનો પા ભાગ અને ત્યાર બાદ આ વિસ્તાર પા ભાગથી ઓળખાતો થયો અને પછી અહીં ગામ વિકસ્યું જેનું નામ પણ 'પા' પડ્યું. અમારા વડીલોએ ગામનું જે નામ રાખ્યું છે તેનો આજની પેઢીને વિરોધ નથી. તેથી અમારા ગામનું નામ બદલાય તેવું કોઈ ઈચ્છતું નથી.

'પા' સમરસ ગામ છે
ગામમાં એકતા છે. તેથી જ ક્યારેય સ્થાનિક સ્વરાજની ચૂંટણી થતી નથી. લોકો એકમત થઈને સરપંચની નિમણૂક કરે છે. ગામમાં એક હજાર જેટલી વસ્તી છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, શૈક્ષણિક સ્તર વધવાને લીધે યુવાનો નજીકના શહેરમાં નોકરી ધંધા માટે જાય છે. ગામના મોટા ભાગની વસ્તી ક્ષત્રિયોની છે. ત્યાર બાદ પટેલ, કોળી, હરિજન જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામના મોટા ભાગના યુવાનો ભારતીય સૈન્યમાં છે. 

કેટલીક વાર સાઇન બોર્ડ ઉપર પા વાંચીને બહારથી આવનાર લોકોને નામ અધૂરું લાગે ત્યારે તેઓ સ્થાનિક લોકોને પૂછે છે, પરંતુ ગામના લોકો જવાબ આપે પછી તેમને વિશ્વાસ બેસે છે.

'પા' શબ્દની આગળ પાછળ ઉપસર્ગ
ગામની અંદર વસ્તી વધી રહી છે, તેમ ગામની આસપાસ નવા વિસ્તાર વિકાસ પામી રહ્યા છે. હાલ ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. જૂના પા અને નવા પા. જૂના પા એ ગામનો મુખ્ય ભાગ છે, જ્યારે નવા 'પા'માં કોળી અને પટેલ લોકો વસ્યા છે. તેથી ગામમાં જૂના પા અને નવા પા એમ બે ભાગ પડી ગયા છે.

'પા' ગામ સાવરકુંડલા અને જેસોર હાઈ-વે ઉપર આવેલું છે. મુખ્ય હાઈ-વેથી ગામ ૨ કિ.મી. દૂર આવેલું છે. ગામની અંદર ૧ થી ૮ ધોરણ સુધી ભણાવતી સ્કૂલ છે. વધુ અભ્યાસ માટે બાળકોને નજીકના શહેર જેસોર જવું પડે છે. તેથી બાળકોને વધુ અભ્યાસ કરવા માટે બે કિ.મી. ચાલવું પડે છે. આથી ગામના લોકો બસ સેવા શરૂ કરાવવા અવાર નવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી બસ સેવા શરૂ થઈ નથી.

'પા' ફિલ્મને ગામ સાથે જોડે છે
અભિનેતા અમિતાભ બચ્ચનની 'પા' ફિલ્મ આવ્યા બાદ બહારગામથી ગામની મુલાકાત માટે આવનાર લોકો પા ગામને ફિલ્મ સાથે જોડે છે. લોકો ગામના નામને લઈને તર્ક વિતર્ક કરતા હોય છે, પરંતુ અમે એમને જણાવીએ છીએ કે અમારું ગામ ૧૫૦ વર્ષ પહેલાં વસેલું છે. એ સમયે અમિતાભની 'પા' ફિલ્મ તો શું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પણ જન્મ નહોતો થયો.

'પા' ગામ પહેલાં ગારિયાધાર તાલુકામાં હતું, પણ હાલમાં નવા તાલુકા જેસરમાં તેને સમાવી લીધું છે. ભાવનગર જિલ્લાના સમરસ ગામમાં 'પા'નો સમાવેશ થાય છે. સરકારી દસ્તાવેજ તથા સરકારી વ્યવહારમાં પણ 'પા' નામનો ઉલ્લેખ કરવામાં આવે છે: એચ.આર. સુથાર જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગર

Loading...

Loading...