ગુજરાતના દરિયાકિનારે પ્રથમવાર કાચબાઓ પર સેટેલાઇટ ટેગ લગાવાશે

28 Mar, 2015

ગ્રીન ટર્ટલ ક્યાં ક્યાં સ્થળાંતર કરે છે તે જાણી શકાશે

ખોરાક માટે કાચબા પાકિસ્તાનની દરિયાઇ સીમામાં પ્રવેશી જતાં હોવાનો અંદાજ

ઓરિસ્સા, તામિલનાડુ બાદ ગુજરાતમાં પ્રયાસો

ભારતમાં ગુજરાતના દરિયાકિનારે ગ્રીન ટર્ટલ સૌથી વધુ આવે છે. આ ઉપરાંત રેડલી ઓલિવ કાચબાઓ પણ ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહ્યાં છે. માંગરોળ , ભાવનગર, કચ્છ સહિતના દરિયાકાંઠે ખાસ કરીને ગ્રીન ટર્ટલ ઇંડા મૂકવા આવે છે પણ પ્રદુષણ, રેતીની ચોરી , શિપિંગયાર્ડ , માઇનીંગ સહિતના જવાબદાર પરિબળોને કારણે કાચબાઓ પર જોખમ વધ્યું છે. જોકે, બીજી તરફ, રાજ્યના વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાચબાઓના સરંક્ષણને લઇને સક્રિય પ્રયાસો થઇ રહ્યાં છે. પ્રથમવાર ગુજરાતના દરિયાકાંઠે આવતાં કાચબાઓ ક્યાં ક્યાં સ્થળાંતર કરે છે તે જાણી શકાશે કેમ કે, કાચબાઓ પર સેટેલાઇટ ટેગ લગાવવાની તૈયારીઓ થઇ રહી છે.
વાઇલ્ડલાઇફ ઓફ ઇન્ડિયાએ એક દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપી છે. ગુજરાત સરકારની લીલી ઝંડી મળતાં ગુજરાત મરિન ક્નઝર્વેશન સોસાયટીની દેખરેખ હેઠળ આખોય પ્રોજેક્ટ હાથ ધરાશે. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના એડવાઇઝર અને બાયોલોજિસ્ટ ડૉ.બી.સી.ચૌધરીએ જણાવ્યું છેકે, ઓરિસ્સા અને તામિલનાડુમાં કાચબા પર સેટેલાઇટ ટેગ લગાડાયાં છે જેના આધારે દરિયાકાંઠે આવતાં કાચબાઓ ખોરાક માટે ક્યાં ક્યાં જાય છે તેનો અંદાજ લગાવી શકાય છે. ભારતમાં ગુજરાતના દરિયાકાંઠે સૌથી ગ્રીન ટર્ટલ આવે છે. કાચબાઓની પ્રજાતિ ઇંડા મૂકવા આવે છે ત્યાર બાદ ક્યાં કયાં જાય છે તે જાણવા માટે સેટેલાઇટ ટેગ લગાડવા એક દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલાઇ છે. હવે સરકાર મંજૂરી આપશે તો ગુજરાત મરિન કન્ઝર્વેશન સોસાયટીની દેખરેખ પ્રોજેક્ટ શરૃ કરાશે. કાચબાઓ માટે ઓસ્ટ્રેલિયા અથવા તો ન્યુઝિલેન્ડથી સેટેલાઇટ ટેગ ખરીદાશે.આખાયે પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં દસ ગ્રીન ટર્ટલ પર સેટેલાઇટ ટેગ લગાવવા વિચારણા કરાઇ છે. નિષ્ણાતોનો મત છે કે,ગુજરાતના દરિયાકાંઠે ઇંડા મૂકવા આવતાં કાચબાઓ ખોરાક માટે પાકિસ્તાનની દરિયાઇ સિમામાં પ્રવેશી જતાં હોવાનો અંદાજ છે. ખોરાક માટે કાચબાઓ દરિયામાં લાંબા અંતર સુધી જાય છે. કાચબાઓના સ્થળાંતરને લઇને ગ્રીન ટર્ટલ પર સેટેલાઇટ ટેગ લગાવાશે. પ્રથમ તબક્કામાં દસેક કાચબાઓ પર ટેગ લગાવવા વિચારણા કરાઇ છે. તામિલનાડુ, ઓરિસ્સા, આંદામાન નિકોબાર બાદ પ્રથમવાર ગુજરાતના દરિયાકાંઠે કાચબાઓ પર સેટેલાઇટ ટેગ લગાવવા વિચારણા કરાઇ છે.