Gujarat

૧૨ કિલો વજનનું અને ૨૧૩૮ ફુટ લંબાઈનું ગ્રીટિંગ કાર્ડ બન્યું જૂનાગઢમાં

અમેરિકાના ન્યુ જર્સીમાં ૩૧ જુલાઈથી ત્રણ દિવસ માટે યોજાનારા ‘ચલો ગુજરાત’ નામના વિશ્વ ગુજરાતી સંમેલનને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં રહેતા મધુસૂદન ભૂવાએ એક વિશિષ્ટ ગ્રીટિંગ કાર્ડ બનાવ્યું છે

જે આ સેમિનાર દરમ્યાન યોજાનારા એક્ઝિબિશનમાં રાખવામાં આવશે. બાર કિલો વજનના અને કુલ ૨૧૩૮ ફુટની લંબાઈ ધરાવતા આ કાર્ડની ખાસિયત એ છે કે એમાં ક્યાંય જૉઇન્ટ નથી. ત્રણસો ગ્રામ પેપર પર બનાવવામાં આવેલું આ કાર્ડ સળંગ પેપરમાંથી બનાવવામાં આવ્યું છે.

રોજ આઠ કલાકની એકધારી એક મહિનાની મહેનત પછી તૈયાર થયેલા આ કાર્ડમાં કુલ ૮૫૫૨ ફોલ્ડ છે. દર ત્રણ ઇંચે આવનારા ફોલ્ડમાં ગુજરાતી વડા પ્રધાનથી લઈને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીના તમામ મુખ્ય પ્રધાનો, કલાકારો, લોકસાહિત્યકારો, યાદગાર સાહિત્યિક કૃતિઓ, યાદગાર ગુજરાતી ફિલ્મો, ગુજરાતનાં હેરિટેજ બિલ્ડિંગો, ગુજરાતના તહેવારો, ગુજરાતનું નામ રોશન કરનારા ફિલ્મસ્ટારથી લઈને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફ સાથે ટૂંકી વિગતો દ્વારા આ જ કાર્ડમાં ગુજરાતની યાદગાર ૧૦૦૧ ઘટનાઓ પણ દર્શાવવામાં આવી છે.

ચાલીસ હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ કાર્ડ એક વખત ધ્યાનથી જોઈ લેવામાં આવે તો આખું ગુજરાત સમજી અને જાણી લેવાય એવો દાવો મધુસૂદન ભૂવાએ કર્યો હતો અને કહ્યું હતું કે ‘વૉટ્સઍપના જમાનામાં લોકોને ટૂંકું વાંચવાની આદત પડી ગઈ છે, જેને આ કાર્ડમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. નવી જનરેશન માટે આ કાર્ડ ગુજરાતના ઇતિહાસની સફર જેવું બની રહેશે.’

આ કાર્ડ આજે ઍર-કાર્ગોમાં અમદાવાદથી અમેરિકા રવાના થશે.

Source By : Gujarati Midday

Releated News