Gujarat

બાર-ગર્લના ચક્કરમાં ગુજરાતી યુવક ઘરથી રસ્તા પર

તે છોડીને જતી રહેતાં દારૂના નશામાં ઘર, પૈસા નોકરી સર્વસ્વ ગુમાવી દીધું : પાંચેક વર્ષથી  રેલવે-પ્લૅટફૉર્મ પર રહેતા જિતેન્દ્ર દવેના પગમાં ઉંદર કરડી જતાં પગ સડી ગયો છે

બાર-ગર્લના પ્રેમમાં આંધળો થઈને તેની પાછળ પૈસાનું પાણી કરી નાખીને બાદમાં દારૂની લતમાં પોતાનું રહ્યુંસહ્યું પણ ગુમાવી નાખે અને એ કારણે પોતાના ઘરથી છેક રેલવે-પ્લૅટફૉર્મ પર બીજાના ટુકડે જીવવાની નોબત આવી જાય એને કમનસીબી કહેવી કે પછી પોતાના પગ પર જ કુહાડી મારવી એમ કહેવું? આવું જ કંઈક થયું છે ડોમ્બિવલીમાં રહેતા ગુજરાતી સુશિક્ષિત યુવક જિતેન્દ્ર મધુસૂદન દવે સાથે.

ડોમ્બિવલી રેલવે-સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર છેલ્લા ત્રણ મહિનાથી પડી રહેલા ૩૬ વર્ષના જિતેન્દ્ર દવેના પગમાં ઉંદર કરડી ગયો છે અને તેને ડાયાબિટીઝ હોવાને કારણે જખમ સારો થવાને બદલે તેનો પગ સડી રહ્યો છે, પણ સારવાર કરવા માટે તેની પાસે ફૂટી કોડી નથી. તેને કોઈ મદદ કરે એની રાહમાં જિતેન્દ્ર આશા લગાવીને બેઠો છે.

મૂળ પાટણનો જિતેન્દ્ર તેની મમ્મી સાથે ડોમ્બિવલી (વેસ્ટ)માં ઠાકુરવાડીમાં આવેલી ઓમ સાઈ સદનમાં રહેતો હતો, પણ આજે સાવ એકલોઅટૂલો બ્રિજ પર દયનીય હાલતમાં પડ્યો છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે મારી જે કંઈ હાલત છે એ માટે હું પોતે જવાબદાર છું, પણ મારાથી ભૂલ થઈ છે એનો હું સ્વીકાર કરું છું. હવે હું સુધરવા માગું છું. બસ, એક વખત મને સુધરવાનો ચાન્સ મળે. જો  મારા પગનો ઇલાજ થઈ જાય તો હું ફરી મારા પગ પર ઊભો રહેવા માગું છું. મહેનત કરીને ફરીથી સ્વાભિમાન સાથે જીવવા માગું છું.’

મારી એક ભૂલે મારી જિંદગી બરબાદ કરી નાખી છે એમ જણાવતાં જિતેન્દ્રે કહ્યું હતું કે ‘દારૂની આદતે મને બરબાદ કરી નાખ્યો અને પછી બાર-ગર્લની સાથે લગ્ન કર્યા એ મારી ભૂલ થઈ ગઈ. મારી આ ભૂલોને કારણે મારાં મમ્મી મને છોડીને ગયાં. મારા આ પગલાને કારણે સગાંસંબંધીઓએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો, મારી નોકરી છૂટી ગઈ અને હું પૈસા વગર ભિખારી થઈ ગયો અને તે મને છોડીને જતી રહી. ઘરબાર છૂટી જતાં રેલવે-સ્ટેશન પર રહીને પોલીસને નાનાં-મોટાં કામોમાં મદદ કરતો હતો, પણ હવે પગમાં ઉંદર કરડી ગયો છે એટલે કંઈ જ કામ નથી કરી શકતો. આવતાં-જતાં કોઈ આપીને જાય તો એના પર દિવસ નીકળી જાય છે. મને મારી કરણી પર બહુ પસ્તાવો થઈ રહ્યો છે. બસ, મમ્મી અને ભગવાન મને માફ કરી દે.’

એક સમયે દાદરની રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાં કામ કરીને સારુંએવું કમાનાર જિતેન્દ્રના એક નજીકના સગાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘જિતેન્દ્ર તેની મમ્મી સાથે રહેતો હતો અને સારુંએવું કમાતો હતો, પણ ખબર નહીં તેને ક્યાંથી દારૂની આદત પડી અને તે બારમાં જવા લાગ્યો. ત્યાં એ કોઈ બંગાળી બાર-ગર્લની પાછળ ગાંડો થઈ ગયો હતો અને તેની પાછળ તે બધું ભૂલીને પૈસા ઉડાડવા માંડ્યો હતો અને પછી તેની સાથે લગ્ન કરીને તેને ઘરે લઈ આવ્યો. એ પછી તેની કમનસીબી શરૂ થઈ ગઈ.  તેનાં મમ્મી પણ તેને છોડીને જતાં રહ્યાં અને પછી તો પેલી બાર-ગર્લવાળીએ તેને બરબાદ કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં. વર્ષ સાથે રહ્યા બાદ પૈસા પૂરા થયા એટલે તે બીજા સાથે ભાગી ગઈ હતી અને ખાતાપીતા સારા બ્રાહ્મણ કુળનો છોકરો આવી દયનીય હાલતમાં સ્ટેશન પર પડ્યો છે એનું અમને ભારોભાર દુ:ખ છે. જો તે સુધરવા માગતો હોય તો એ સારી વાત છે.’

Releated News