રાજકોટમાં દેશનો પહેલો ડૉગી રિસોર્ટ

29 Aug, 2016

તમે ફ્રેશ થવા રિસૉર્ટમાં જાઓ છો, પણ તમારા ડૉગીનું શું? આ જ વિચાર સાથે રાજકોટમાં દેશનો પહેલો માત્ર ડૉગીઓ માટેનો રિસૉર્ટ શરૂ થઈ રહ્યો છે, જેમાં એક રિસૉર્ટમાં હોય એવી તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે
વેકેશનમાં આપણે તો રિસૉર્ટમાં જઈએ છીએ, પણ પાળેલા ડૉગીઓને વેકેશન પર જવું હોય તો શું કરવાનું? આપણે એકબીજાથી જેમ કંટાળીએ એવી જ રીતે જો ડૉગી આપણાથી કંટાળે તો શું કરવાનું? આ અને આવા બીજા સવાલોના જવાબની સામે રાજકોટમાં એક એકર વિસ્તારમાં પથરાયેલો દેશનો પહેલો ડૉગી રિસૉર્ટ ગુરુવારથી શરૂ કરવામાં આવી રહ્યો છે. ઓમ પેટ રિસૉર્ટ નામના આ રિસૉર્ટમાં અત્યારે ડૉગી અને કૅટને ગેસ્ટ બનાવવાનું શરૂ થશે, પણ ત્રણથી ચાર મહિનામાં ઘોડાથી માંડીને ગાય સુધ્ધાં વેકેશન માણવા માટે જઈ શકશે.

વેટરિનરી ડૉ. રાજેશ દલસાણિયા દ્વારા શરૂ કરવામાં આવેલા રિસૉર્ટમાં એ બધી સુવિધાઓ છે જે આપણા માટેના રિસૉર્ટમાં હોય છે. એમાં કૉટેજ જેવાં પાંજરાં બનાવવામાં આવ્યાં છે અને એમાં પણ લક્ઝરી, સુપર ડીલક્સ અને નૉર્મલ રૂમ જેવા ઑપ્શન્સ રાખ્યા છે. સ્વિમિંગ-પૂલ અને પ્લેસાઇડ એરિયાથી માંડીને રેઇન-શાવર અને એવુંબધું હશે. ફૂડની વ્યવસ્થા પણ રિસૉર્ટમાં જ રહેશે અને એ જ પ્રકારનાં પૅકેજ રહેશે જે પ્રકારનાં પૅકેજ નૉર્મલ રિસૉર્ટમાં હોય છે. બે રાત અને ત્રણ દિવસનું એ મિનિમમ પૅકેજ રહેશે અને આ સમયગાળામાં તમારા ડૉગી કે પછી પેટ ઍનિમલ માટેની તમારી જે કોઈ ઇન્સ્ટ્રક્શન હશે એ તમામ ફૉલો કરવામાં આવશે.

સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે તમારું પેટ ઍનિમલ રિસૉર્ટમાં હશે એ દરમ્યાન દિવસમાં મિનિમમ ત્રણ વખત એનું મેડિકલ ચેકઅપ પણ થશે અને રિસૉર્ટના સમય દરમ્યાનનો એનો ઇન્શ્યૉરન્સ પણ લેવામાં આવશે.