મુસ્લિમ ગામમાં બન્યું હિન્દુ મંદિર, મુસ્લિમ યુવાનોએ જ મંદિરનું નિર્માણ કર્યું

13 Mar, 2015

કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ એક મુસ્લિમ બહુમતિવાળા ગામમાં જોવા મળ્યું છે. મથુરા જિલ્લામાં આવેલા શાહર ગામમાં મુસ્લિમો દ્વારા એક હિન્દુ મંદિર બંધાયું છે. આ મંદિર બાંધવાની શરૂઆત આઠ મહિના પહેલા થઈ હતી. આજે એને ઘાર્મિક વિધિ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

વૈદિક સ્ત્રોતોના મંત્રોચાર દ્વારા આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સમાં યોજાયો હતો અને મંદિરમાં ભગવાન શિવ, અને હનુમાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

મુસ્લિમ યુવાન અજમલ શેખે કૌમી એખ્લાસનું ઉદાહરણ પૂરુ પાડતા મંદિરના નિર્માણ માટે ચાર લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો.  

મંદિર બાંધકામ સમિતિના ચેરમેન અજમલ શેખે જણાવ્યું કે ‘મંદિરના પૂજારીઓ અને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે અહીં અમે કેટલાક રૂમો પણ ટૂંક સમયમાં જ બનાવીશું.’ શેખે આ મંદિરના નિર્માણ માટે પોતાના ખીસ્સામાંથી ચાર લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.

શેખની આ કોમી એખલાસની અસર છેક રાજ્ય સરકાર સુધી પડી છે. ઉત્તરપ્રદેશના રાજકારણીઓ આ યુવાનોની પ્રશંસા કરી હતી અને જરૃર પડે તો સરકાર પણ આવા નેકમાં ભાગીદાર બનશે એવી ધરપત પણ આપી હતી.