...અને યુરોપીયન મંચ પર ગરબા રમાતા થઇ ગયા…

15 Jul, 2015

ભારત એટલે રંગો, ભારત એટલે ગરીબી કે ભારત એટલે ખેતરો અને ખેડૂતો. પોતાના મનમાં ભારતની આવી છાપ ઘરાવતી કોઇ વિદેશી વ્યક્તિ ભારતમાં આવે છે, અને ભારતમાં ગરીબીની સાથે દુનિયાના શ્રેષ્ઠ ધનાઢ્યો પણ છે, ખેતીની સાથે દેશ આઇટી ક્ષેત્રે પણ એટલો જ આગળ છે એવો અનુભવ કરે છે અને તે ભારતના પ્રેમમાં પડે છે. આ જ વાત યુરોપના સૌથી મોંઘા અને સૌથી વધુ વખાણાયેલા પ્રોડક્શન્સમાંના એક 'ભારતી'માં રજૂ કરવામાં આવી છે, જેમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાને સાંકળવામાં આવ્યા છે.

યુરોપના આ મ્યુઝિકલ પ્રોડક્શનમાં અમદાવાદના યુવા કલાકાર ચિંતન પંડ્યાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. તે એક સૂત્રધારની સાથે આખી કથાના મુખ્ય પાત્ર સિદ્ધાર્થની ભૂમિકા પણ ભજવે છે. આ શોમાં ૩૫ જેટલા કલાકારો અભિનય અને નૃત્ય કરે છે, તેની સાથે લાઇવ મ્યુઝિક છે. આ કાર્યક્રમમાં રેમો ડિસોઝા, સરોજ ખાન અને ગણેશ હેગડે જેવા કલાકારોએ કોરિયોગ્રાફી કરેલી છે. તેમજ ઇઝરાયલના શીરીલી દેશે અને ગશાશ દેશે આ પ્રોડક્શન તૈયાર કર્યું છે. આ એક ફ્રેન્ચ પ્રોડક્શન છે. જેમાં એક મૂળ ભારતીય પણ અમેરિકામાં જ જન્મેલા અને ઉછરેલા અને ક્યારેય ભારત નહિ આવેલા એન્જિનિયર સિદ્ધાર્થને ગંગા સફાઇ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવે છે, અને પછી દેશમાં આવીને તે ભારતી નામની યુવતીને મળે છે, જે તેને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવે છે.

એક સંયોગ એવો પણ છે કે, આજથી ત્રીસ વર્ષ પહેલાં એટલે કે, ૧૯૮૫માં ફ્રાન્સના જાણીતા ડિરેક્ટર પીટર બ્રુકના 'મહાભારત' શોમાં જાણીતાં કલાકાર મલ્લિકા સારાભાઇએ દ્રૌપદીની ભૂમિકા નીભાવી હતી અને હવે ફરી એક ફ્રેન્ચ પ્રોડક્શનમાં ચિંતન પંડ્યાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. 'ભારતી' એક એવો શો છે, જે છેલ્લા ૧૫ વર્ષથી સમગ્ર યુરોપમાં લોકપ્રિય થઇ રહ્યો છે. તેમાં ચિંતન પંડ્યાએ બે અઠવાડિયામાં ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ અને બેલ્જિયમમાં ૨૦ જેટલા શોઝ કર્યા. તેમના કૌશલ્યને ધ્યાનમાં રાખીને તેમને આ શોની બીજી સીઝન 'ભારતી-૨' માટે પણ મુખ્ય કલાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ શોમાં પોતાના અનુભવ વિશે ચિંતન કહે છે, 'આ પ્રકારના પ્રોડક્શનમાં કામ કરવાની પ્રક્રિયા અહીં કરેલા નાટકોથી સદંતર ઉલટી અને અલગ હતી. તેથી આ એક નવા પ્રકારનો અનુભવ હતો. તેમજ મેં નાટકો ઘણાં કર્યા છે, પણ હું કોઇ પ્રોફેશનલ સિંગર કે ડાન્સર નથી અને આ શોમાં મારે ડાન્સ પણ કરવાનો હતો, અને ડાયલોગ પણ સંગીતના તાલ સાથે બોલવાના હતા અને ઓછા રીહર્સલ્સ સાથે. પણ વીસમાંથી એવો એક પણ શો નહિ હોય જેમાં લોકોએ અમને સ્ટેન્ડિંગ ઓવેશન ના આપ્યું હોય.'

આ શોના યાદગાર કિસ્સાઓ વિશે વાત કરતાં ચિંતન કહે છે, 'આ શોમાં ભારતીયસંસ્કૃતિના અલગ અલગ પાસાઓ દર્શાવાયા છે, પણ ગુજરાતના કોઇ પાસા વિશે ખાસ કશું દર્શાવાયુ નથી. પણ સિદ્ધાર્થની ભારતી સાથે સગાઇ નક્કી થાય છે તે દૃશ્યમાં હું ખુશીના માહોલમાં ગરબા કરવા લાગ્યો, સાથી કલાકારોએ પણ મને સાથ આપ્યો. ઓડિયન્સને તેમાં એટલી મજા આવી કે, એ પછીના દરેક શોમાં ગરબા ફિક્સ થઇ ગયા. આમ, યુરોપીયન પ્રોડક્શનમાં ગરબા છવાઇ ગયા. '