માધવપુરમાં પથ્થરની પડતર ખાણમાં ૭ વર્ષમાં ૯ હજાર વૃક્ષોનું કર્યું વાવેતર

13 Jul, 2015

૮૮ વર્ષીય બ્રહ્મવેદાંતજીની અનેરી કામગીરી : દરિયાઇ ખારાશના વધતા પ્રમાણને અટકાવવા વરસાદના વેડફાઈ રહેલા પાણીને ખાણમાં સંગ્રહીને જળસંચય ઉત્કુષ્ટ ઉદાહરણ પુરૃપાડયું

પોરબંદરથી ૬૦ કિ.મી. દુર આવેલ કૃષ્ણભૂમિ માધવપુરમાં ધ્યાન અને યોગના માધ્યમથી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ૮૮ વર્ષની વયે પણ એક વૃદ્ધ દરરોજ કલાકો સુધી શ્રમયજ્ઞા કરવાની સાથોસાથ આ ઉંમરે પણ આધ્યાત્મિક સાહિત્યનુંસર્જન કરીને ઓશોના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા પુસ્તકો બહાર પાડે છે. તેમના દ્વારા છેલ્લા ૭ વર્ષની અંદર પથ્થરની પડતર ખાણમાં ૯ હજાર વૃક્ષો વાવવાની સાથોસાથ જળસંચયના કારણે દરિયાઇ ખારાશ અટકાવવાનો સફળ પ્રયોગ કર્યો છે.
૮૮ વર્ષી વયે યુવાનો કરતાં પણ વધુ સ્ફૂર્તિ
માધવપુરમાં વર્ષોથી ઓશો આશ્રમ તરીકે ઓળખાતી જગ્યાનું સંપૂર્ણ સંચાલન કરતા બ્રહ્મવેદાંતજીની ૮૮ વર્ષની ઉંમર છે, પરંતુ યુવાનો કરતા પણ વધુ સ્ફૂર્તિ ધરાવતા સ્વામીજી દરરો કલાકો સુધી શ્રમયજ્ઞા જાતે કરે છે. ઓશો રજનીશના વિચારોનો પ્રચાર, પ્રસાર અને ફેલાવો કરવાની સાથોસાથ યોગ અને ધ્યાન દ્વારા અનેરી ઉચ્ચ સિધ્ધિઓ હાંસલ કરનારા સ્વામી બ્રહ્મવેદાંતજી દરરોજ બે કલાકથી વધુ સમય આશ્રમમાં જુદા જુદા પ્રકારના શ્રમયજ્ઞા માટે ફાળવે છે. તેઓ આશ્રમની સફાઇ કરવાની સાથોસાથ પશુઓને સાચવવા સહિત કોઇપણ પ્રકારની કલાકૃતિનું નિર્માણ કરવા માટે પણ હોંશેહોંશે આયોજન કરે છે. પથ્થરની પડતર ખાણમાં નિર્જીવ પથ્થરોની અંદર ટાંકણા વડે પ્રાણ પુરીને અદ્ભુત મૂર્તિઓ સર્જવાની સાથોસાથ અવનવા ચિત્રો દોરવા, ગીત-સંગીતના માધ્યમથી અને ગાયનથી સૌને મંત્રમુગ્ધ કરવા જેવી અનેકવિધ પ્રવૃતિઓ ૮૮ વર્ષની ઉંમરે પણ તેઓ કરી રહ્યા છે તથા આધ્યાત્મિક સાહિત્યનું પણ સર્જન કરી રહ્યા છે.
માધવપર અને તેની આજુબાજુમાં પથ્થરની અનકે પડતર ખાણ આવેલી છે ત્યારે આ પ્રકારની એક ખાણ માધવપુરમાં ઓશો આશ્રમ વિસ્તારમાં પણ આવેલી છે અને આ ખાણને સાત વર્ષની અંદર સ્વામીજી અને તેમની સાથેા સાધકોએ નંદનવન બનાવી દીધા છે. જ્યારે માધવપુરના આ ઉજ્જડ વિસ્તારમાં સાત વર્ષ પહેલાં પથ્થરની ખાણ તદ્દન પડતર હતી એવા સમેય સ્વામીએ નવતર બીડુ ઝડપીને સમગ્ર વિસ્તારને લીલોતરીથી હરીયાળો કરી દેવા માટે ૨૫-૫૦ કે ૫૦૦, ૧૦૦૦ નહીં પરંતુ પુરા ૯૦૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ ૯૦૦૦ વૃક્ષો દ્વારા સમગ્ર ખાણને અત્યારે નંદનવનસમી બનાવી દેવામાં આવી છે જેનાથી પર્યાવરણ અને પ્રકૃતિનું સૌંદર્ય ચારે બાજુ ખીલી ઉઠેલું જણાઇ રહ્યું છે. ઉપરાંત ખાણની વચ્ચે 'ગોવર્ધન પર્વત' બનાવીને તેમાં પણ અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાલી મંદિર અને શિવ મંદિરો સહિત જુદા જુદા દેવી દેવતાઓના મંદિરો પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. જ્યાં અનેક ભક્તો અને સાધકો દર્શન માટે ઉમટે છે.
દરિયાઇ ખારાશને રોકવામાં મહત્વની સફળતા
માધવપુરમાં આવેલ પથ્થરની પડતર ખાણમાં જો જળસંચય કરવામાં આવે તો દરિયાઇ ખારાશને રોકવામાં સફળતા મળી શકે છે એ પ્રકારની વૈજ્ઞાાનિક સુઝથી તેમણે સાત વર્ષ પહેલાં વરસાદમાં વેડફાઇ જતાં પાણીને આ ખાણમાં સંગ્રહીને તેનો જળસંચય કરવાનો નવતર અભિગમ દાખવ્યો અને તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી સાધકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાઇ ગયા જેથી વરસાદી પાણી ક્યાંય વેડફાઇ જવાને બદલે સીધુ જ ખાણના અલગ-અલગ વિસ્તારોમાં જમા થવા લાગ્યું છે અને સાત વર્ષ પહેલાં આ વિસ્તારમાં જમીનમાં ખારાશનું પ્રમાણ ૮૦૦ થી ૧૨૦૦ ટીડીએસ હતું જે આજે ઘટીને ૬૦૦ જેટલું જ થઇ ગયું છે અને અમુક વિસ્તારોમાં તો ટીડીએસનું પ્રમાણ ૪૦૦થી પણ નીચે આવી જતાં પાણી પીવાલાયક બની ગયા છે. એટલું જ નહીં પરંતુ આજુબાજુની જમીનની ફળદ્રુપતા આ પ્રયત્નને કારણે વધી છે.
'ગોકુલ'માં ચાલતી વિવિધ પ્રવૃતિઓ
માધવપુરના આ ગોકુલ સ્થળે અનેક પ્રકારની સામાજીક, સેવાકીય, આધ્યાત્મિક પ્રવૃતિઓ સતત ધબકતી રાખવામાં આવે છે. હોમીયોપેથીક દવાખાનું, વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની સુવિધા, આંખના રોગના ચેકઅપ કેમ્પ, એક્યુપ્રેશર શિબીર ઉપરાંત માધવપુરમાં લાઇબ્રેરી, દરરોજ ૩૦૦ જેટલા લોકોને વિનામૂલ્યે ભોજન માટેનું અન્નક્ષેત્ર વગેરે અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.
પીએચ.ડી. અને સંશોધન માટે સંશોધકોની પણ અવરજવર
પોરબંદરના માધવુરમાં આવેલ ગોકુલ સ્થળેથી ૯૦૦ જેટલા વૃક્ષોમાં ૧૦૦થી વધુ જાતના વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે અને તેથી જ પક્ષીઓની સૃષ્ટિ વિશે સંશોધન કરવા માટે તેમજ તેમના વિશેની વિવિધ જાણકારી મેળવવા માટે અને પીએચડી માટે અનેક પક્ષીવિદો, પક્ષી વિશેની જાણકારી મેળવવા ઇચ્છતા સંશોધકો પણ અહીંયા આવે છે. અહીંયા અનેક પ્રકારની વનસ્પતિઓનો પણ ઉછેર કરવામાં આવ્યો છે તેથી તેના વિશે સંશોધન માટે પણ અનેક લોકો અહીંયા આવે છે.

Loading...

Loading...