હવે ફેસબુક અને વોટ્સએપનો એકસાથે ઉપયોગ કરી શકાશે

09 Apr, 2015

જો તમે પણ ફેસબુક અને વોટ્સએપ પર સક્રિય છો તો હવે તમે એક જ સમયે સહેલાઈથી આ બંન્ને જગ્યા પર એક જ એપથી સક્રિય રહી શકો છો.

ફેસબુકની આ એપ શરુ થવાથી ફેસબુકથી વોટ્સએપ પર પોસ્ટ, સ્ટેટ્સ અને લિંક મોકલી શકાશે. તેના માટે વોટ્સએપને ખોલવાની જરૂરિયાત રહેશે નહીં. હાલમાં જ ફેસબુકે પોતાની આ એન્ડ્રોઈડ એપનું ટેસ્ટિંગ શરુ કર્યું છે. ફેસબુકે વોટ્સએપને હસ્તગત કર્યાના લગભગ એક વર્ષ બાદ આ પગલું ભર્યું છે.

ફેસબુકની આ નવી એપમાં નવું ફીચર જોડવામાં આવશે, પોસ્ટની નીચે લાઈક, કમેન્ટ, શેરની સાથે હવે સેન્ડ ફીચર પણ જોડવામાં આવશે. જેના પર ક્લિક કરતા ફેસબુક પોસ્ટને વોટ્સએપ પર મોકલી શકાશે. ફેસબુક અત્યારે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેના હેઠળ આ કેટલાક યુઝર્સને ઉપયોગ કરવા માટે પુરુ પાડવામાં આવશે.