કોલેજ સ્ટુડન્ટસે દસક્રોઇના બાકરોલ ગામને દત્તક લઈ વાઈ-ફાઈ બનાવ્યું

14 Mar, 2015

વિદ્યાર્થીઓ આધુનિક ખેતી, ગૃહઉદ્યોગ, એજ્યુકેશન, સ્વાસ્થ્ય અને સ્વૈચ્છીક જાગૃતિવાળા આદર્શ ગામનું નિર્માણ કરશે

ભારત ગામડાનો બનેલો દેશ છે. દેશની ૭૦ ટકાથી વધુ વસ્તી ગામડામાં વસે છે. પરંતુ શહેરીકરણના કારણે ભારત દેશના ગામડાં તૂટી રહ્યા છે, તો ઘણા ગામો આજે પણ અલ્પ વિકસીત છે. આ ગામોની દશા અને દિશા બદલવા માટે દેશના સાંસદો દ્વારા ગામોને દત્તક લેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીઓ પણ આ માર્ગે નિકળી પડયા છે. ગુજરાત લો સોસાયટીની કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા દસક્રોઇ તાલુકાનું બાકરોલ ગામ દત્તક લેવામાં આવ્યું છે. આ દત્તક લીધેલા ગામમાં એજ્યુકેશન, હેલ્થ અને વ્યસન મુકિતના કેન્દ્ર ખોલવામાં આવશે. સાથે ગામમાં પાયાની તમામ સુવિધાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.
એચ.એ. કોલેજના પ્રિન્સિપાલ કહે છે કે ભારત દેશનો વિકાસ ગામડા પર રહેલો છે. દેશમાં આવેલા ગામડાં વિકસીત થયા નથી. કોલેજના સ્ટુડન્ટસ આ ગામને આ વર્ષે દત્તક લીધું છે. જેની શરૃઆતની કામગીરી તેમને આ ગામમાં દસ દિવસ રોકાઇને સાફ-સફાઇથી કરી હતી. ગામની અંદર ધોરણ નવ અને દસ શરૃ કરવા માટે સરકાર પાસેે માંગણી કરવામાં આવશે. આ દુનિયા સાથે કદમ મિલાવવા માટે આખા ગામમાં વાઈફાઈની સુવિધા પણ કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ માટે નવી પ્રેરણા છે.
સાથે વ્યસન મુકિત કેન્દ્ર, કમ્પ્યૂટર તાલીમ જેવી વિવિધ સુવિધા દ્વારા આ ગામને આદર્શ ગામ બનાવવા માટે બનતા તમામ પ્રયાસો કરાશે. હાલના સમયમાં સ્કૂલના કંપાઉન્ડની વોલ બનાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર હજી કેટલાક ગામડામાં ડેરી ઉદ્યોગનો વિકાસ થયો નથી આ ડેરી ઉદ્યોગને પણ મહત્વ આપવામાં આવશે.
કોલેજના સ્ટુડન્ટ સમીર યાદવ કહે છે કે, દેશના કેટલાક ગામડામાં પ્રાથમિક સુવિધા જોવા મળતી નથી. રોટી, કપડા, મકાન જેવી જરૃરીયાતોની સાથે સાથે એજ્યુકેશન, હેલ્થ, ગૃહઉદ્યોગ, આધુનિક ખેતી વગેરે સાથે એક નવા ગામનું નિર્માણ થઈ શકે છે. સ્ટુડન્ટ ભવ્યા પટેલ કહે છે કે ૨૧મી સદી એ નોલેજ અને ઈન્ફોર્મેશનનું હબ ગણવામાં આવે છે.  પરંતુ ગામડાની મહિલાઓમાં એજ્યુકેશનું સ્તર ખૂબ નીચું છે. તેથી દરેક ગામમાં ઘર કુટંબની જવાબદારી છે કે દિકરીને શિક્ષિત બનાવે.