દરેક ક્ષેત્રે નારીશક્તિનું સામર્થ્ય ઊજાગર કરવાની ગુજરાત સરકારની નેમ

09 Mar, 2015

ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮, માર્ચની ઉજવણીએ નારીશકિ્તના સામર્થ્યને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવાનું પ્રેરણાદાયી આહવાન કર્યું છે.

આનંદીબહેન પટેલે શિક્ષણ, આરોગ્ય, ઊદ્યોગ, કૃષિ-પશુપાલનના સર્વાંગી ક્ષેત્રે નારી સશકિતકરણના રાજ્ય શાસનના પ્રયાસોની સફળતાની વિશદ ભૂમિકા આપતાં નારીશકિ્તને આપેલો સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છેઃ-

"આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સૌ વડીલોને, નારી જગતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતમાં ધીરે ધીરે કરીને નારીશકિત પોતાનું યોગદાન ગુજરાતના વિકાસમાં આપી રહી છે. પછી એ ગ્રામ્ય નારી હોય, શિક્ષિત નારી હોય, ઓછું ભણેલી બહેનો હોય, કે પછી દૂર દૂરના આદિવાસી વિસ્તારોમાં કામ કરતી મહિલાઓ હોય, દરેક પોત-પોતાના ક્ષેત્રમાં રહીને અનેક પ્રકારના કામો કરીને ગુજરાતના વિકાસમાં સહયોગી બની છે જેનો મને ખૂબ જ આનંદ અને ગૌરવ છે.

સામાન્ય રીતે આજથી ૧પ વર્ષ પહેલાંની ગુજરાતની મહિલાઓની સ્થિતી, આરોગ્યની દૃષ્ટિએ ખૂબજ નબળી હતી. આપણને બધાને ખબર છે કે માત્ર પ૯ ટકા મહિલાઓ ભણેલી હતી. પરંતુ આપણી સરકારે ધીરે ધીરે કરીને અનેક નવી નવી યોજનાઓ બનાવીને બહેનોનું શિક્ષણ થાય, એકે એક દિકરી શાળામાં દાખલ થાય. આરોગ્યના ક્ષેત્રની અંદર માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઘટે એના માટે અનેકવિધ યોજનાઓ આંગણવાડીના માધ્યમ દ્વારા મહિલાઓ સુધી પહોંચાડી છે.

ગ્રામ્ય નારી ખાસ કરીને પશુપાલન કરે છે અને એ ઉપરાંત કૃષિ ક્ષેત્રની અંદર જોતરાયેલી રહેલી છે. જયારે પણ જુઓ ત્યારે આખો દિવસ આપણી બહેનો ખેતરોની અંદર કામ કરતી હોય છે. આવી મહિલાઓ માટે પણ અનેક યોજનાઓ આપણી સરકારે બનાવી છે. એનો લાભ ગુજરાતની નારી આજે લઇ રહી છે. ૧૦૮ની સેવા હોય કે, ૧૮૧ નંબરની સેવા હોય કે ૧૦૯૧ની સેવાઓ હોય મહિલાઓ ઉપર થતી કનડગત, કોઇ હુમલાઓ અથવા અન્ય પ્રકારના કેસોમાં તરત જ એનો સહયોગ લઇ શકે છે એનો ઉપયોગ કરીને પોતાની જાતને અથવા પોતાના કુટુંબને બચાવી શકે છે.

બહેનોની રોજગારીની ચિંતા પણ રાજ્ય સરકાર કરે છે

બહેનો ભણી ગણીને જયારે તૈયાર થઇ રહી છે ત્યારે એમની રોજગારીની ચિંતા પણ રાજય સરકાર કરે છે. અને એમના માટે પણ નવી યોજનાઓ બનાવીને તાલીમ પણ આપણે આપી રહયા છીએ. પછી એમાં ઓછું ભણેલી બહેનો પણ તાલીમ લઇ રહી છે. મૂક-બધિર બહેનો પણ તાલીમ લઇ રહી છે. વિકલાંગ બહેનો પણ તાલીમ લઇ રહી છે. આનાથી વધારે ખુશી તો મને એ છે કે આપણે રમત ગમત ક્ષેત્રમાં ખૂબ પાછળ હતા. બાળકો પણ શાળાએ જાય તો ખરા પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની રમતોમાં ભાગ નહોતા લેતા કારણકે એમની પાસે એ પ્રકારનું કૌશલ્ય નહોતું.

રાજ્ય સરકારના પ્રયાસો

રાજ્ય સરકારના પ્રયાસો થકી એમને સાધન સહાય આપવાની હોય કે એમને તાલીમ આપવાની હોય કે એમને ત્યાં રમતમાં જવા માટેનો ખર્ચ પૂરો પાડવાનો હોય આ તમામ કામ કરીને આજે ગુજરાતની નારી અથવા તો પુરૂષો, આપણાં બાળકો ખૂબ આગળ આવી રહયાં છે અને આ વખતે તો એમણે કમાલ કરી બતાવી છે કે દેશમાં નવમા સ્થાને ગુજરાત રમતગમતના ક્ષેત્રમાં રહયું છે.

ઉદ્યોગક્ષેત્રમાં પણ બહેનોનું પદાર્પણ
ઉદ્યોગક્ષેત્રમાં પણ બહેનો પદાર્પણ વર્ષોથી કરી રહી છે. અને એમાં એમની ભાગીદારી વધી રહી છે. અને એટલે તો આવતાં દિવસોમાં મહિલા જી.આઇ.ડી.સી. બને એના માટે આપણી સરકાર કાર્યરત બની છે. એમ.એસ.એમ.ઇ. નું ક્ષેત્ર હોય, સરકારી નોકરીના ક્ષેત્રમાં હોય પોલીસમાં કામ કરવાનું હોય, આર્મીમાં કામ કરવાનું હોય, અવકાશ ક્ષેત્રે કામ કરવાનું હોય જયાં એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. આપણી બહેનોએ કે જેમાં એમનું યોગદાન ન હોય.
 
ગુજરાતની નારી શકિત આગળ વધે
આજે જ્યારે વિશ્વ મહિલા દિન આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગુજરાતની નારી શકિત આગળ વધે. પોતામાં રહેલું કૌશલ્ય એ સમાજને કામ લાગે, પોતાનામાં રહેલી જે આવડત છે. એ સમાજને ઉપયોગી બને, બાળકોનું શિક્ષણ બાળકોના સંસ્કાર એ આપણા હાથમાં છે અને એટલા માટે આજના દિવસે આપણે બધાંજ સંકલ્પ કરીએ કે આપણું ઘર, આપણી શાળાઓ, આપણી આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખીએ એ સ્વચ્છ હશે તો આપણાં બાળકો અને માતાઓ તંદુરસ્ત અવશ્ય બનશે.
 
બાળકોનો ઉછેર
આજના દિવસે આ સંકલ્પ કરવાની આપણે સૌએ આવશ્યકતા છે. અને બાળકોને જયારે આપણે ઉછેરી રહ્યા છીએ, સંસ્કારીત કરી રહ્યા છીએ. શિક્ષણ આપી રહ્યા છીએ ત્યારે પણ આપણે આપણું બાળક એવું તૈયાર કરીએ કે જેથી કરીને એ જ્યારે મોટું બને ત્યારે એને કોઇપણ ખોટું કામ કરવાની આદત ન બને, વિચાર પણ ન આવે. આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ દેશના આઝાદી સમયે કરવાના કામો સમયે આવા અનેક મહા પુરુષોના જીવનની અંદર એમની માતાઓનું ઘડતર જ છે. માતાએ જ એમનું જે પ્રમાણે ઘડતર કર્યું છે એ જ પ્રમાણે એનો ઉછેર થતો હોય છે. અને આગળ જતાં એજ મહાન વિભૂતિઓ બનતી હોય છે.
 
ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનીએ
આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે સૌ સાથે મળીને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનીએ એજ શુભેચ્છાઓ.."