Gujarat

આવતીકાલે મહાશિવરાત્રિ ઃ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠશે

મહાશિવરાત્રી એટલે આરાધનાનું પર્વ. મંગળવારે મહાશિવરાત્રી છે ત્યારે શિવભક્તોમાં ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવમંદિરમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. શિવભક્તો માટે આ વર્ષમાં એક જ વખત આવનારો દિવસ હોવાથી તેઓ ભોળાનાથને રિઝવવા માટે યથાશક્તિ પ્રયાસ કરશે. મહાશિવરાત્રીના આ પર્વ નિમિતે શિવમંદિરોમાં વિશેષ પૂજન, રૃદ્રી, મહાશિવાનુષ્ઠાનના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આમ, મંગળવારે શિવમંદિરો 'બમ..બમ..ભોલે..'ના નાદથી ગૂંજી ઉઠશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આમ તો વર્ષમાં ૧૨ વખત શિવરાત્રી આવતી હોય છે. મહિનાના વદ પક્ષના બારમા તેરમા દિવસે શિવરાત્રી હોય છે. જોકે, મહા મહિનામાં જે શિવરાત્રી આવે છે તેનું અનેરું મહત્વ છે જેને આપણે મહાશિવરાત્રી તરીકે ઉજવીએ છીએ. મહા શિવરાત્રી એટલે મોટી શિવરાત્રી એવી પણ કેટલાક ભક્તોમાં માન્યતા હોય છે. પરંતુ આ વાસ્તવિક્તા એ છે કે આ શિવરાત્રી મહા મહિનામાં આવતી હોવાથી તેની મહા શિવરાત્રી તરીકે ઉજવણી કરવામાં આવે છે. અલબત્ત શાસ્ત્રોની દ્રષ્ટીએ મહાશિવરાત્રીનું મહત્વ વિશેષ હોવાથી તેને મોટી શિવરાત્રી કહી શકાય. એવો પણ મત છે કે મહાશિવરાત્રી એટલે શિશિર ઋતુ-શિયાળાની મોસમનો અંતિમ દિવસ. આ જ દિવસથી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતો હોય છે. મહાશિવરાત્રી બાદના દિવસો ગરમ રહેતા હોવાથી ભોળાનાથને ઠંડક થાય તે હેતુથી તેમને ઠંડી વસ્તુઓ જેમ કે ઘી, શેરડીનો રસ, દૂધ, દહીં, તરોફા, ભાંગ વિગેરેનો અભિષેક કરવામાં આવતો હોય છે. આ સાથે જ ઠારેલા ઘીના કમળ પણ ચઢાવવામાં આવે છે. શિવભક્તોમાં આ દિવસે ભાંગનો પ્રસાદ ગ્રહણ કરવાનો મહિમા છે.
અમદાવાદ સહિત રાજ્યભરના શિવમંદિરોમાં શિવરાત્રી નિમિતે મહારૃદ્રાભિષેક, લઘુ રૃદ્રીના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં કેટલાક સ્થાને શિવમહાપુરાણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વીના તમામ શિવલિંગોમાં રૃદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી જ મહાશિવરાત્રીએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રીએ શિવપૂજન કરવાથી દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાન્નિધ્યમાં હોય છે. આથી જ આ દિવસે મહારૃદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞાનું ફળ આપે છે.

મહારૃદ્રાનુષ્ઠાન ષોડશોપચાર સાથે રૃદ્રાભિષેક
સ્વામિનારાયણ ગુરૃકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે મહાશિવરાત્રી નિમિતે શૃંગેરી મઠના વિદ્વાન ભુદેવો, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૪૦ ઋષીકુમારો  દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મહાશિવાનુષ્ઠાન સાથે મહારૃદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરૃકુલના વિશાળ યજ્ઞામંડપમાં મહાશિવાનુષ્ઠાન સાથે પંચ દેવો-વિષ્ણુ, શિવ, ગણપતિ, સૂર્ય, પાર્વતીનું સ્તોત્રપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. વધુ પ્રશંસનીય વાત એ છે કે હાલ રાજ્યમાં સ્વાઇન ફ્લુ ભરડો લઇ રહ્યો છે ત્યારે તે રોગને કાબુમાં રાખવા માટે ખાસ શિવજી ભગવાનને પ્રાર્થના રૃપ અભિષેક કરવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રીના દિવસે મહારૃદ્ર યજ્ઞા સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે. અંતિમ દિવસે જવ, તલ, ગાયના ઘીથી ૨૨૪૯૪ મંત્રો દ્વારા આહુતિઓ આપવામાં આવશે.

૧૫૫૫૧ કિલો બરફના હવનકુંડમાં શિવલિંગના દર્શન
અમદાવાદ, રવિવાર
મહાશિવરાત્રી નિમિતે શિવભક્તો દ્વારા પૂજનના વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે. આવા જ એક વિશેષ પૂજનના ભાગરૃપે મંગળવારે ૯૦ ચોરસ ફુટમાં ૧૫૫૫૧ કિલોગ્રામ બરફના હવનકુંડમાં ૫૧ કિલોગ્રામ ભવ્ય શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુપર હાઇસ્કૂલ-અંબિકાનગર-ઓઢવ ખાતે બપોરે ૨ઃ૦૦થી રાત્રે ૯ઃ૦૦ દરમિયાન આ વિશેષ દર્શન યોજવામાં આવશે.

Releated News