Gujarat

અમદાવાદ રેલવે સ્ટેશને મોબાઇલ એપ દ્વારા પ્રિ-પેઇડ રિક્ષા બૂક કરાવી શકશે

અમદાવાદ આવતા ટ્રેન પ્રવાસી
૧૫ ઓગસ્ટ સુધીમાં રેલવે સ્ટેશન ખાતે પ્રિ પેઇડ રિક્ષા શરૃ કરવામાં આવે તેવાં ચક્રો


અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવતાની  સાથે જ મુસાફરોને અવારનવાર ભાડા મુદ્દે રિક્ષા ચાલકોની મનમાની સામનો કરવો પડતો હોય છે. અલબત્ત કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટૂંક સમયમાં પ્રી પેઇટ રિક્ષા સર્વિસ શરૃ કરવામાં આવશે, જેના લીધે મુસાફરોને રીક્ષાચાલકો સાથે ભાડા મુદ્દેની રકઝકની પળોજણમાંથી મુક્તિ મળશે.ં કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અગાઉ પણ અનેકવાર પ્રી પેઇડ રિક્ષા સર્વિસ શરૃ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે યોજના કોઇને કોઇ કારણસર આગળ વધી શકી નહોતી.
આ વિષે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રેલવેના અધિકારીઓની હાલ કેટલાક પ્રી પેઇડ રિક્ષા સર્વિસની કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે. બધું જ સમુંસૂતરું પાર પડયું તો ૧૫ ઓગસ્ટ સુધીમાં કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પ્રી પેઇડ ઓટો રિક્ષા સર્વિસ શરૃ થઇ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સર્વિસ શરૃ થયા બાદ મુસાફરો પોતાના સ્માર્ટ ફોન દ્વારા પણ પ્રી પેઇડ રિક્ષા બૂક કરાવી શકશે. પ્રી પેઇડ રિક્ષા માટેની મોબાઇલ એપ શરૃ કરવામાં આવશે. જેના દ્વારા મુસાફરને પોતાની મુસાફરીની વિગત મોબાઇલ એપ દ્વારા આપવાની રહેશે. આ વિગત આપ્યાને થોડી જ મિનિટોમાં મુસાફર ઉપર ડ્રાઇવરની માહિતી આપતો એસએમએસ આવી જશે. મુસાફર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા બાદ પોતાને આપવામાં આવેલા નંબર પર રિક્ષા ડ્રાઇવરનો સંપર્ક કરી શકે છે.
આ વિષે એક અધિકારીએ જણાવ્યું હતું કે 'કેટલાક રિક્ષાચાલક મુસાફર પાસે અવાર-નવાર વધારે પડતું ભાડું વસૂલતા હોવાની ફરિયાદ અમારી પાસે આવે છે. ૨૦૦૮માં પણ આ પ્રકારની સર્વિસ શરૃ કરવામાં આવી હતી પરંતુ તે સમયે ખાનગી રિક્ષા ચાલકોએ સમસ્યા સર્જતા તેને બંધ કરવી પડી હતી. પરંતુ આ વખતે આ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. કેમકે, આ વખતે સિટી પોલીસ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે મળીને કામગીરી હાથ ધરવાના છે. આ ઉપરાંત કોઇ ખાનગી રિક્ષા ચાલકને આ સર્વિસનો ભાગ બનવું હશે તો તેને માત્ર તે પ્રિ પેઇડ રિક્ષા કંપની સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે પણ રિક્ષા ચાલક પ્રિ પેઇડ કંપની સાથે રજીસ્ટર્ડ હશે તેની વિગત અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસને પણ આપવામાં આવશે.'
 

Releated News