શું તમારે સોનું,બંગલો,ગાડી સહિતના મોંઘાદાટ ઈનામો જીતવા છે તો જલદી કરો ક્લિક અને વાંચી લો માહિતી

15 Nov, 2014

રાજયની કલા અને સંસ્કૃતિ રાજધાની વડોદરાને વિશ્વના નકશા ઉપર નવી પહેચાન આપવા અને પર્યટકોને આકર્ષવા માટે દુબઈ અને સિંગાપોરની જેમ તા. ૧૫ ડિસેમ્બરથી ૨૬ મી જાન્યુઆરી સુધી વડોદરા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા લોકો માટે સોનંુ,આલિશાન ફલેટ,મોટર કાર, ટેલિવિઝન સહિતના આકર્ષક ઈનામો રાખવામાં આવ્યા છે.

વડફેસ્ટના શીર્ષક હેઠળ વડોદરામાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલા આ ઈવેન્ટમાં તમામ વર્ગના લોકો આ ફેસ્ટિવલ માણી શકે અને મોટી રકમના બંમ્પર ડ્રોમાં ભાગ લઈ શકે તે માટે શોપિંગની ઓછામાં ઓછી રકમ રૃ. ૫૦૦ રાખવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં નાનામાં નાના દુકાનદારથી લઈને મેગા શોપિંગ મોલ ભાગ લેશે.વડોદરા શોપિંગ ફેસ્ટિવલની રૃપરેખા આપતાં રાજ્યના ઊર્જા અને નાણાંમંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ સમયગાળામાં બિનનિવાસી ગુજરાતીઓ પોતાના વતનમાં આવે છે. આ સાથે લગ્નસરાની પણ ધૂમ ખરીદી થતી હોય છે. તેવા સમયે વેડફેસ્ટનું આયોજન કરાયું છે.ત્યારે આ શોપિંગ ફેસ્ટિવલ દેશ અને વિદેશના લોકો માટે શોપિંગ ડેસ્ટિનેશન બને તેવો આશય છે. ખરીદીને વેગ મળે તે માટે નાના મોટા તમામ વેપાર ઉદ્યોગોને લાભ મળે તેવી જોગવાઈ રાખી છે.ગ્રાહકો અને વેપારી બન્ને વર્ગ માટે સ્પોન્સર્સ દ્વારા ઈનામી લાભ મળશે.

વેડફેસ્ટ અમલીકરણ સમિતિના સદસ્ય અને વી.સી.સી.આઈ.ના અધ્યક્ષ નિલેશ શુકલએ ઉમેર્યુ હતું કે, વેડફેસ્ટ શહેરની તમામ શક્તિઓ અને સર્જનાત્મકતાને જોડશે અને વડોદરા શોપિંગ ફેસ્ટિવલથી વ્યાપાર ઉદ્યોગના કાયમી વિકાસને ઉત્તેજન મળશે. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરતભાઈ શાહ, મ્યુનિ.કમિશનર મનિષ ભારદ્વાજ અને અમીત ભટનાગર ઉપસ્થિત રહ્યાં હતા.

શોપિંગ ફેસ્ટિવલમાં દુકાનદારો- મોલનું રજીસ્ટ્રેશન ફરજિયાત
વડોદરા શોપિંગ ફેસ્ટિવલ માટે નાના મોટા તમામ દુકાનદારો,શો-રૃમ સંચાલકો, મોલના સંચાલકો ભાગ લઈ શકે છે. આ માટે રજીસ્ટ્રેશન ફ્રી રખાયુ છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે દુકાન રજિસ્ટર હશે. તે દુકાન બહાર વડફેસ્ટનું બોર્ડ હશે. ખરીદી કરનાર ગ્રાહકને કૂપન આપવામાં આવશે જેમાં વિગતો લખીને ડ્રોપ બોક્સમાં નાંખવાની રહેશે. દર અઠવાડિયે ડ્રો થશે. જે ગ્રાહકને નહિં લાગ્યા હોય તેમના નામો આગળના ડ્રો પણ રખાશે. જેને ઈનામ લાગ્યું હશે તેમનું નામ આગળના ડ્રોમાં નહિં જાય.

પ્રજાસત્તાક દિન: વ્યસ્તતાના કારણે વડાપ્રધાન મોદી નહિં આવી શકે
સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, વડફેસ્ટના શીર્ષક હેઠળ યોજાનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. પરંતુ તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના કારણે આગળ પાછળના દિવસોમાં વડાપ્રધાન પાસે ઓછો સમય હોય છે. તેઓ વડોદરા આવી શકે તેવી શક્યતા નહિવત છે. પરંતુ તેઓની લાગણી વડોદરા સાથે જોડાયેલી છે.

રાજ્યના નામાંકિત કલાકારો ધૂમ મચાવશે
વડફેસ્ટમાં વડોદરા અને રાજ્યના નામાંકિત કલાકારોને પણ પ્રોત્સાહિત કરાશે. તા. ૧૬ થી ૧૯ જાન્યુઆરી ૨૦૧૫ સુધી ચાર દિવસ માટે યોજાનારા કાર્યક્રમો લોકો વિનામૂલ્યે માણી સકશે. આ કાર્યક્રમોમાં લોકનૃત્ય, રાસ-ગરબા, ગઝલ, ડાયરાની રમઝટ જામશે.વડોદરાને આર્ટ કેપિટલ તરીકે પ્રમોટ કરવાના ઉમદા આશયથી રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડફેસ્ટમાં ૫૦ ઈવેન્ટ ફ્રીઝ થયાં
વડફેસ્ટના મુખ્ય આકર્ષણ તા. ૨૩-૨૪ અને ૨૫ મીએ યોજાનારા આંતરરાષ્ટ્રીય રોક સ્ટોર યાની, હિંદી સિને જગતની સ્વર સામ્રાજ્ઞાી આશા ભોંસલે, સંગીતકાર એ.આર. રહેમાન અને પાશ્વગાયક સોનુ નિગમના કાર્યક્રમોનું આકર્ષણ લોકો માટે વધુ રહેશે. વડફેસ્ટ હેઠળ લગભગ ૫૦ જેટલા ઈવેન્ટ ફ્રીઝ થયા છે અને આ માટે ૧૫ સ્થળો પણ નક્કી કરાયા છે. પ્રિ.વેડફેસ્ટ કાર્યક્રમોમાં રાજ્યના લોકલ કલાકારો ધૂમ મચાવશે.