શ્રાવણમાં 'ॐ ના જાપથી મનુષ્યના વાણી-વર્તનમાં આવે છે ચમત્કારી બદલાવ!

24 Aug, 2015

પવિત્ર શ્રાવણ માસમાં શિવપુરાણનું પઠન અને શ્રવણ અનેક પૂણ્યોનું કારક ગણાય છે. તેવી જ રીતે ॐ પ્રણવ મંત્ર ઓમકારનો મંત્રનો જાપ પણ મનુષ્યને પ્રપંચથી મુકત કરીને તેના મનને અને સ્વભાવને પ્રભાવીત કરે છે. ભગવાન ભોળાનાથ પોતે પાંચ કર્મોનાં કારક છે.

 
આ પાંચ કર્મો એટલે (૧) સૃષ્ટિ (૨) સ્થિતિ (૩) સંહાર (૪) તિરોભાવ (પ) અનુગ્રહ. સંસારનો આરંભ કરવો એ સૃષ્ટિ કૃત્ય, તેનો નાશ એટલે સંહાર, તેનો ઉદ્ધાર એટલે નિરોભાવ, અને જીવનો મોક્ષ એટલે અનુગ્રહ. આમ સૃષ્ટિનો આરંભ કરવાથી માંડીને તેનું પોષણ અને તેનો ઉઘ્ધાર અને મોક્ષ સુધીનાં મહત્વનાં પાંચ કાર્યો ભગવાન દેવાધિદેવ મહાદેવજી કરે છે.
 
આ પાંચ કાર્યો પંચ મહાભૂતોમાં દ્રષ્ટિગોચર થાય છે. પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, વાયુમાં તિરોભાવ અને ગગન (આકાશ)માં અનુગ્રહ પ્રગટ થાય છે. આ પાંચેય કાર્યો યથાયોગ્ય સ્થિતીમાં થાય એટલે એ પાંચ મુખો પણ છે. અને એટલે જ મહાદેવજી પંચ મહાભૂતનાં કારક દેવ ગણવામાં આવે છે. અનંત કૃપા અને દ્રષ્ટિથી બ્રહ્માને સૃષ્ટિકાર્ય પ્રાપ્ત થયું છે. સ્થિતી કાર્ય (ભરણ-પોષણ અને લાલન - પાલન) ભગવાન વિષ્ણુ થકી થાય છે. તિરોભાવ અને સંહાર એ બે કાર્યો રૂદ્ર અને મહેશ્વરને પ્રાપ્ત થયા છે. જો કે અનુગ્રહ (મોક્ષ) નું શ્રેષ્ઠ કાર્ય ભગવાન મહદેવ ખુદ સંભાળે છે. તમે કાળને વશ થઇને તમારી સ્થિતિને ઘ્યાનમાં રાખીને અહંકારી થઇ જાવ તો ઓમકાર મંત્રનો જાપ કરો.
 
દેવાધિદેવ આ મંત્ર વિશે કહે છે : ઓમકાર અભિમાનનો નાશ કરે છે. તે સુંદર અને મહામંગલ મંત્ર છે. આ ઉત્તમ મંત્ર કલ્યાણકારી છે. તેનો પ્રથમ ઉચ્ચાર મારા થકી થયો છે. ઓમકારનાં દ્વારા મારૂં સ્મરણ થાય છે. આ મહામંત્ર ઓમકારનો ' અ ’ મારા ઉત્તર મુખમાંથી, ' ઉ ’ પ‌શ્ચિ‌મ મુખથી, ' મ ’ દક્ષિણ મુખથી અને બિંદુ પૂર્વ મુખથી તથા નાદ ઉઘ્ર્વ મુખથી પ્રગટ પામેલ છે. ઓમકાર મંત્ર દ્વારા જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે. નમ: શિવાય એ પંચાક્ષર મંત્ર માંથી પાંચ માતૃકાઓ (મકાર-નકાર) વગરે ઉત્પન્ન થઇ છે. આ મૂળ મંત્રથી જ ભોગ અને મોક્ષ બંને મળે છે. જયારે અન્ય મંત્રો ભોગરૂપી ફળ આપનારા છે. મારા લિંગનું પૂજન - સ્મરણ -ભકિત ઓમકાર મંત્ર થી પૂજન પંચાક્ષર મંત્રથી થવું જોઇએ.
 
પ્રાચિન કાળમાં ઋષી મુનિઓ ઘ્યાન અને તપ માત્ર ઓમકાર મંત્ર વડે જ કરતા. શાસ્ત્રોની રચના થઇ એ પહેલાથી આ પ્રણવ મંત્રનું અસ્તિત્વ રહ્યું છે. સતત આ ઓમકાર મંત્રનો જાપ કરનાર મનુષ્યનું ચિત્ત શાંત થઇ એનામાં હકારાત્મક ઉર્જા‍નો પ્રાર્દુભાવ જાગૃત થાય છે. 'યોગ વસિષ્ઠ ’નામનાં ગ્રંથમાં જણાવ્યા મુજબ નિયમિત ઓમકાર મંત્રનાં ઉચ્ચાર સાથે પ્રાણાયમ કરવાથી મનુષ્યનાં મસ્તિષ્કની આસપાસની આભા તેજસ્વી બને છે. તેનાથી તેનું વ્યકિતત્વ પ્રભાવશાળી બને છે. તેનાં સ્વભાવમાં એક ઉચ્ચ પ્રકારની નિર્દોષતા અને વિનમ્રતાનો જન્મ થાય છે. ઓમકાર મંત્રનાં સતત અભ્યાસથી માણસ અભાવમાંથી મુકત થઇ ભાવમય જગતમાં પ્રવેશે છે. તેનાં સ્વભાવમાંથી અભાવનો નાશ થવાથી તે પૂર્ણ સંતોષનો અનુભવ કરે છે.
 
મનુષ્ય સ્વભાવથી પોતાનું દુ:ખ સહન કરવા માટે ટેવાયેલો નથી. અને દુ:ખ વગરનું જીવન નથી. એટલે આ ઓમકાર મંત્રનાં ઉચ્ચારથી, તેના પ્રભાવથી મનુષ્ય પોતાનાં સ્વભાવમાં પરિવર્તન કરી શકે છે.