દિવાળીઃ લક્ષ્મીની પૂજા+જાપ કરતી સમયે ભુલથી પણ ન કરવાં આ પાંચ કામ!

09 Nov, 2015

 દિવાળીમાં કરવામાં આવતાં જાપ અને પૂજા પૂર્ણ વિધિ-વિધાન અને સમર્પણથી કરવામાં આવવી જોઇએ. પૂર્ણ ક્રિયા અને શ્રદ્ધાની સાથે કરવામાં આવેલી પૂજા અને જાપ શુભફળ જરૂર પ્રદાન કરે છે. પુરાણોમાં દેવી-દેવતાઓની પૂજા અને જાપ સાથે સંબંધિત ઘણી વાતો ઉલ્લેખવામાં આવી છે, જેનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવું જોઇએ.

 
દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા અને જાપ કરતી સમયે પોતાના આ પાંચ ભાવો અને ક્રિયાઓને વશમાં રાખશો તો નિશ્ચિત જ તમારે તમારી પૂજાનું શુભફળ મળશે.
 
1. છીંકવું-
 
દેવી-દેવતાઓનો જાપ કરતી સમયે વ્યક્તિએ પોતાની છીંક અથવા ઉધરસ પર નિયંત્રણ રાખવું જોઇએ. ભગવાનનું ધ્યાન કરતી સમયે છીંકવાથી મુખ અપવિત્ર થઇ જાય છે અને અપવિત્ર મુખથી ભગવાનનું નામ લેવું વર્જિત માનવામાં આવે છે. જો દેવીનો જાપ કરતી સમયે છીંક અથવા ઉધરસ આવે તો તરત જ હાથ-મુખ ધોઇ લેવા જોઇએ, પવિત્ર થઇ જવું અને ત્યાર પછી જ જાપ ફરી શરૂ કરવાં.
 
2. થુંકવું-
 
થુંક દ્વારા વ્યક્તિ પોતાના શરીરની ગંદગીને બહાર કરે છે. દેવી-દેવતાઓની પૂજા અથવા જાપ કરતી સમયે એવી કોઇપણ ક્રિયા કરવી વર્જિત માનવામાં આવે છે. વ્યક્તિએ પોતાના મનની સાથે-સાથે શરીરને પણ પૂર્ણ રીતે શુદ્ધ કર્યા પછી જ ભગવાનની પૂજા-અર્ચના કરવી જોઇએ. જો પૂજા અથવા ધ્યાનની વચ્ચેમાં શરીર સંબંધી કોઇપણ ક્રિયા કરવી પડે તો ફરીથી સ્નાન કર્યા પછી જ દેવી-દેવતાઓની પૂજા કરવી જોઇએ.
 
3. બગાસાં ખાવાઃ-
 
બગાસા લેવા આળસની નિશાની માનવામાં આવે છે. જે વ્યક્તિ સવારે ઉઠીને બગાસાં લેતો રહે છે અથવા ઊંઘની અવસ્થામાં રહે છે, તેને ભગવાનની પૂજા-અર્ચના કરવાની મનાઈ છે. ધર્મ ગ્રંથો મુજબ, સવારે જલ્દી ઉઠીને, સ્નાન વગેરે કાર્યો પૂર્ણ કર્યા પછી, આળસ-ઊંઘ જેવા ભાવોને મનથી દૂર કરીને જ દેવી લક્ષ્મીનો જાપ અથવા પૂજા કરવો.
 
4. ગુસ્સોઃ-
 
વિના કારણે કોઇ વાત ઉપર ગુસ્સો કરવો સૌથી મોટાં અવગુણમાંથી એક માનવામાં આવે છે. જે ગુસ્સાનો ભાવ પોતાના મનમાં રાખે છે, તે કોઇપણ કામમાં પોતાનું મન લગાવી શકતું નથી. દેવ પૂજા અને સાધના માટે મનને શાંત અને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે. અશાંત મનથી કરવામાં આવતો જાપ ક્યારેય ફળ આપતો નથી. આ માટે, દરેક વ્યક્તિએ મંદિર જતાં પહેલાં અથવા ઘરે જ ભગવાનની પૂજા અથવા જાપ કરતાં પહેલાં ગુસ્સો, હિંસા, લાલચ જેવા ભાવોને મનથી દૂર કરી દેવો જોઇએ.
 
5. મદ (નશો)
 
જે વ્યક્તિ નશો કરે છે, તેને પુરાણોમાં રાક્ષસની સમાન માનવામાં આવે છે. દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરતાં પહેલાં વ્યક્તિએ પોતાના મન અને પોતાના તન બંન્નેની શુદ્ધિ કરવી ખૂબ જ જરૂરી હોય છે. જે વ્યક્તિ દારૂનું સેવન કરે છે, તેના બધા જ પુણ્ય કર્મ નષ્ટ થઇ જાય છે અને તેને નરકની પ્રાપ્તિ થાય છે. ભગવાનની પૂજા અથવા જાપ કરતી સમયે નશા વિશે વિચારવું પણ મહાપાપ માનવામાં આવે છે.