Gujarat

‘આઇડિઅલ સ્ટેટ’ ગુજરાતમાં સેન્ટર ખોલવાની યોજના કરી રહ્યું છે અમેઝોન

વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રિટેઇલર અમેઝોન ભારતમાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા જઇ રહ્યું છે. આ માટે તેણે ગુજરાત પર પસંદગી ઉતારી છે. માહિતી અનુસાર અમેઝોન પોતાનું બીજું ફુલફિલમેન્ટ સેન્ટર ગુજરાતમાં ખોલવા જઇ રહ્યું છે અને આ માટે તે 2 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુએસ બેસ્ડ કંપનીએ આગામી વર્ષે આ સેન્ટરને ઉભુ કરવા માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ટૂંક સમયમાં કંપની બેઠક કરશે તેવું જાણવા મળ્યું છે, જોકે અમેઝોન દ્વારા આ અંગે કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી.

ફ્લિપકાર્ટ, સ્નેપડીલ્સ તથા અન્ય નાની કંપનીઓ તરફથી અમેઝોનને ઇ કોમર્સ માર્કેટમાં ભારતમાં મોટી સ્પર્ધા મળી રહી છે. હાલ દેશમાં કંપનીના સાત સેન્ટર છે. સૂત્રો અનુસાર આ નવા સેન્ટરથી રાજ્યને અનેક ફાયદા થશે જેમાં રોકાણ, રોજગારી, રેવન્યૂ તથા નાના અને મધ્યમ વ્યવસાયોને તેમાં સમાવી લેવામાં આવશે. ગ્રાહકોને પોસાય તે કિંમતમાં વસ્તુઓ આપવાની સાથોસાથ ગુજરાતના વિવિધ સહાયક ઉદ્યોગોને પણ ફાયદો થશે.

અમેઝોનના ફુલફિલમેન્ટ સેન્ટર્સ અંગે વાત કરવામાં આવે તો હાલ મુંબઇ, બેંગ્લોર, દિલ્હી, ચેન્નાઇ, જયપુર, અમદાવાદ અને તાઉરુ(ગોરેગાંવ)માં છે. જુલાઇમાં અમેઝોને કહ્યું હતું કે વેચાણ અને ગ્રાહકોની વધતી સંખ્યાને જોઇને આગામી કેટલાક વર્ષોમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છેકે આ જાહેરાત ત્યારે કરવામાં આવી હતી, જ્યારે ફ્લિપકાર્ટ દ્વારા 1 બિલિયન ફંડિગની વાત કરી હતી. ગયા અઠવાડિયે સ્નેપડીલે પણ જાપાનીઝ ટેલિકોમ સોફ્ટબેન્ક પાસેથી 627 મિલિયનનું ફંડિંગ મેળવ્યું હતું.

સૂત્રો અનુસાર અમેઝોન ગુજરાતને આદર્શ રાજ્ય તરીકે જોઇ રહ્યું છે, જ્યાં સારો વ્યવસાય, વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી અને ગ્રાહકોની વધતી માંગ છે. માહિતી અનુસાર ગયા મહિને અમેઝોનના સિનિયર એક્ઝિક્યૂટિવ ગુજરાતના નાણા અને એનર્જી મંત્રી સૌરભ પટેલ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને પોતાની યોજના અંગે ચર્ચા વિચારણા કરી હતી.

Releated News