વોટસએપનાં માધ્યમથી યુવાનોએ ગરીબોને શિયાળામાં આપી હૂંફ

23 Dec, 2014

ગરીબોનાં શરીરે પુરતાં કપડાં નથી હોતા, તો શિયાળાની કડકડતી ઠંડીમાં તેમની પાસે ગરમ વસ્ત્રો ક્યાંથી હોય, તેઓ કેવી રીતે શિયાળાની કડકડતી ઠંડીની રાતો વિતાવતા હશે. આવા વિચારોથી આપણા રૂંવાડા ઉભા થઇ જાય. ત્યારે આવા સમયે ગોંડલનાં આંઠ યુવાનોએ સમાજમાં પ્રેરણારૂપ સેવાની સુવાસ ફેલાવી ગરીબો તેમજ શ્રમિક લોકોને ગરમ વસ્ત્રો અને બુટ-ચંપલ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરી માનવતાની હૂંફ આપી હતી.

 વોટસએપનાં માધ્યમથી મિત્ર વતૃળોને ગરમ કપડા સહિતની વસ્તુઓ માટેની ટહેલ કર્યા બાદ છેલ્લા એક મહિનામાં બે હજારથી વધુ લોકોને વસ્ત્રોનું દાન કરી આ યુવાનોએ માનવતાની મહેક ફેલાવી છે.
 
ગોંડલની પતંજલી ચિકીત્સાલયમાં નોકરી કરતાં મયુર તોગડીયાએ શિયાળાનાં પ્રારંભે એક ગરીબ બાળકીને ઠંડીમાં ફાટેલા વસ્ત્રો સાથે જોઇ હતી. આ દ્રશ્ય જોયા બાદ મયુરનું દિલ હચમચી ગયું હતુ. આવી બાળકી જેવા કેટલાયે લોકો હશે કે જેનાં ઠંડીમાં આવી હાલત હશે. ત્યારે જ મનોમન નિક્ક કરી લીધું કે, ગરીબ લોકો માટે કંઇક કરવું. જે વિચાર મિત્રો વિનોદ સખીયા, આશીષ રૈયાણી, હિરેન સાટોડીયા, યોગેશભાઇ માલવીયા, ગૌતમભાઇ માલવીયા, પ્રકાશ હિરપરા અને રાજુભાઇ વાંજાને જણાવ્યાં હતા. આ વિચારને તેમણે પણ સમર્થન આપ્યું હતુ. 
 
જેથી તમામ મિત્રોએ ભેગા મળી વોટસએપ પર ગરમ વસ્ત્રો, ધાબળાં, બુટ-ચંપલ જેવી વસ્તુઓ માટે ટહેલ કરતો મેસેજ કર્યો હતો. જે મેસેજને લોકોએ પણ વધાવી ખુબ જ સહયોગ આપી જુના ગરમ વસ્ત્રો, ધાબળાં જેવી વસ્તુઓ મોકલી સેવાકીય પ્રવૃતિમાં સહભાગી બન્યાં હતા.
 
આ અંગે યુવાનોએ લોકોને પણ અપીલ કરી છે કે, જો આપની પાસે પણ જો જુના ગરમ વસ્ત્રો જેવી વસ્તુઓ હોય તો અમને મિલનભાઇ સાટોડિયા, ધ કમ્લીટ મેન શોપ, ડેરા શેરી, ગોંડલ તેમજ ૮૨૩૮૩ ૨૬૭૭૩ નંબર પર સંપર્ક કરી સેવાકીય પ્રવૃતિમાં સહભાગી થઇ શકો છો.